Friday, January 18, 2013

ગીતાનું સંગીત



ગીતાનું સંગીત












ગીતાનું સંગીત એ શબ્દો સાંભળતાવેંત કોઈ જિજ્ઞાસુ અજબ ભાવ અનુભવતાં બોલી ઊઠશે કે શું સંગીત ? ને તે પણ ગીતાનું ? સંગીત તો વીણાનું હોય, વાંસળીનું હોય, બીજાં વાજિંત્રોનું પણ હોય, ગીતા તો એક ગ્રંથ છે. તેનું વળી સંગીત કેવું ? આપણે કહીશું, ભાઈ, ગીતાનું પણ સંગીત છે. તેને સાંભળવાની શક્તિ તો મેળવો. પછી તે સંગીતનો સ્વાદ પણ લઈ શકશો. તે સંગીતના બજવૈયા કે સ્વરકાર ભગવાન શ્રીકૃષ્ણ છે. સંગીતની કળામાં તે ખૂબ જ કુશળ છે. તેમની વાંસળીનો સ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણે. કહે છે કે ભલભલા સમાધિનિષ્ઠ મુનિવરોનાં મન પણ તેના પ્રભાવથી ડોલી ઊઠે છે ને પ્રેમથી દ્રવે છે. ભલભલા તપસ્વી પણ તેના રસથી રંગાઈને મંત્રમુગ્ધ બની જાય છે. એ તો ઠીક પણ ગોકુલ ને વૃંદાવનની ગાયો પણ તેના અમૃતમય ને દેવોને પણ દુર્લભ એવા રસાસ્વાદથી જાણે કે સમાધિસ્થ થઈને ઊભી રહે છે, ને પશુપક્ષી તથા વનસ્પતિ પણ તેથી નવજીવન અનુભવે છે. વાંસળી બધાંની અંદર, જડ કે ચેતનમાં, બધે જ પ્રાણસંચાર કરે છે.


વૃંદાવનની પુણ્યભૂમિમાં પૂર્ણિમાની રાતે અચાનક વાંસળી વાગી, તેના પરિણામે ગોપી જાગી, ને પછી તો સંસારને માટે એક મહાન સ્મૃતિરૂપ એવો રાસ રચાયો. વાંસળીના અમૃતમય આલાપથી મુગ્ધ બનેલી ગોપી વધારે મુગ્ધ બની, ને પોતાના પ્રિયતમ, પ્રાણથી પણ પ્રિય ભગવાન શ્રીકૃષ્ણની સાથે એકતાનો આનંદ અનુભવી રહી. ધન્ય એ વ્રજ, ધન્ય એ કૃષ્ણ ને ગોપી ને સૌનાય હૃદયતારને સાંધીને એક કરનારી ધન્ય એ વાંસળી. પણ એ વાંસળી કૃષ્ણના હૃદયમાં જ સમાઈ ગઈ. કૃષ્ણના પ્રેમ ને જ્ઞાનની એ તો મુર્તિ હતી. છતાં કૃષ્ણનો વાંસળી વગાડનાર ઉસ્તાદ કે સંગીતકારનો સ્વભાવ મટ્યો નહિ, બાલપણનો રસ કેવી રીતે મટી શકે ?


વર્ષો વીતી ગયાં, વૃંદાવનની શરદપૂર્ણિમાની રાસલીલા એક ભૂતકાળની સ્મૃતિ બની ગઈ, ને સ્વયં શ્રીકૃષ્ણ પણ એક મહાપુરૂષ બની ગયા, ત્યારે કુરુક્ષેત્રની પુણ્યભૂમિમાં પણ ફરી પાછો રાસ રચાયો. પણ એ રાસ જ્ઞાનનો હતો, ને તેમાં ભાગ લેનાર એક પુરૂષ–મહારથી વીર અર્જુન હતો. ગોપીઓની જેમ જ ભગવાન તેનું પણ રક્ષણ કરવા તત્પર હતા. ગોપીઓની સાથે ભગવાને જેમ ગુહ્યાતિગુહ્ય લીલા કરી હતી, તેમ અર્જુનની સાથે પણ ગુહ્યતમ જ્ઞાન આપવાની લીલા કરી. અલબત્ત, રાતે નહિ પણ ધોળે દહાડે જ્ઞાનનો એ અદ્ ભુત ને અલૌકિક તથા અભૂતપૂર્વ રાસ કોઈ એકાંત કુંજનિકુંજમાં નહિ. પણ ભીષણ યુદ્ધને માટે સજ્જ થઈ ઊભેલા લાખો શૂરવીરોની વચ્ચે રણમેદાનમાં રચાયો હતો. તેના પ્રભાવથી ગોપીઓની જેમ અર્જુનના પણ બધા સંશય છેદાઈ ગયા ને તેને શાંતિ મળી. પેલી વાંસળીએ ગોપીને મુગ્ધ કરી હતી, તો આ ચૈતન્યમયી જ્ઞાનવાંસળી ગીતા વાંચવા વિચારવાથી સૌ કોઈને મુગ્ધ કરે છે, ને પ્રેમ તથા શાંતિથી તરબોળ કરી દે છે. જડ અને મૃતવત્ થયેલાને જ નહિ, જ્ઞાનીને પણ જીવન આપે છે.


કુરૂક્ષેત્રની ભૂમિમાં કૃષ્ણ ને અર્જુન બન્નેની વૃત્તિઓનો શરૂઆતમાં રાસ રમાયો, ને તેના રહસ્યનો છેવટે શબ્દમાં અવતાર થયો. વેદની ઋચા જેવા સૂર વાંસળીમાંથી વહેતા હતા, તે જ જાણે વધારે સ્પષ્ટ, સ્થૂલ ને સાકાર બનીને વહેવા માંડ્યા. જે જગતના પ્રેમદેવતા ને ગોપીઓના પ્રાણાધાર હતા, તે એક બીજા નવા અભિનયમાં જગતના ગુરૂ થયા, ને અર્જુનના પ્રકાશદાતા બની ગયા ! શ્રીકૃષ્ણની અંતરવાંસળીનું એ સંગીત સાંભળીને અર્જુનને તો આનંદ થયો જ છે, પણ યુદ્ધભૂમિથી દૂર–ખૂબ જ દૂર બેઠેલા સંજયને પણ આનંદ થયો છે, ને તે પણ ફરી ફરી આનંદ પામે છે. કૃષ્ણ ને અર્જુન તથા કુરૂક્ષેત્રની ભૂમિથી દૂર બેઠેલાને મહાભારતકાળથી દૂર અતીતકાળમાં આવી પડેલા આપણને પણ શું એવો જ આનંદ નથી થતો ? ગીતાનું સરલ, સ્પષ્ટ ને અસરકારક સંગીત શું આપણને પણ મુગ્ધ નથી કરતું ? મહર્ષિ વ્યાસનો ઉપકાર માનો કે એ શબ્દસંગીત સાંભળવાનું આપણને સદ્ ભાગ્ય મળે છે. માનવજાતિ તેમની ઋણી છે. તેમણે જ ગીતાના છૂટા પડેલા સ્વરને ભેગા કર્યાં છે અથવા કહો કે છૂટાં પડેલાં ફૂલને એક કુશળ માળીની જેમ તેમણે ભેગાં કર્યાં છે, ને એક સર્વ સામાન્ય સૂત્રમાં ગુંથી લીધાં છે. આવી ઉત્તમોત્તમ માળાનું દાન કરીને તે મહાનમાં મહાન દાનેશ્વરી બની ગયા છે. ગીતાનો ગ્રંથ કહીએ તો પણ તે એક સંગીતમય ગ્રંથ છે એમાં શંકા નથી. તેના પ્રત્યેક વિચાર ને શબ્દેશબ્દમાં સંગીત છે.


એ સંગીતનો આસ્વાદ લેવાનું કામ શરૂ કરીએ તે પહેલાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં થયેલા ને ભવિષ્યમાં થનારા ગીતાના અમૃતમય સંગીતના બધા જ રસિયાઓને આપણે નમસ્કાર કરી લઈએ, મોટા કે નાના, પ્રકટ કે અપ્રકટ, ગીતાના ભાષ્યકારોને, વિચારકોને ને ગીતાજ્ઞાનના પ્રદાતા ગુરૂદેવોને આપણે નમસ્કાર કરી લઈએ. ગીતાના સંગીતને સર્વપ્રિય બનાવવામાં તેમનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. તેની સાથે વંદન કરીએ હિમાલયની આ પવિત્ર ઋષિમુનિસેવિત ભૂમિને કે જે જ્ઞાન ને શાંતિની જનની છે, ને આધ્યાત્મિકતાની પ્રેરણાભૂમિ છે. વળી શુભ્રાતિશુભ્ર રૂપરંગે સુશોભિત બનીને વહી જનારી, પ્રેમ ને જ્ઞાનના પ્રવાહ જેવી આ ગંગાને પણ પ્રણામ કરીએ. જે જ્ઞાની ને તપસ્વીની આશ્રયદાત્રી છે, ને પવિત્રતા તથા તેજથી ભરેલી માતા છે. એ પછી પેલી કુરૂક્ષેત્રની ધર્મભૂમિને પણ વંદન કરીએ કે જેના હૃદય પર ગીતાનો અવતાર થયો છે, ને એ રીતે જેનો મહિમા વાંસળીના સ્વરથી પવિત્ર ને સુમધુર બનેલા વૃંદાવનથી જરાપણ ઉતરતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ ને અર્જુનને વંદ્યા વિના તો કેવી રીતે રહી શકાય ? તેમના વિના તો ગીતાનો અવતાર જ ન થયો હોત. તેમને આપણા અનેકાનેક વંદન છે. શ્રીકૃષ્ણના ઋણમાંથી તો કોઈ છૂટી શકે તેમ જ નથી. તેમને તો હંમેશાં ને હરેક સ્થળમાં નમતા રહીશું. ગીતાના સંગીતનો સ્વાદ લેવાની તે શક્તિ આપે, ને તેને જીવનમાં ઉતારી શકાય તેવો આશીર્વાદ આપે તો જ આપણું કામ સરલ બને તેમ છે. કેમકે ગીતાના ગૂઢ સંગીતને સમજવાનું કામ કપરૂં છે. રઘુવંશની શરૂઆતમાં મહાકવિ કાલીદાસે કહ્યું છે તેમ, વામન પુરૂષ પોતે ના પહોંચી શકે તેટલે ઊંચે ઝાડ પર આવેલા ફળને લેવા હાથ ઊંચો કરે તેવું કપરૂં છે. જ્ઞાનના મહાન સમુદ્રને એક નાની સરખી નૌકાથી તરવા માટે તૈયાર થવા જેવી આ વાત છે.


સંગીતનો સ્વાદ કોણ માણી શકે ? એકાદ ઉસ્તાદ કે કોઈ સંગીતકાર. મારામાં આમાંની કોઈ યોગ્યતા નથી, છતાં ગીતાના સંગીતનું આકર્ષણ જ એવું અજબ છે કે તેથી આકર્ષાયા વિના રહી શકાય જ નહિ કામ ભલેને અશક્ય કે કપરૂં હોય, ભગવાનની કૃપા હોય તો તે પણ સરલ ને શક્ય બની શકે. તેની કૃપાથી શું ના થઈ શકે ? સાગરનું પાન કરવાનું કામ કપરૂં છે પણ ભગવાનની કૃપા થાય તો સહેજમાં થઈ શકે. અગ્નિ પર આસન વાળીને બેસવાનું ને આંધળાએ જોવાનું અશક્ય જેવું છે, પણ પ્રભુની કૃપા થાય તો તે પણ શક્ય બની શકે એમાં સંદેહ નથી. તે કૃપાની ભિક્ષા માંગીને ને પ્રભુ પર શ્રદ્ધા રાખીને આ કામ શરૂ કરીએ છીએ. તે બોલે ને બોલાવે તેમ બોલીએ છીએ ને લખાવે તેમ લખીએ છીએ જે કામ તેનું છે તેને તે જ કરશે ને સંભાળશે. તેની એવી પ્રતિજ્ઞા છે. તેમાં વિશ્વાસ રાખીએ.




ગીતા - ભગવાન કૃષ્ણનું હૃદય


ગીતાના એક પ્રખર વિદ્વાન ને પરમપ્રેમીએ એકવાર વાતવાતમાં મને કહ્યું, ‘ગીતા એક એવું રતન છે જેનો જોટો સંસારમાં ક્યાંય ના મળે. તેનું જ્ઞાન ખૂબ જ અદ્ ભુત છે. શ્રીકૃષ્ણે જીવનમાં અનેક જાતની લીલા કરી, કેટલાંય કામ કર્યાં, પણ ગીતાને ગાવાની લીલાથી તેમની લીલા વધારે શોભી ઊઠે છે. ગીતોપદેશ કરવાનું તેમનું કામ બધાં જ કામોમાં અગ્રપદે વિરાજે છે. ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય પૂરેપૂરું ક્યાં વ્યક્ત થયું છે ? કૃષ્ણની વાણી રસ ને પ્રેરણાની ઉત્તમમાં ઉત્તમ કોટિએ ક્યાં પહોંચે છે ? કૃષ્ણના અનેકવિધ અલૌકિક જીવનનું રહસ્ય કયે ઠેકાણે ખુલ્લું થાય છે ? તેમના જીવનની ફિલસુફી ખૂબ જ સરળ, સ્પષ્ટ ને અસરકારક રીતે તથા સંપૂર્ણપણે ક્યાં પ્રગટ થાય છે ? એના ઉત્તરમાં કહેવું જોઈએ કે ગીતામાં ને ફક્ત ગીતામાં. એટલે જ ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય કહેવાય છે. જે સિદ્ધાંતો પોતાને પ્રાણપ્રિય હતા, ને જેમનામાં વિશ્વાસ રાખીને પોતે આ જગતમાં જીવ્યા હતા, તે સિદ્ધાંતોને સંસારના હિત માટે તેમણે ગીતાના ગૌરવભર્યા ગ્રંથમાં સમાવી લીધા છે. માટે તો ગીતા ઉત્તમ ને આદર્શ જીવનની આરસીરૂપ છે. તે આરસીનો પહેલેથી જ મેં ઉપયોગ કર્યો છે, ને તેની મદદથી મન ને અંતરની મલિનતાને દૂર કરવા હિંમત ભીડી છે.


ગીતા મુક્ત કે પૂર્ણ જીવનની કુંચી છે. તેની મદદ લઈને મુક્ત જીવનના મંદિરને કોઈપણ માણસ ઉઘાડી શકે છે, ને પૂર્ણ જીવનમાં પ્રવેશ કરીને ધન્ય પણ બની શકે છે. જગતમાં જન્મીને માતાના દૂધ ને પછી અનાજથી મારા શરીરનો ઉછેર થયો છે. પણ મનનો ઉછેર તો ગીતાના અમૃતથી જ થયો છે. બાલપણથી જ પિતાનું મૃત્યુ થયું હોવાથી હું એક રીતે અનાથ કે નિરાધાર બન્યો. પણ કોઈ પુણ્યના યોગે મને ગીતાનો આધાર મળ્યો. ગીતાથી હું સનાથ બન્યો, તે માતા ને પિતા બંનેના સુખથી પણ વધારે સુખ પામ્યો. ગંગાના દર્શન ને સ્નાન તથા પાનને પ્રત્યેક ભારતવાસી ઈચ્છે છે. મારા દિલમાં પણ તે માટેની તીવ્ર ઈચ્છા  હતી–કહો કે ઝંખના હતી. પણ ગીતાનો આનંદ મળતાં જ તે ઈચ્છા શાંત થઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણના અક્ષરના હિમાલયમાંથી નીકળેલી ગીતાગંગા મારે મન સાચી ગંગા બની ગઈ. તેના સ્નાન ને પાનનો મને નશો ચઢ્યો. એ નશો નુકશાનકારક નહિ પણ લાભકારક છે.


એક બીજી વાત કહું ? જેવી રીતે કૃષ્ણનું તેવી રીતે મહર્ષિ વ્યાસનું પણ સમજવાનું છે. વ્યાસે ગ્રંથો ઘણા લખ્યા, પણ ગીતાના લેખનમાં તો તે ડોલી ઊઠ્યા છે. આવી ગીતાના ગૌરવ વિશે શું કહું ?

- શ્રી યોગેશ્વરજી

ગીતાનું અક્ષયપાત્ર


ગીતાની આ જ્ઞાનગંગા કેવી મધુર રીતે વહી છે ! આવો એના અમૃતને અંજલિ ભરી ચાખીએ ને કૃતાર્થ થઈએ. ગીતાના સંગીતના સુંદર સ્વર સાંભળીએ. એથી બધાં દુઃખ ટળી જશે ને આનંદઆનંદ થઈ રહેશે. ગીતાનો રસ અક્ષય છે. નદીનાં નીર ચોમાસામાં ભરાય ને ઉનાળામાં પાછા સુકાઈ જાય, કૂવા પણ વખત પર ભરાય ને પાછા ખાલી થાય, તળાવ પણ રસ ને કસ વિનાનાં બની જાય, પણ ગીતાનો અમૃતરસ કદી પણ નહિ સુકાય, નહિ ઘટે કે ખાલી પણ નહિ થાય. કરોડો લોકો હજારો વરસોથી તે રસનું પાન કર્યા કરે છે, ને હજી પણ પાન કર્યા કરશે. એકની એક વસ્તુ રોજ રોજ વાપરવાથી તેનું આકર્ષણ ઓછું થાય છે એમ કહેવાય છે. પણ ગીતાના સંબંધમાં તે સાચું નથી. પેલા સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે સોનાને ફરીફરી તપાવવાથી તેની કાંતિમાં વધારો થતો જાય છે, તથા ચંદનને પણ વધારે ને વધારે ઘસવાથી તેની સુવાસ વધતી જાય છે, તેમ ગીતાનું વાંચનમનન વારંવાર કરવાથી તેના રસમાં વધારો થતો જાય છે. અરુચિવાળા માણસે પણ એકવાર જ્યાં ગીતાના અમૃતરસનો સ્વાદ લીધો, ત્યાં તેને એવો ચસકો લાગવા માંડે છે, રસની એવી તો અદમ્ય ભૂખ લાગવા માંડે છે કે તેને તૃપ્ત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ થઈ પડે. પછી તો તે ગીતાનો પરમ પ્રેમી થઈ જાય છે. ગીતાના નિરંતર અભ્યાસથી તેના રસમાં વધારો થતો જાય છે. છેવટે તેની રસાસ્વાદની ઈચ્છા શમી જાય, ને તેની તરસ કે ભૂખ પણ શાંત થઈ જાય, પણ ગીતાનો રસ ખૂટતો નથી. ગીતાનું અક્ષયપાત્ર તો એવું ને એવું જ ભરેલું રહે છે. ખાબોચિયાં ને નાની નદી જલદી સુકાઈ જાય છે, પણ ગંગા સદાય ભરેલી જ રહે છે. ઉનાળાની સખત ગરમીમાં પણ તેનું પાણી તન, મન અને અંતરને શીતળ કરે છે, ને ટાઢું હીમ જેવું થઈને વહ્યા કરે છે. યુગોથી પૃથ્વીના પ્રવાસે નીકળેલો તેનો પ્રવાહ કદી ખૂટતો કે થાકતો જ નથી. ગીતાની અમૃતગંગા પણ એવી જ અવિનાશી છે. ગંગાની જેમ તે પણ પતિતપાવની છે. કોઈ પણ સ્થળે ને કોઈયે કાળે માણસને તે શાંતિ આપી શકે છે. આનું નામ અમરતા. ગીતા અમરતાની મૂર્તિ છે.


સંસારમાં બે પ્રકારનું સાહિત્ય છે. એક તો ક્ષણજીવી સાહિત્ય ને બીજું સર્વકાલીન કે સનાતન સાહિત્ય ક્ષણજીવી સાહિત્ય અમુક સમય પૂરતું જ પ્રકાશ આપે છે. બધા સમયને માટે તે પ્રેરણા નથી આપી શકતું. પરંતુ સનાતન સાહિત્ય ગઈકાલ, આજ, આવતીકાલ ને બધા જ સમય માટે પ્રેરણા આપનારૂં છે. જ્યાં સુધી માનવજાતિ જીવે ત્યાં સુધી તેને અસર કરનારું છે, ગીતાનું સાહિત્ય આવું સનાતન છે. ગીતાને વ્યાસની બુદ્ધિનો નીચોડ કહી શકાય. ભારતીય ધર્મમાં પ્રસ્થાનત્રયીનું મહત્વ વિશેષ છે. ગીતા ભારતીય જ્ઞાનધારાનું પરિપૂર્ણ પ્રતીક છે, ભારતના આધ્યાત્મિક ઉદ્યાનનું પૂર્ણપણે ખીલેલું ફૂલ છે. એમાં સંદેહ નથી. મહાભારતના યુદ્ધમાં ને મહાભારત ગ્રંથમાં–બન્નેમાં ગીતા પ્રાણ જેવી છે. બીજા ગ્રંથોમાં વ્યાસ ભગવાનનું મસ્તિષ્ક કે બુદ્ધિધન વ્યક્ત થાય છે, ને સારી રીતે વ્યક્ત થાય છે, પણ ગીતામાં તો તે ઉપરાંત એક બીજી જ અનોખી વસ્તુ–વ્યાસનું હૃદય રજૂ થયેલું છે. જે ભાવના ને જીવનની ફિલસુફી વ્યાસને ખૂબ પ્રિય હતી, જે તેમના જીવનમાં આશા, પ્રેરણા ને પ્રકાશનું કામ કરતી હતી, તે તેમાં રજૂ થઈ છે. અટલે તે આટલી બધી અસરકારક બની ગઈ છે.


ગીતાની મહત્તા તેના રચનારને મન કેટલી બધી છે તેનો ખ્યાલ લાવવા ગીતાના દરેક અધ્યાયની નીચેના શબ્દોનો વિચાર કરો. તેમાં ‘ભગવદ્ ગીતા સૂપનિષત્સુ’ એવા ઉલ્લેખ છે. ભગવદ્ ગીતા એક ઉપનિષદ્ છે એમ તેમાં કહેવામાં આવ્યું છે, ને  ગીતાના બધા જ ટીકાકારો ને વિચારકોએ ચરણને માન્ય રાખ્યું છે. આપણે એમ પણ કહી શકીએ કે  ગીતા બધાં જ ઉપનિષદોનું પ્રતિનિધિત્વ કરનારો કે ઉપનિષદોની વતી જવાબદારીપૂર્વક બોલનારો ગ્રંથ છે. જે તેનું શરણ લે, તેની શિક્ષાને જીવનમાં ઉતારે, તેના બધા જ સંશય છેદાઈ જાય, ને તેને શાંતિ ને માનસિક પ્રસન્નતાની પ્રાપ્તિ પણ થઈ જાય. આ અર્થ પ્રમાણે ગીતાને ઉપનિષદ્ કહેવાનું બરાબર જ છે, એ વાતનો આપણે પણ સ્વીકાર કરીશું, ને સહર્ષ સ્વીકાર કરીશું.

- શ્રી યોગેશ્વરજી

કઠિયારાની વાત


ગીતા જેવા મહાન ગ્રંથનો વારંવારનો વિચાર ખૂબ જ ઉપયોગી છે. આ બાબતમાં પેલી લોકવાર્તાને યાદ કરવા જેવી છે. વાર્તા એવી છે કે, એક કઠિયારો ખૂબ જ ગરીબ હતો. તેને એક મહાપુરૂષની મુલાકાત થઈ ગઈ. મહાપુરૂષે તેની કંગાલિયત જોઈને કહ્યું : આ જંગલમાં તું જ્યાં લાકડા કાપવા જાય છે ત્યાં હવે ના જઈશ. પણ જંગલમાં વધારે ને વધારે અંદર જજે. આમ કરવાથી બહુ જ થોડા વખતમાં તારી કંગાલિયત દૂર થઈ જશે, ને તું ધનવાન બની જઈશ. કઠિયારાને આ સાધારણ ઉપાય સાંભળીને બહુ આનંદ થયો. બીજે દિવસથી તે તો જંગલમાં અંદર ને અંદર જવા માંડ્યો. અંદર જતાં જ તેણે ચંદનનું જંગલ જોયું તે તો આનંદમાં આવી ગયો. કપાય તેટલાં ચંદનના લાકડાં કાપીને તે નગરમાં વેચવા ગયો. તો તે દિવસે તેને ખૂબ પૈસા મળ્યા.


બે ચાર દિવસ સુધી તે જ ચંદનનાં લાકડાં કાપ્યાં પછી તેને થયું કે પેલા મહાપુરૂષે તો જંગલમાં અંદર ને અંદર જવાનું કહ્યું છે, ફક્ત ચંદનના જંગલ પાસે અટકવાનું કહ્યું નથી. બીજે દિવસે તે ગયો, તો તેના હરખનો પાર રહ્યો નહિ. કેમ કે ત્યાં બધે દેવદારના ઝાડ હતાં ! તે દિવસે તેને વળી વધારે પૈસા મળ્યા. એમ કરતાં કરતાં તેને જંગલમાં તાંબુ, ચાંદી ને સોનાની ખાણ પણ મળી ગઈ, ને હીરા માણેક પણ તેના હાથમાં આવ્યાં. હવે તો તેના ભાગ્યનું કહેવું જ શું ? મહાપુરૂષે કહેલી વાણી ફળી, ને તે કઠિયારો થોડા વખતમાં તો સુખી ને શ્રીમંત બની ગયો.


આ વાત સાચી હો કે ખોટી, ને તે પ્રમાણે પેલો કઠિયારો ધનવાન ને સુખી બન્યો હોય કે નહિ, પરંતુ તેના પરથી ફલિત થતી શિક્ષા તો સાચી જ છે. તે શિક્ષા બે પ્રકારની છે. એક પ્રકારની શિક્ષા એવી છે કે જીવનનો વિકાસ કરવા માગનાર માણસે ખોટા સંતોષનો આશ્રય લીધા વિના હંમેશા આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. જીવનનો વિકાસ ખૂબ જ વિરાટ છે. તેની ભૂખ જાગ્રત રાખીને માણસે આગળ ને આગળ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. તો જ તેને સાચી મહાનતા ને શ્રી મળી શકે. બીજી શિક્ષા જ્ઞાનના સંબંધમાં છે ને ગીતા જ્ઞાનની પ્રત્યક્ષ પ્રતિમા હોવાથી, તેના સંબંધમાં પણ તે લાગુ પાડી શકાય છે. ગીતાના સંબંધમાં પણ તે શિક્ષા સાચી ઠરે છે.


કઠિયારાએ જંગલમાં વધારે ને વધારે અંદર પ્રવેશ કરીને જેમ કિંમતી પદાર્થો, ધન ને સુખની પ્રાપ્તિ કરી, તેમ ગીતામાં પણ વધારે ને વધારે પ્રવેશ કરવાથી માણસને કિંમતી પદાર્થોની પ્રાપ્તિ થાય છે : જેની કિંમત તાંબુ, ચાંદી ને સોનાના સિક્કાથી પણ અનેકગણી વધી જાય, એવાં ઉચ્ચ જીવનનાં મૂલ્યવાન સત્યો કે રહસ્યોની પ્રાપ્તિ થાય છે, જેને માટે તે ઝંખે છે ને સાચી કે ખોટી દિશામાં પ્રયાસ કરે છે. તે પરમ શાંતિ, મુક્તિ ને પૂર્ણતાનો માર્ગ તેને માટે ખુલ્લો થાય છે, ને જીવનને સફળ કરવાની કુંચી તેના હાથમાં આવી જાય છે. આખરે તેની સર્વ પ્રકારની કંગાલિયત દૂર થાય છે, ને તે ધની ને ધન્ય બને છે.


સંસારમાં ધની ઘણા છે પણ તે બધા ધન્ય નથી. ધન્યતાનો અનુભવ કરનારા તેમાં બહુ જ ઓછા હોય છે. એવા એકાદ બે ધની પણ ભાગ્યે જ મળે છે જે પોતાને પૂરા સુખી ને ધન્ય માનતા હોય. આ ઉપરાંત, કંગાલિયત પણ અનેક જાતની છે. જેની પાસે ધન ના હોય તે જ કંગાલ છે એમ માનવાની જરૂર નથી. ધન હોય પણ સારું તન ના હોય, અથવા તે બંને હોય પણ ઉત્તમ એવું મન ના હોય, તો માણસ કંગાલ જ છે. ધનની કંગાલિયત બુરી છે એનો ઈન્કાર આ યુગમાં ભાગ્યે જ કરી શકાશે. તન અને મનની કંગાલિયત આજે ઠેરઠેર થતી જાય છે એ દુઃખદ છે. માણસે સુખી થઈને સમાજ કે સંસારને સુખી કરવો હોય તો આ મહત્વની ને તેને મરણતોલ કરી નાખનારી કંગાલિયતથી મુક્ત થવું જ જોઈએ. ગીતા એ માટેના રામબાણ ઉપાય બતાવે છે. તેના અમલથી માણસ સુખી, ધની ને વધારામાં ધન્ય પણ બની શકે છે. ગીતાનો કેવળ વિચાર કરીને બેસી રહેવાથી આ હેતુ નહિ સધાય. વિચાર સાથે અમલ કે વર્તનની પણ જરૂર છે. જીવનમાં જે નિયમો ને સિદ્ધાંતોને વફાદાર રહીને ચાલવાનું છે તેનો ખ્યાલ વિચારનો આશ્રય લીધા વિના કેવી રીતે આવી પડશે ? મંથન કર્યા વિના બેસી રહેવાથી માખણ ક્યાંથી નીકળશે ? એટલે વિચારની જરૂર પહેલી છે. પછી જ તે પ્રમાણે વર્તન કરવાનો કાર્યક્રમ ઘડી શકાય. આ વિચાર જ વિવેક છે; ને તેનું મહત્વ જ્ઞાનના માર્ગમાં સૌથી પ્રથમ માનેલું છે. તે વિના માણસ ભાગ્યે જ આગળ વધી શકે.


- શ્રી યોગેશ્વરજી


ગીતાની બીજી જરૂરી વિચારણા


શરૂઆતની આટલી વિચારણા પછી હવે ગીતાની બીજી જરૂરી વિચારણા પર આવીએ. આ વિચારણા વધારે ભાગે માણસના ધ્યાનમાં નથી આવતી. એટલે સુધી કે અઢાર અધ્યાયનો પાઠ કરનારા પણ તેને ભૂલી જાય છે, કે તેની તરફ ઉદાસીનતા સેવે છે. પરંતુ તે બરાબર નથી. મારી સમજ પ્રમાણે ગીતાના વાચક, પ્રશંસક કે અભ્યાસીએ આ વિચારણાને શરૂઆતમાં જ ધ્યાનમાં લેવી જોઈએ. ને તે પછી ગીતાનો અધ્યાયવાર વિચાર શરૂ થવો જોઈએ. આ વિચારણા શી છે ? તે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે.


એક તો એ કે સારા કે નરસા કોઈયે સંજોગોમાં, દિલ બહેલાવવા, વખત પસાર કરવા કે બીજા કોઈયે કારણસર, માણસે જુગાર ના રમવો. કેમકે તે બધા જ સંજોગોમાં અનિષ્ટાકારક છે. પાંડવોને જે અનેક પ્રકારનાં કષ્ટોનો સામનો કરવો પડ્યો, ને છેવટે કૌરવોની સામે લડવા માટે શસ્ત્રો સજીને યુદ્ધના મેદાનમાં પણ ઉતરવું પડ્યું, તેના કેટલાંક કારણોમાંનું એક ખૂબ જ મહત્વનું કારણ જુગાર હતું. યુધિષ્ઠિર જો દુર્યોધન સાથે દ્યુત રમવા તૈયાર થયા ના હોત, તો તેને પરિણામે ઊભી થયેલી બીજી કેટલીક કઠિન સમસ્યાઓ ઊભી ના થાત, ને મહાભારત તથા ગીતાનો ઈતિહાસ આજે છે તેથી જુદો જ હોત. પણ દ્યુત રમવાની હા પાડીને યુધિષ્ઠિરે મોટી ભૂલ કરી.


એવી જ મોટી બીજી ભૂલ રજસ્વલા દ્રૌપદીને રાજસભામાં પકડી લાવવાની આજ્ઞા કરીને દુર્યોધને, ને તે આજ્ઞાનું પાલન કરીને દુઃશાસને કરી. પરસ્ત્રી માતસમાનના મંત્રનો એ ભંગ કૌરવોને માટે ઘણો જ ભયંકર થઈ પડ્યો. તેથી સંસારે જોઈ જાણી ના હોય એવી એક મહાન યાદવાસ્થળીનો પાયો નંખાયો. જુગારના આશ્રયથી ને પરસ્ત્રીને માતા સમાન ગણવાના માનવના નીતિનિયમના ભંગથી કેવું ભયંકર પરિણામ આવી શકે છે તે મહાભારત સારી રીતે બતાવી આપે છે.


મહાભારતના યુદ્ધ પરથી ફલિત થતી બીજી જરૂરી શિક્ષા કે વિચારણા-અંદર અંદરનો કુસંપ કેટલો અનિષ્ટકારક નીવડે છે તે છે. કૌરવ-પાંડવ ભાઈ હોવા છતાં સંપથી ના રહ્યા. ખાસ કરીને કૌરવપક્ષે પાંડવોને સતાવવામાં બાકી ના રાખ્યું. ઈર્ષા, વેર કે શત્રુતાનાં બીજ તેમણે પોતાના હાથે જ વાવ્યાં. તો છેવટે પરિણામ શું આવ્યું ? તેમનો પોતાનો જ વિનાશ થઈ ગયો. આ શિક્ષાને સમજવી ને તેને જીવનમાં ઉતારવાની જરૂર છે. મહાભારતને રચાયે ને વંચાયે કેટલાંય વરસો વીતી ગયાં, પણ તેના સારરૂપ આ શિક્ષા તરફ માનવજાતિએ બહુ જ ઓછું ધ્યાન આપ્યું હોય તેમ લાગે છે.


કુસંપ ને વેર તેના પાલક પિતાનો જ નાશ કરી નાંખે છે. એ વાત તરફ માનવનું લક્ષ હજી બરાબર નથી દોરાયું, નહિ તો માનવજાતિ ક્રોધ, વેર કે ઈર્ષાની આગથી મુક્ત બની હોત. પણ ખરેખર તેવું નથી. પ્રત્યેક યુદ્ધને અંતે માનવ પસ્તાયો છે, ને શાંતિને માટે યુદ્ધનો ઈલાજ એ સાચો ઈલાજ નથી એ પણ તે સમજ્યો છે, છતાં તરત વિધુર થયેલા માણસને જેમ લગ્ન પર વૈરાગ્ય થાય, પણ પાછળથી તે લગ્નના ઉત્સવમાં મશગુલ પણ થઈ જાય, તેમ માનવે યુદ્ધને માટેની તૈયારી પુરજોશમાં ચાલુ જ રાખી છે. હજી યુદ્ધ ને વિનાશનો ભય સંસારમાંથી દૂર થયો નથી. ઘરમાં, ગામમાં, સમાજમાં, રાષ્ટ્રસમુહમાં હજી કુસંપ વધતો જ જાય છે. માનવે સુખી થવું હોય, શાંતિની ઝંખનામાં સફળ બનવું હોય, તો સંપ ને સચ્ચાઈ તથા પરસ્પર પ્રેમના મંત્રને તેણે અપનાવવો જોઈશે. દુર્યોધનની જેમ બીજાના હક પર તરાપ મારવાનું ને જે ખરેખર પોતાનું નથી તેને પચાવી પાડવાનું મલિન માનસ છોડી દેવું પડશે ને સત્ય ને સહકારનો મહિમા સમજવો પડશે. આ મંત્રનો અનાદર કરવાથી સંસારમાં કેટલીય લડાઈઓ લડાઈ છે, ને કેટલાય જાનમાલનો નાશ થયો છે, કેટલાય દેશો પરાધીન પણ બની ગયા છે. એટલે હવે તો માનવજાતિ આ બોધપાઠને સદા યાદ રાખે તે જરૂરી છે.


- શ્રી યોગેશ્વરજી


ધર્મક્ષેત્રનો ઉલ્લેખ


ગીતાની શરૂઆતમાં જ યુદ્ધના સમાચાર જાણવા આતુર થયેલા ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ‘ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવ બંને લડવા માટે ભેગા થયા હતા. તેમનું શું થયું ? તે વાત તો કહી બતાવો.’ ને તેના ઉત્તરમાં સંજય મહાભારતના યુદ્ધની શરૂઆતનો થોડોક ઈતિહાસ ને ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ગીતાનો ઉપદેશ રજૂ કરે છે. આ સાંભળીને એક વિદ્વાને મને કહ્યું  : ‘તમને નથી લાગતું કે ગીતામાં કેટલીક શંકાસ્પદ વાતો છે ? ગીતાનો ઉપદેશ સરલ છે એ સાચું. પણ તે ગૂઢ પણ એટલો જ છે. તે કેટલીક જગ્યાએ તો સમજવામાં ને સ્વીકારવામાં મુશ્કેલી ઊભી થાય છે.’


મેં પૂછ્યું, ‘કેમ ? દાખલા તરીકે...’


તેમણે કહ્યું : ‘દાખલા તરીકે તો કેટલીય વાતો કહી શકું, પણ તે તો પછી જેમ જેમ વખત મળશે ને આપણી વાતચીત વધશે તેમ તેમ કહીશ. હાલ તો ગીતાની શરૂઆતની જ બે શંકાસ્પદ વાતો બતાવું છું. કુરૂક્ષેત્રમાં કૌરવ ને પાંડવ લડવા માટે ભેગા થયા, એટલે તે સમરભૂમિ થઈ કે રણક્ષેત્ર બન્યું. અઢાર અક્ષૌહિણી સેનાનો ત્યાં નાશ થયો. મોટામાં મોટી હિંસા થઈ, લોહીની નદીઓ વહી. તે ભૂમિને ગીતાની શરૂઆતમાં જ ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે તે શું બરાબર છે ? તે ભૂમિ શું પાવન કહી શકાય ? છતાં આશ્ચર્ય એ છે કે ગીતામાં તેને ધર્મક્ષેત્ર કહીને પાવન કહેવામાં આવી છે.’


કુરૂક્ષેત્રની ભૂમિ મહાભારતના યુદ્ધ પહેલાં પણ પવિત્ર ધર્મભૂમિ હતી. ત્યાં અનેક જાતનાં ધર્મનાં અનુષ્ઠાનો થયાં હતાં. તેથી જ ગીતામાં તેને ધર્મભૂમિ કહેવામાં આવી છે. ગંગા પવિત્ર છે, ને કેટલાંય વરસોથી પવિત્ર મનાય છે. કોઈ તેના પાણીમાં સ્નાન કરે છે, કોઈ સંધ્યા-ગાયત્રી કરે છે, તો કોઈ જપ-ધ્યાન પણ કર્યા કરે છે. પણ તેવી જ રીતે કોઈ તેમાં ઊભા રહીને ગાળાગાળી કરે કે લડાઈ લડે કે ગંદકી પણ કરે, તો શું ગંગાની પાવનતા દૂર થઈ જવાની ને તે અપવિત્ર બનવાની ? તે જ પ્રમાણે હિમાલયની ભૂમિ દૈવી ને તપોભૂમિ ગણાય છે. પ્રાચીન કાળથી આ ભૂમિમાં વીતરાગ, સાધક ને સિદ્ધ એવા ઋષિમુનિઓએ વાસ કર્યો છે, ને સાધના કરી છે. પણ આજે આ ભૂમિમાં બધે ઋષિઓ જ રહે છે, ને સાધના કે ધર્મનાં કામ જ થાય છે એમ નથી. કાવાદાવા ને ચોરી તથા કુડકપટ કરનાર માણસો ને સાધકો પણ અહીં છે. પણ કેટલાક માણસો આ ભૂમિમાં કે ગંગાને કિનારે રહીને અધર્મ કરતા હોય તેથી શું આ દૈવી ભૂમિનો ને પતિતપાવની ગણાતી ગંગાનો મહિમા ઓછો થઈ જવાનો છે ? તેની મૂળ પવિત્રતામાં ફરક પણ પડવાનો છે ? માણસ તેની પાસે રહીને સારું નરસું ગમે તેવું કામ કરે પણ ગંગા ને હિમાલયની જે ભૂતકાલિન પવિત્રતા ને મહત્તા છે, તે તો એવી જ અખંડ રહેવાની છે. તે જ પ્રમાણે કુરૂક્ષેત્રની ભૂમિનું છે. કૌરવ ને પાંડવે ત્યાં યુદ્ધ કર્યું. પણ તે પહેલાંથી તે તો ધર્મભૂમિ હતી, પુણ્યક્ષેત્ર હતું. જેમ કૌરવ પાંડવે ત્યાં યુદ્ધ કર્યું,  તેમ ધર્મના કામ પણ ત્યાં કેટલાંય થયા હતાં. વળી પાંડવો જે યુદ્ધ કરવા હાજર થયા હતા, તે પણ ધર્મની રક્ષા માટેનું જ યુદ્ધ હતું. તેથી તે મહિમાને યાદ કરીને જ ગીતાકારે તેને ધર્મક્ષેત્ર કહ્યું છે.


એક બીજી વાત, ધર્મક્ષેત્ર કે તીર્થસ્થાનમાં તો માણસો વધારે ભાગે પુણ્યકાર્ય કરવા ભેગા થાય છે. તીર્થક્ષેત્રના વાતાવરણથી માણસ સાત્વિક બને છે, ને પ્રભુની લીલાના રહસ્યનું જ્ઞાન મેળવે છે એવા ઉત્તમ સ્થાનમાં પણ કોઈને લડવાની કે અધર્મ કરવાની ઈચ્છા થાય તો શું સમજવું ? કાં તો તેને લડવાનું ને અધર્મ કરવાનું ખૂબ જ પ્રિય હશે, કે પછી લડવા ને અધર્મ કરવા સિવાય તેને માટે છૂટકો જ નહિ હોય, એટલે ધર્મક્ષેત્રમાં પણ કૌરવ પાંડવ લડવા તૈયાર થયા છે એમ કહીને ગીતાકાર કહેવા માંગે છે કે જોયું ? ઈર્ષા, ક્રોધ ને સ્વાર્થથી માણસ અંધ બને છે, કૌરવો તેવા અંધ હતા. તેથી ધર્મભૂમિમાં પણ તેમનું દિલ ના પલટાયું. ધર્મભૂમિની અસર પણ તેમને ના થઈ શકી. પાંડવો ધર્મપરાયણ હતા. છતાં તેમને માટે લડાઈ કરવા સિવાય કોઈ બીજો ઉપાય ન હતો. આ બે પ્રકારનો સંકેત કરવામાં ધર્મક્ષેત્રનો ઉલ્લેખ સારી પેઠે સફળ થાય છે. ’

- શ્રી યોગેશ્વરજી

ઉન્નતિની વિરાટ સાધના


પેલા વિદ્વાન ભાઈને સંતોષ થયો. તેમણે કહ્યું : ‘આ વાત તો સમજાઈ ગઈ. પણ હવે બીજી વાત. સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન કરી બતાવે છે, ને ભગવાને કહેલો ગીતાનો ઉપદેશ પણ સંભળાવે છે. પણ તે તો યુદ્ધભૂમિથી ખૂબ જ દૂર હતો. ત્યાંથી યુદ્ધનું દૃશ્ય કેવી રીતે જોઈ શકાયું ને ગીતાનો ઉપદેશ પણ તેને કેવી રીતે સંભળાયો ? કહે છે કે મહર્ષિ વ્યાસે તેને દિવ્યદૃષ્ટિ ને શક્તિ આપી હતી, તેને લીધે તે દૂર બેસીને પણ બધું જોઈ ને સાંભળી શક્યો. તો શું આ વાત સાચી માનવી ? આપણી દુનિયામાં તો આવું કાંઈ બનતું નથી. કે પછી આ એક વિનોદ છે ?’


મેં ઉત્તર આપ્યો કે, ‘ભાઈ, મહર્ષિ વ્યાસે સંજયને દિવ્યદૃષ્ટિ આપી હતી એ વાત તદ્દન સાચી જ છે. ગીતાના અઢારમા અધ્યાયમાં જ સંજયે જાહેર કર્યું છે કે ગીતાનો આ રહસ્ય ઉપદેશ તેમણે મહર્ષિ વ્યાસની કૃપાથી સાંભળ્યો છે, ને યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે પોતે પોતાના શ્રીમુખે અર્જુનને આ ઉપદેશ આપ્યો છે.’


વ્યાસદેવની કૃપાથી સંજય યુદ્ધભૂમિથી દૂર રહીને મહાભારતનું યુદ્ધ તો જોઈ શક્યાં, પણ શ્રીકૃષ્ણે આપેલો ઉપદેશ પણ સાંભળી શક્યા. આપણી દુનિયામાં આવું બને છે કે નહિ તે જુદી વાત છે. પણ શક્તિના આવા પ્રયોગો આપણી આજની દુનિયામાં જોવા ન મળતા હોય તેથી જ કાંઈ તેવા પ્રયોગો નિરર્થક નથી થઈ જતાં, તેથી જ કાંઈ તેમને પાયા વિનાના માની લેવાની જરૂર નથી. પ્રાચીનકાળમાં ને થોડા વખત પહેલાં થનારી કેટલીય વસ્તુઓ આજે નથી થતી.


ભાગવતમાં કર્દમ ઋષિએ એક વિમાન પોતાની સંકલ્પ શક્તિથી તૈયાર કર્યું હતું, તે બેસનારની ઈચ્છા પ્રમાણે ચાલનારું, કોઈના પણ ચલાવ્યા વિના ચાલનારું ને અનેક જાતના ભોગ પદાર્થોથી સંપન્ન હતું. રામાયણના આધાર પ્રમાણે રામનું પુષ્પક વિમાન પણ અજબ હતું. રામને અયોધ્યામાં ઉતારીને કોઈના પણ ચલાવ્યા વિના જ તે પાછું ફર્યું હતું. પહેલાંની ધનુર્વિદ્યા પણ કેવી અજબ હતી ? ચિત્તોડની રાજપુત સ્ત્રીઓ પોતાના શિયળની રક્ષા કરવા અગ્નિમાં કૂદી પડતી તેવી સ્ત્રીઓ આજે ના હોય કે તદ્દન ઓછી સંખ્યામાં હોય, ને કેટલીક સ્ત્રીઓને મન શિયળ રક્ષા કે શરીરની પતિવ્રતાનું ખાસ મહત્વ પણ ના હોય, તેથી તે ક્ષત્રિય સ્ત્રીઓના દ્રષ્ટાંત શંકાસ્પદ થઈ જાય છે કે ? હરિશ્ચંદ્ર ને રંતિદેવના માર્ગે ચાલવાનું કામ વધારે ભાગના માણસોને માટે આજે કપરું હોય, તેથી તેમણે આચરી બતાવેલા સત્ય ને જીવદયા કે સેવાના માર્ગને શંકાની દૃષ્ટિથી જોવાની જરૂર છે કે ? ધ્રુવજીને પાંચ વરસની નાની વયે પાંચેક મહિનાના સ્વલ્પ સમયમાં પ્રભુનાં દર્શન થયાં. તે માટે તેમણે તપશ્ચર્યાં પણ ખૂબ ભારે કરી. તેવી તપશ્ચર્યાં કરવાની આજે સાધારણ માણસમાં શક્તિ ન હોય, ને પાંચ કે સાત વરસની નાની વયમાં પ્રભુને પંથે પ્રયાણ કરનાર ભાગ્યે જ કોઈ મળતું હોય કે પછી કોઈયે મળતું ના હોય, તો તેથી જ શું ધ્રુવજીની સત્યતા પ્રત્યે અવિશ્વાસની નજરે જોવાનું ડહાપણ ભર્યું છે કે ?


હમણાં જ થઈ ગયેલા મહાત્મા ગાંધીજીની જેમ સાધારણ માણસને સત્ય, અહિંસા ને અભયને માર્ગે ચાલવાનું સરળ લાગતું ના હોય, તો તેથી પોતાની અંદર ત્રુટી જોવાને બદલે માણસે શું એમ માની લેવું કે સત્ય, અહિંસા ને અભયનું પૂરું આચરણ આ યુગમાં થઈ જ ના શકે ? તે જ પ્રમાણે પહેલાંના ઋષિઓમાં સાધનાની અજબ શક્તિઓ હતી. તેવી શક્તિઓનું વર્ણન પાંતજલ યોગદર્શનમાં વિસ્તારથી કરેલું છે. વિજ્ઞાનની મદદથી માણસ આજે દૂરના શબ્દો સાંભળી શકે છે. એટલું જ નહિ, પણ તે શબ્દો કહેનાર માણસને પણ સાથે સાથે જોઈ શકે છે. આવી શોધ સંસારમાં થઈ ચૂકી છે, તો પ્રાચીન કાલમાં તે વસ્તુ કેમ નહિ હોય ?


વિજ્ઞાને જે શક્તિ બાહ્ય જગતની મદદથી મેળવી છે તે જ શક્તિ ને તેથી પણ વધારે વિરાટ શક્તિ ઋષિ ને યોગીઓએ ઈશ્વરની કૃપા ને પોતાની અંદરના જગતના અનુસંધાનથી મેળવી હતી. વ્યાસે એ શક્તિનો જે સાધારણ પરિચય સંજયને આપ્યો છે તેને દૂરદર્શન ને દૂરશ્રવણ પણ કહેવામાં આવે છે એટલે તે બાબત જરાપણ શંકા કરવાની જરૂર નથી. માણસ ધારે તો આજે ને કોઈયે કાળે એ ને એથી પણ અજાયબીમાં નાખી દે એવી બીજી શક્તિઓ મેળવી શકે છે. તે માટે અખંડ સાધના કે ઉપાસનાની જરૂર રહે છે.


ભારત દેશ મુખ્યત્વે ધર્મપ્રાણ છે. ઈશ્વરની શોધને માટે સર્વસ્વનો ત્યાગ કરીને ફકીરી લેનાર માણસો આ દેશમાં જુના વખતથી થતા આવ્યા છે. આત્મિક રહસ્યોનો ઉકેલ કરવા માગનાર ને આત્મિક શક્તિઓનો પૂર્ણ વિકાસ કરવા પ્રયાસ કરનાર પુરૂષો પણ આ દેશમાં દરેક યુગમાં વત્તા કે ઓછા પ્રમાણમાં થતાં જ આવ્યા છે. તેવી રીતે આત્મિક શક્તિઓની પ્રાપ્તિ કરી ચૂકેલા પુરૂષો પણ આ દેશમાં હરેક સમયે થતા જ રહ્યા છે. આજના વિકૃત, વધારે ભાગે યંત્રમય ને આધ્યાત્મિક વિકાસથી વિમુખ એવા વાતાવરણની વચ્ચે પણ કોઈ કોઈ વાર આવા આત્મવીરોનાં દર્શન થઈ જાય છે. તો પણ એટલું સાચું છે કે સર્વસાધારણ માણસો આધ્યાત્મિક શક્તિને મેળવી કે સમજી શકવાના નહિ, કેમ કે તેવી શક્તિ માટે ભારે ત્યાગ ને પુરૂષાર્થની જરૂર રહે છે. માણસે તે માટે કેવળ ઈશ્વરપરાયણ થઈને જ જીવવું પડે છે કે આત્માના સતત અનુસંધાનમાં આનંદ માનવો પડે છે.


માનવ શરીરમાં કેટલી શક્યતા રહેલી છે, તે વાત દૂરદર્શન ને દૂરશ્રવણ જેવી શક્તિના વિચાર પરથી સમજી શકાય છે. જો સારી પેઠે સમજીએ તો આ વાત આપણે માટે લાભકારક છે, પ્રેરણાદાયક પણ છે. જીવનના દરેક ક્ષેત્રમાં આરોગ્યમાં, વિદ્યામાં, રસમાં, નવી નવી શોધખોળમાં, લોકહિતના કર્મમાં, વિકાસમાં, બધામાં વધારે ને વધારાની ઈચ્છા કર. જે અલ્પ છે તેમાં સુખ ક્યાંથી હોય ? સુખ તો ભૂ’ માં એટલે વિરાટ ઈશ્વરમાં છે તે ઈશ્વરનું અનુસંધાન કર. દુનિયાની જ નહિ પણ આત્માની ઉપાસનામાં પણ રત બન. તો તું અનંત ને અખંડ સુખનો ભાગી બની શકીશ. વિકાસના આ એક મંત્રથી તું જીવનને ઉચ્ચ બનાવી શકીશ. માટે ઊઠ. આળસનો ત્યાગ કર, સમયની મહત્તાને સમજ, ને કમ્મર કસીને ઉન્નતિની વિરાટ સાધનામાં લાગી જા.


- શ્રી યોગેશ્વરજી



મહાભારતના મેદાનમાં


વારુ ત્યારે, ચાલો મહાભારતના મેદાનમાં. પહેલા અધ્યાયની શરૂઆતમાં જ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે કુરૂક્ષેત્રની ધર્મભૂમિમાં મારા ને પાંડુના પુત્રો–કૌરવો ને પાંડવો લડવા માટે ભેગા થયા હતા તેમનું શું થયું ? મને કહી સંભળાવો.


વ્યાસની કલમ ખૂબ કલાત્મક છે. ગીતાના પહેલા જ શ્લોકની બીજી લીટી તરફ બરાબર ધ્યાન દોરાયું ? ધૃતરાષ્ટ્રે કૌરવોને માટે मामका એટલે મારા એવો શબ્દપ્રયોગ કર્યો છે. ધૃતરાષ્ટ્ર વૃદ્ધ ને અંધ હતા, તેમનામાં ડહાપણ ને સ્વાર્થવૃત્તિનો અભાવ હોત,  કૌરવ–પાંડવ વચ્ચે તેમને ભેદભાવ ન હોત તો કૌરવ–પાંડવના વિરોધની ખાઈ આટલી બધી ઊંડી ખોદાઈ હોત ખરી ? ધૃતરાષ્ટ્ર તો કૌરવોને જ મારા ગણે છે–પાંડવો જાણે તેને મન પરાયા છે. આ બાબતમાં તે દુર્યોધનને મળતા આવે છે. આશ્ચર્ય એ છે કે ઉમર ગઈ, સંસારના અનેકરંગી અનુભવો પણ મેળવ્યા, છતાં હજી આ ભેદભાવ દૂર થયો નથી, ને સમદૃષ્ટિ આવી નથી.


સંજય ધૃતરાષ્ટ્રના પ્રશ્નના ઉત્તરમાં હવે મહાભારતનો પ્રારંભિક ઈતિહાસ રજૂ કરે છે. તે કહે છે કે દુર્યોધને પાંડવોની સેનાને જોઈ, ને પછી આચાર્ય દ્રોણની પાસે જઈને કહવા માંડ્યું, કે હે આચાર્ય, પાંડવોની આ મોટી સેનાને જુઓ : દ્રુપદના પુત્રે ને તમારા શિષ્યે તેને તૈયાર કરી છે. આ શ્લોકમાં પણ કલા છે. દ્રોણને સામે લડવા માટે તેમના પોતાના જ શિષ્યે તૈયારી કરી છે. છતાં તે વાતને સાંભળીને દ્રોણને જરાય નવાઈ લાગતી નથી કે પોતાના શિષ્યની સામે કેમ લડાય એવો વિચારે આવતો નથી. દુર્યોધનની જેમ શિષ્યો ને સ્નેહીઓ સાથે લડવામાં તેમને જાણે કાંઈ નવીનતા ના દેખાતી હોય એવી તેમની દશા છે. ને દુર્યોધન તો જુઓ. સામે પક્ષે લડનારા પોતાના જ ભાઈ છે, ને પોતે ધારે તો આ યાદવાસ્થળીને આંખના પલકારા માત્રમાં બંધ કરી શકે તેમ છે છતાં યુદ્ધની તૈયારી જોઈને પણ તેનું હૃદય રોઈ ઊઠતું કે હૈયું હાલતું નથી. ઊલટું, તે તો જાણે કોઈ મોટા ઉત્સવમાં શામેલ થયો હોય તેમ આનંદમાં મસ્ત છે. જે વાતને યાદ કરવા કરતાં મરવાનું બહેતર ગણાય તે વાતની યાદમાં તે બધું જ ભાન ભૂલી ગયો છે. તે તો પોતાના પક્ષનાં ગુણગાન ગાવાની શરૂઆત કરે છે, ને પોતાની સેના પાંડવોની સેના કરતાં કેટલી બધી પ્રબળ ને ભારે છે તેની કલ્પનાછબી દ્રોણાચાર્યની સામે રજૂ કરવામાં આનંદ માને છે. દુર્યોધને પોતાના ને પાંડવોના પક્ષના જે વીરોની નામાવલિ રજૂ કરી છે, તેનું પારાયણ કરવાની આપણે જરૂર નથી. આપણે તો યુદ્ધના ગીતાવિચારમાં મદદ કરી શકે એટલા ઉલ્લેખની જ જરૂર છે.


જેનું અમંગલ નક્કી હોય તેની દશા કેવી થાય છે તેની કલ્પના આપણને દુર્યોધનના રેખાચિત્ર પરથી સારી પેઠે આવી શકે છે. દુર્યોધનનો વિનાશ નજીક છે તેથી તેની દૃષ્ટિ પણ અંધ બની છે. તેનો વિવેક રૂંધાઈ ગયો છે, ને તેની ધર્મની કલ્પના કટાઈ ગઈ છે. જો તેમ ના હોત તો યુદ્ધના મેદાનમાં ઊભેલા પોતાના જ બંધુ ને સ્વજનોને જોતાંવેંત તેનું હૃદય ગમે તેટલું કઠોર હોત તો પણ પીગળી જાત. છેલ્લી ઘડીએ પણ તે પોતાની ભૂલ સમજી જાત ને તેને સુધારવાનો પ્રયાસ કરત. પશ્ચાતાપમાં ડૂબી જઈને પવિત્ર બનીને તે પાંડવોને ભેટી પડત, તેમને તેમનો ન્યાયી હિસ્સો આપત ને પોતે તથા પોતાના બધા જ સ્નેહી સુખી થાય તે માટેનું નમ્ર નિમિત્ત બની રહેત. પણ ગમે તેમ માનો, એમ કહો કે રામે ધાર્યુ હોય તે જ થાય છે. होवत सोही जो राम रचि राखा અથવા ભર્તૃહરિની જેમ એમ કહો કે આ સંસારની શતરંજ પર કાળ માણસને બાજીના સોગઠાંની જેમ ફેરવે છે ને નચાવે છે. પણ દુર્યોધનને યુદ્ધની ભયંકરતાની ને વિનાશકતાની કલ્પના ના આવી. છેલ્લી ઘડીએ પણ તેની સાન ઠેકાણે ના આવી, એ વાતની આ ઈતિહાસ પરથી આપણને ખબર પડે છે. મતલબ કે દુર્યોધનને સમજાવવા શ્રીકૃષ્ણે કરેલો પ્રયાસ વ્યર્થ ગયો, ને યુદ્ધને સામે ઊભેલું જોઈને તેનામાં કાંઈ ફેર ના પડ્યો એટલે તેને સમજાવવા કે તેની સાથે કામ લેવા યુદ્ધ એ છેલ્લો ને અનિવાર્ય ઉપાય હતો. એ વાત તરફ ગીતાકાર આપણું ધ્યાન દોરે છે.


- શ્રી યોગેશ્વરજી


અર્જુન અને દુર્યોધન


તેની તરત જ પછી તે એક બીજું પણ તેથી જુદું જ પાત્ર આપણી આગળ રજૂ કરે છે. તે પાત્ર અર્જુનનું છે. ગીતાકારે દુર્યોધનના પાત્રને પહેલાં રજૂ કર્યું છે, ને પછી અર્જુનના પાત્રને. આથી બંને પાત્રોની સરખામણી કરવાની આપણને સારી તક મળે છે. ત્યારે ગાંડીવધારી વીર અર્જુનની છબી પણ તમારા કલ્પનાના પટ પર ઊભી કરો. કૃષ્ણ ને અર્જુન ભારતવાસીઓનાં પ્રિય પાત્રો છે એટલે તેમની છબી ભારતવાસીઓનાં હૃદયમાં રમતી જ હોય છે, તો પણ કલ્પનાને જરા તેજસ્વી બનાવીને કુરુક્ષેત્રના મેદાનમાં પ્રયાણ કરો. કૌરવ ને પાંડવની સેના ભયંકર યુદ્ધ માટે તૈયાર થઈને એકમેકની સામે ઊભી રહી છે. અર્જુનના રથના ઘોડાની લગામ પકડીને ભગવાન શ્રીકૃષ્ણ પણ યુદ્ધના મેદાનમાં શોભી રહ્યા છે. સારીય સૃષ્ટિની ને ખાસ કરીને અર્જુન જેવા ભક્તોના તન ને મનની અથવા જીવનના રથની લગામ હાથમાં લેનાર ભગવાન સારથિના વેશમાં કેવા સુંદર લાગે છે ! અર્જુન પણ તે સુંદરતા જોઈ રહ્યો છે. પણ આ તો યુદ્ધનું મેદાન છે. એમ ફક્ત સુંદરતાનું પાન કરવાથી કેમ ચાલશે ! યુદ્ધને માટે તૈયારી કરવી જોઈએ. એટલે જ અર્જુન ભગવાનને કહે છે કે આ રથને બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખો. બંને પક્ષમાં લડવા માટે જે ભેગા થયા છે તે યોદ્ધાઓને હું જરા જોઈ લઉં !


અર્જુનના મનના કાર્યક્રમની શરૂઆત અહીંથી જ થઈ ને તેના પરિણામે જ ગીતાની જરૂર પણ ઊભી થઈ. અર્જુન કૌરવપક્ષના યોદ્ધાને જોવા માંડ્યો, તો તેમાં તેને કાકા, મામા, ભાઈ, ગુરૂ ને એવા એવા સ્નેહી કે સ્વજનો જ દેખાયા. આ જોઈને તેને અજબ લાગણી થવા માંડી. તેને થયું કે મારી સામે લડનારા તો મારા સ્વજનો જ છે. શું તેમની સાથે લડવું બરાબર છે ? ને આ લડવાનું છે શાને માટે ? એક ક્ષુદ્ર રાજ્યની ને સંસારના સુખની પ્રાપ્તિ માટે. એવા સાધારણ હેતુને માટે અમે એકમેકનાં ગળાં કાપવા તૈયાર થયા છીએ. એનાં કરતાં તો બધું છોડીને ભિક્ષુક બની જવું બહેતર છે. આવા આવા વિચારો તેને આવવા માંડ્યાં, ને તેની અસર તેના શરીર પર પણ થવા માંડી. તેનાં ગાત્રો ઢીલાં થવા માંડ્યા, શરીરે પરસેવો વળવા માંડ્યો. શોક ને ચિંતાને લીધે રૂંવાડા ઊભા થઈ ગયાં, ને જેને લીધે તેની ત્રિભુવનમાં વિખ્યાતિ હતી, તથા જે તેના જીવનના મુખ્ય પ્રાણ કે હથિયારરૂપ હતું, તે ગાંડીવ પણ તેના હાથમાંથી સરકી જવા માંડ્યું. તેના પગ ઢીલા થઈ ગયાં ને દિલનો ઉત્સાહ ઢીલો પડી ગયો. મન ભમવા માંડ્યું ને ત્વચામાં દાહ થવા માંડ્યો. આ બધાં લક્ષણો તેને ખૂબ જ અમંગલ કરનારાં લાગ્યાં. અર્જુનના મુખમાં મહર્ષિ વ્યાસે જે શબ્દો મૂક્યા છે તેથી તે સાફ દેખાય છે. પણ તેની ચર્ચામાં વધારે નહિ પડીએ, અહીં તો આપણે અર્જુન ને દુર્યોધનના પાત્રો વચ્ચેના વિરોધી વલણ તરફ જ દૃષ્ટિ ફેરવીશું.


દુર્યોધને પણ અર્જુનની જેમ બન્ને પક્ષના યોદ્ધાઓને જોયા છે, પણ તેના દિલના ભાવ અર્જુનના ભાવથી જુદા છે. તેને તો પોતાની બલવાન સેનાને જોઈને આનંદ થયો છે, તેના પગ ઢીલા નથી પડી ગયા, પરંતુ વધારે પાણીદાર બન્યા છે, અહંકાર ને વેરભાવનાનો તેને પાનો ચઢ્યો છે. તેણે તો બધા જ ચિન્હો પોતાની તરફેણમાં ને મંગલ જોયા છે. તેના હાથનાં હથિયાર જરા પણ ઢીલાં નથી પડ્યાં. ઊલટું, તે મજબૂત બન્યાં છે. આ બે વિરોધી પાત્રોનો વિચાર કરવાની તક આપીને ગીતાકાર આપણને કહેવા માગે છે કે કૌરવ ને તેમના નેતા દુર્યોધનનો વિચાર લડવાનો ને ગમે તે ઉપાયે પાંડવોને નિર્મૂળ કરવાનો જ છે. અર્જુન જેમને કાકા, મામા ને ગુરૂ કહે છે તે પણ વિવેકને દેશવટો આપીને લડવા માટે તૈયાર થયા છે. અર્જુને પોતાના ભાવ પોતાના દિલમાં જ ન રહેવા દીધા. તેણે તો પોતાનો બધો જ કેસ શ્રીકૃષ્ણની આગળ રજુ કર્યો કેમ કે તે તેના સારથિ હતા. યુદ્ધના રથના જ નહિ, જીવનના રથના પણ સારથિ હતા અર્જુને પોતાનાથી થાય એટલી દલીલો કરી. તેનો કહેવાનો મુખ્ય સૂર એ જ હતો કે સ્વજનોની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી. તેવા યુદ્ધથી પાપ લાગે છે, તેવા યુદ્ધથી સર્વ પ્રકારે નાશ થાય છે, માટે મારે તો યુદ્ધ નથી કરવું. રાજ્યને માટે લડવાની મારી ઈચ્છા નથી. એના કરતા તો સંન્યાસી થવાનું હું વધારે પસંદ કરીશ. લડવાથી મારૂં કાંઈ જ કલ્યાણ નહિ થાય. એના કરતાં તો કૌરવો મને નિઃશસ્ત્રને રણમાં મારી નાખે તો તેથી મારૂં મંગલ થશે.


ને એ બધી જ જુદી જુદી દલીલોને અંતે વાત ઘણી જ વધી ગઈ. અર્જુને ધનુષબાણ મૂકી દીધાં ને શોકમાં ડૂબી જઈ તે રથમાં બેસી ગયો. આ વખતની તેની છબી કેવી અનોખી લાગે છે ! લડવાની તૈયારી કરીને આવ્યો ત્યારે તેના મનમાં ઉત્સાહ હતો, પગમાં પાણી હતું. પણ હવે ? બધાં જ ઉત્સાહ ને પરિબળ પર પાણી ફરી વળ્યું. કેમ કે તેના મનમાં તોફાન શરૂ થયું. તે જાણે છે કે આ દશા વચગાળાની છે, કાયમી નથી. છતાં તેમની કસોટીનો ખરો સમય હવે આવીને ઊભો રહ્યો. નાટકનો અંત ખૂબ કરૂણ આવી ગયો. હવે તેને કેવી રીતે પલટાવવો ? પણ તે બાબત શ્રીકૃષ્ણ સારી રીતે જાણે છે કેમ કે તે એક અદ્ ભૂત વૈદ છે. નાડીપરીક્ષા કરી, નિદાન શોધી લઈને ઉચિત ઉપાય બતાવવામાં તે કુશળ છે. હાલ તો અર્જુનની કુશળતા જતી રહી છે એ બતાવનારો પહેલા અધ્યાયનો છેલ્લો શ્લોક મહત્વનો શ્લોક છે. પહેલા અધ્યાયનો સાર તેના છેલ્લા શ્લોકમાં સારી પેઠે સમાઈ ગયો છે. તે એક શ્લોક વંચાય ને વિચારાય તો પણ બસ છે. આ રહ્યો તે શ્લોકઃ-


એમ કહી બેસી ગયો રથમાં પાર્થ પ્રવીણ, 

ધનુષબાણ મૂકી દઈ થઈ શોકમાં  લીન.

અર્જુનની આ દશા કેવી હતી ? લડવા માટે તૈયાર થઈને તો તે આવ્યો હતો. આ પહેલાં યુદ્ધો પણ તેણે કેટલાંય કર્યા હતાં. યુદ્ધની કળામાં તે કુશળ ને એક્કો  હતો છતાં તેનો ઉત્સાહ ઢીલો પડી ગયો. જુસ્સો શમી ગયો, ને લડવાની ના કહીને તે ખિન્ન મનથી રથમાં બેસી ગયો. તેનું કારણ શું ? શું લડવા પરથી તેને વૈરાગ્ય થઈ ગયો ? યુદ્ધમાં જે જાનમાલની ભયંકર ખુવારી થવાની હતી તેની કલ્પનાથી તે કંપી ઉઠ્યો ? તેનું લડાયક દિલ શું જ્ઞાનના જાદુઈ સ્પર્શથી એકાએક પલટાઈ ગયું ? કહે છે કે અશોકના વિખ્યાત કલિંગવિજય પછી અશોકને યુદ્ધ પરથી વૈરાગ્ય થઈ ગયો. તેને થયું કે જે યુદ્ધમાં અનેક માનવો ને બીજા પ્રાણીની હત્યા થાય છે તે યુદ્ધનો સદાને માટે ત્યાગ કરવો. પાછલા જીવનમાં તેણે તે પ્રમાણે કરી બતાવ્યું. આ તો યુદ્ધનો મોટો પ્રસંગ છે. પણ નાના હિંસક પ્રસંગો પરથી પણ માણસને જ્ઞાન મળી જાય છે.


- શ્રી યોગેશ્વરજી


ધર્મને વળગી રહેવાની જરૂર


આ મુંઝવણમાં તે ભિક્ષુ કે સંન્યાસી થવાની વાત પણ કાઢી નાંખે છે. સ્વજનો સાથે લડવું તેના કરતાં તો ત્યાગી થઈને પેટ ભરવું ને જીવન પસાર કરવું શ્રેષ્ઠ છે, એમ તે કહેવા માંડે છે. ખરી રીતે ત્યાગી થવાની અસલી ભૂમિકા પર તે હજી પહોંચ્યો ન હતો. તે ક્ષત્રિય હતો, ને ક્ષત્રિયને છાજે તે રીતે તેને વ્યવહાર કરવાનો હતો. તેના જમાનામાં જે શાસ્ત્રીય પ્રણાલિકા પ્રચલિત હતી, તે પ્રમાણે હજી તેની ઈચ્છા હોય તો પણ તેને ત્યાગી થવાની વાર હતી. છતાં પોતાના યુદ્ધ કરીને ધર્મની રક્ષા ને અધર્મનો પ્રતીકાર કરવાના ધર્મનો ત્યાગ કરીને સંન્યાસીના ‘નારાયણ હરિ’ના ધર્મને અપનાવવાની તેને ઈચ્છા થઈ. આ કાંઈ દ્રઢ વૈરાગ્ય કે વિચારના પરિણામરૂપે ન હતું. આ તો એક ઉભરો હતો, સ્મશાન વૈરાગ્યનું સ્વરૂપ હતું, ને તે પણ સાચું સ્વરૂપ ન હતું. સ્મશાનમાં કોઈની ચિતાને જલી જતી જોઈને કેટલીકવાર માણસ ફિલસૂફ બની જાય છે ને સંસારની અસારતાની વાતો કરવા માંડે છે. પણ તે કેટલીવાર સુધી ? સ્મશાનમાં હોય ત્યાં સુધી. અરે ત્યાં સુધી પણ ભાગ્યે જ. કઢાઈમાં દૂધ ઉકળતું હોય તેમાં અગ્નિની પ્રબળતાને લીધે ઉભરો આવે પણ લાકડાં ખેંચી લેવાથી કે અગ્નિ ઓછો કરવાથી તે ઉભરો શમી જાય, એમ સ્મશાનના ચિત્રોને નજરે જોવાથી કેટલીકવાર માણસને સંસારના મિથ્યાત્વનો ને સર્વ કાંઈ છોડી દઈને પ્રભુસ્મરણમાં લાગી જવાનો વિચાર થાય. પણ ઘેર આવે એટલે બધો જ રંગ ઊડી જાય.


કેટલીકવાર તો વિધુર થયેલા માણસો એક તરફ ચિતા જલતી હોય ત્યારે અર્જુનની જેમ ભિક્ષુધર્મ સ્વીકારવાની વાતો કરતાં કરતાં, લગ્નના નવા સંબંધની વાતો પણ શરૂ કરે. આવો વૈરાગ્ય ક્યાં સુધી ટકે ? ને સ્મશાન વૈરાગ્યના ક્ષણિક ઉભરાની અસર નીચે આવેલો માણસ કદાચ સંન્યાસી બની જાય તો પણ, તેનો સંન્યાસ કેટલોક દીપે ને ટકી શકે ? દુઃખથી, શોકથી કે એવાં જ કોઈ સાધારણ કારણથી થયેલો ત્યાગ, ત્યાગની મહત્તાને કેવી રીતે વધારી શકે ? અર્જુનને કાંઈ વૈરાગ્ય થયો ન હતો. તેની વાણી તો મમતાના રંગે રંગાયેલી હતી. હજી ત્યાગના સાચા સ્વરૂપની સમજ તેને ન હતી. સાચી સમજ હોત તો પોતાના ક્ષત્રિય તરીકેના ધર્મનું પાલન કરીને પણ તે ત્યાગનો આનંદ મેળવી શકત. પણ એની ગુરૂકુંચી તેની પાસે ન હતી.


અર્જુનને એક બીજો વિચાર પણ આવી ગયો, ને તેણે તેના મન પર ભારે અસર કરી દીધી. ધનુષબાણનો ત્યાગ કરાવી તેને વિષાદગ્રસ્ત બનાવી દેવામાં એ વિચારનો હિસ્સો કાંઈ નાનોસૂનો ન હતો. એ વિચાર કયો હતો ? સ્વજનોને મારવાથી સુખ તો નહિ મળે પણ બદલામાં પાપ મળશે ને નરકયાતના ભોગવવી પડશે : એ વિચારે તેના મનને વધારે વિષાદમય કરી દીધું. પાપ ને પુણ્યનો વિચાર ઘણો પ્રાચીન છે. મહર્ષિ વ્યાસે મહાભારતમાં તેનો નીચોડ કરતાં કહ્યું છે કે બીજાને મદદરૂપ થવું, જે સૌથી પર કે ઉત્તમ છે તે પરમાત્માને માટે જીવન યાપન કરવું, તે પુણ્ય છે ને બીજાને નુકશાન પહોંચાડવું તથા જે સૌથી શ્રેષ્ઠ છે તેવા પરમાત્માના નીતિ નિયમથી વિરૂદ્ધ ચાલી તેમને ભારરૂપ કે પીડારૂપ થવું તે પાપ છે. पुण्याय पापाय परपीडम् ।


પુણ્ય સમાયું પરોપકારે, પાપ ગણો પરપીડા.


પણ તેમાંય પાછો શાસ્ત્રોએ ઘણો સુધારો વધારો કર્યો છે. તે છતાં વ્યાસ ભગવાનની આ વ્યાખ્યા તો અટલ જ રહે છે. તે સૌનો સાર રજુ કરે છે. માણસ પોતે આ વ્યાખ્યાને જાણે છે. છતાં દરેક વખતે તે સ્પષ્ટરૂપે પાપ ને પુણ્યનો વિચાર કરી શકતો નથી. પાપ ને પુણ્યના નિર્ણય વખતે કેવળ કર્મનું બાહ્ય સ્વરૂપ જોઈને નિર્ણય કરવાનું બરાબર નથી. કર્મની પાછળ રહેલી ભાવના પણ જોવી પડે છે. યુદ્ધકર્મ હિંસાથી ભરેલું છે, કેટલાય જીવોની તેમાં હત્યા થાય છે, આ વાતની અર્જુનને ખબર હતી. છતાં આ વાતનો પ્રભાવ તેના મન પર પડ્યો ને તેને વિષાદ થયો એમ ન હતું. યુદ્ધ તો તેની પ્રિય વસ્તુ હતી. પણ આ યુદ્ધમાં તો સ્વજનોની સામે લડવાનું  હતું. તેથી તેને પાપનો વિચાર આવી ગયો. યુદ્ધ કરવાથી સુખ નહિ મળે એવો ભય પણ તેથી જ ઉત્પન્ન થયો. પરિણામે તેની ખિન્નતામાં વધારો થયો.


- શ્રી યોગેશ્વરજી




ગીતાના ઉપદેશની જરૂર શા માટે


આટલી વાતમાં આપણને ગીતાનું મૂળ મળી રહે છે. ગીતાના જન્મનું કારણ, ગીતાની પાછળ જે પ્રેરકશક્તિ છે તેનો આનાથી આભાસ મળી રહે છે. ગીતાની આ ભૂમિકા છે. ગીતાનો ઉપદેશ કરવાની જરૂર કેમ પડી, ને ગીતાનો ઉપદેશ મુખ્યત્વે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, તેનો ખ્યાલ આટલી વિચારણા પરથી આવી રહે છે. સ્વજનોને જોઈને અર્જુનને મોહ થયો છે, તેમને હણવાથી પાપના ભાગી થવાશે એમ લાગવાથી ગાંડીવને બાજુ પર મૂકી દઈને તે રથમાં બેસી ગયો છે. આવે વખતે પોતાનો ખરો ધર્મ શું છે તેનો નિર્ણય કરવાનું પણ તેને માટે મુશ્કેલ બન્યું છે. પોતાના કર્તવ્યને તે ભૂલી ગયો છે. આકાશમાં ચંદ્રમાનો પ્રકાશ થઈ રહ્યો હોય, ને જોનારને તેથી પરમ આનંદની પ્રાપ્તિ થતી હોય તેવી દશા કુરૂક્ષેત્રના મેદાનમાં રથમાં બેસીને આવેલા શસ્ત્રસજ્જ અર્જુનની હતી. ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેની શોભા વર્ણવી ના શકાય તેવી હતી. તેની આગળ બીજા બધા જ યોદ્ધા નાના મોટા તારા જેવા લાગતા હતા. પણ હવે તેને વિષાદ થયો. મુખ ઉપર અવિવેક, મોહ ને વિષાદનું વાદળું ફરી વળ્યું. તેથી તેની વીરતા ને તેનો ઉત્સાહ સર્વ કાંઈ ઠંડુ પડી ગયું. કુરૂક્ષેત્રના આ વિષાદમાં ડૂબેલા વીર અર્જુનની જરા કલ્પના તો કરો. તેની છબી તમારી અંતરની આંખ આગળ જરા ઊભી તો કરો.


ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો તેનું મુખ્ય કારણ અર્જુનને ફક્ત યુદ્ધ કરવા તૈયાર કરવાનું નહિ, પણ તેને વિષાદથી મુક્ત કરવાનું છે. આ વિષાદની માતા–મૂળ જનની અવિવેક કે મોહની વૃત્તિ છે. એટલે મોહનો નાશ કરવા કે દૂર કરવા ગીતામાં વધારે ભાગે પોતાના ધર્મનું યથાર્થ આચરણ કરવા પર, તેવું આચરણ કરવા છતાં પાપથી મુક્ત રહેવાની કલા પર ને પોતાના ને સૃષ્ટિના સંબંધની માહિતી પર વારંવાર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.


પણ આ પ્રકાશ એકલા અર્જુનને માટે જ નથી. તે તો સારીય સૃષ્ટિને માટે એટલો જ ઉપયોગી છે. ભગીરથે મહાન વિપત્તિ વેઠી ને ગંગાનું અવતરણ થયું, તેથી સાગરના સાઠ હજાર પુત્રોનો ઉદ્ધાર તો થયો જ પણ સારી સૃષ્ટિને લાભ મળ્યો. તેના પર સારી સૃષ્ટિનો અબાધિત અધિકાર થયો. ચાહે તે જાય ને ગંગાના સ્નાન, પાન ને દર્શનથી ધન્ય બની જાય. કોઈ તેને ના પાડે છે ? તેવી રીતે ગીતાની આ પાવન ગંગામાં પણ ગમે તે સ્નાન કરે, ને તેનું પાન કરીને આનંદ કરે. કોઈયે જાતની રોકટોક કયાં છે ? અર્જુનને જે વિષાદ થયો તેવો વિષાદ માનવમાત્રને થાય છે. કુરૂક્ષેત્રના મેદાનમાં સૌને લડવાનું નથી. પણ જીવનનો જંગ તો સૌને માટે છે જ. જીવન એક કુરૂક્ષેત્ર છે. તેમાં કેટલાય પ્રશ્નો ને કેટલીય મુંઝવણો ઊઠે છે. બધા જ પ્રશ્નો માણસ ઉકેલી શકે છે એમ જ નથી. કેટલીય વાર તે મોહાસક્ત પણ બને છે. શું કરવું તે તેને સૂઝતું નથી. તે વખતે તે પ્રભુનું શરણ લે તો માર્ગ મેળવે. અર્જુનનની પેઠે તે પ્રકાશ ને પ્રસાદ બંને મેળવી શકે. તે પ્રભુનો પ્રસાદ તે જ ગીતા. જીવનના જંગમાં ઉતરેલા બધા જ મહારથીઓને તેમાંથી પ્રકાશ મળી શકશે. જીવનની મહાયાત્રાના બધા જ યાત્રીઓ તેમાંથી ઉપયોગી ભાથું મેળવી શકશે.


- શ્રી યોગેશ્વરજી



વિષાદયોગ વિશે


બીજની અંદર વૃક્ષ રહેલું છે એ આશ્ચર્ય થાય તેવી વાત જરૂર છે. પણ સાચી વાત છે એની સૌને ખબર છે. બીજમાંથી જ છેવટે વિરાટકાય વૃક્ષ તૈયાર થાય છે એ ક્યાં સાચું નથી ? બીજમાં વૃક્ષ રહેલું છે એમ કહેવામાં આવે છે. પુરૂષ અનાજ ખાય છે તેનું કેટલાય ક્રમમાંથી પસાર થયા પછી વીર્ય બને છે. તે દેખાવમાં સાધારણ છે. પણ તેમાંથી અસાધારણ એવી માનવ સૃષ્ટિ તૈયાર થાય છે એ જાણીતી વાત છે. તે પ્રમાણે ગીતાની અસાધારણ સૃષ્ટિનું છે. પહેલા અધ્યાયની શરૂઆતમાં સ્વજનોને જોવાથી અર્જુનને શોક થયો. તે શોક દેખીતી રીતે સાધારણ હતો. સંસારમાં તેને મળતા એક યા બીજા શોકના પ્રસંગો વારંવાર બને છે. સદ્ ભાગ્યે અર્જુનના સંજોગો જુદા હતા. પ્રભુની કૃપા વિના સજ્જન કે સંતપુરૂષોનો મેળાપ થતો નથી એમ કહેવામાં આવે છે. તેવો મેળાપ થઈ જાય તો સંશય છેદાઈ જાય છે, મૂંઝવણ મટે છે, ને માણસને શાંતિ મળે છે.


માનવ સત્ય, પ્રકાશ ને અમરતાનો પ્રવાસી થવાનો પ્રયાસ કરે છે. પણ તે પ્રયાસ શું ધાર્યા જેટલો સહેલો હોય છે કે ? માટે જ તે ઈશ્વરના દૂત જેવા દૈવી પુરૂષોનો સાથ શોધે છે. એકલો માણસ તરવાની કળાને જાણતો નથી. તે સાગરમાં કેવી રીતે તરી શકે ? તરતાં જાણનાર કે તરવામાં પારંગત પુરૂષની પાસે શરૂઆતમાં તેણે શીખવું પડે છે. તેમ સંસારને સલામત રીતે તરી જવા માટેની કળા શીખવા મહાપુરૂષોની જરૂર પડે છે. મહાપુરૂષોનું મિલન થતાં ને માર્ગદર્શન મળતાં કામ સહેલું થાય છે. તેવા પુરૂષો ભાગ્ય વિના મળતા નથી એમ કહેવાય છે, પણ અર્જુનનું ભાગ્ય તો જુઓ ! તે ભાગ્યનો સંપૂર્ણપણે પ્રકાશ થયો હોય, અર્જુનના પૂર્વ પુણ્યોનો એકાએક ઉદય થયો હોય, તેમ તેને પોતાના રાહબર ને પથપ્રદર્શક તરીકે ભગવાન શ્રીકૃષ્ણ પોતે મળ્યા છે. તેમની છત્રછાયામાં અર્જુન સદાને માટે સલામત છે. અર્જુનને જે વિષાદ થયો છે તે છે તો સાધારણ, પણ તેની આસપાસના વિશેષ સંજોગોને લીધે તે પણ વિશેષ બની ગયો છે. પોતાના ભૂલાઈ ગયેલા વિવેકજ્ઞાનની સાથે મેળાપ કરાવનારો થયો છે ને ભગવાનને ઓળખવામાં, ભગવાનના રહસ્યને જાણીને ભગવાન સાથે યોગ સાધવામાં કે એકાકાર થવામાં ઉપયોગી નીવડ્યો છે. એ પ્રમાણે સાધારણ વિષાદ પણ યોગમય બની ગયો છે. તે સાધનાના સ્વરૂપ જેવો થયો છે. એટલે જ ગીતાકારે પહેલા અધ્યાયને અર્જુન વિષાદયોગ એવું મોટું નામ આપેલું છે.


કુરૂક્ષેત્રનાં મેદાનમાં આવવા અર્જુને તૈયારી કરી, ત્યારે તેને આવા ઉત્તમ ભાગ્યની શી ખબર ? શોક થયો ત્યારે પણ તેને શી ખબર કે તેનો શોક પોતાને ને બીજાને માટે ઐતિહાસિક બની જશે ? બીજમાં રહેલા વૃક્ષની જેમ અર્જુનના વિષાદના બીજની અંદરથી ગીતાના ઉપદેશનું આટલું મોટું વિશાળ વૃક્ષ ઊગી નીકળશે તેની કલ્પના પણ કોને આવી શકે એમ છે ? પણ આજે તો તે એક ચોક્કસ સત્ય થયું છે, ને જગતને ઉપયોગી જીવનદાન આપનારૂં સાબિત થયું છે. કેટકેટલા થાકેલા ને સંસારતાપે તપેલા પ્રવાસીઓ આ વૃક્ષની છાયામાં બેસીને આનંદ કરે છે ને સ્વર્ગસુખ માણે છે, તે કોણ કહી શકે ?


- શ્રી યોગેશ્વરજી



વિષાદનો પ્રસંગ


પહેલા અધ્યાયમાં અર્જુનને થયેલા વિષાદની આપણે વાત કરી ગયા. વિષાદનો આ પ્રસંગ નીકળ્યો છે ત્યારે એક બીજો પ્રસંગ યાદ આવે છે. જેમ અર્જુનને તેમ રામને પણ વિષાદ થયો હતો, ને રામે સંસાર પ્રત્યેનો પોતાનો વૈરાગ્ય સારી રીતે વ્યક્ત કર્યો હતો. અર્જુનને જીવનના સારથિ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ મળ્યા, તેમ રામને મહર્ષિ વશિષ્ઠનું પથપ્રદર્શન પ્રાપ્ત થયું. પરિણામ બંનેનાં એકસરખાં આવ્યા. અર્જુન ને રામ સાચું જ્ઞાન મેળવીને અલિપ્તભાવે કર્મ કરવાની કલા શીખી શક્યા ને સંસારને બે મહાન ગ્રંથરત્નોની પ્રાપ્તિ થઈ. ગીતા ને યોગવાશિષ્ઠ. બંને ભારતના મહાન વારસાગ્રંથ છે, ને માનવને માટે સર્વ સ્થળે ને સર્વ કાળે પ્રેરણા ને શક્તિની સામગ્રીથી ભરપૂર છે. ભારતીય ઋષિવરોની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમાં સારી પેઠે સચવાયેલી છે. પોતાની ફરજ ને જીવનના વ્યવહારથી દૂર ભાગવાની વૃત્તિનો ત્યાગ કરવાનું તે શીખવે છે. વૈરાગ્યના ઉભરામાં ને વિષાદની ક્ષણિક અસર નીચે આવી જઈને માણસે પોતાનો વિવેક ખોવો ન જોઈએ એવો આ ગ્રંથોનો ઉપદેશ છે. તેની વાત આપણે ક્રમે ક્રમે કહીશું. અહીં તો અર્જુનના વિષાદનું શું થયું તે જોઈએ.


ભગવાન કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અર્જુન ! તારો આ મોહ ને સંશય અજ્ઞાનતાને લીધે થયેલો છે તેથી તે યોગ્ય નથી, જ્ઞાનની તલવારથી તેને કાપી નાંખ ને લડવા માટે તૈયાર થા, એટલે અર્જુનનો મોહ અજ્ઞાનમાંથી ઉપજેલો છે એ વાત તો આ શબ્દો પરથી જ સમજાઈ જ જાય છે, પરંતુ વધારામાં તેને દૂર કરવા ભગવાન પોતે કેવાં સાધનનો ઉપયોગ કરે છે, ને બીજાને કેવાં સાધનની ભલામણ કરે છે, તે પણ સારી પેઠે સમજી શકાય છે. જ્ઞાનના શસ્ત્રનો ઉપયોગ કરવાની ભગવાનની ભલામણ છે. એ શસ્ત્રનો ઉપયોગ કરી ભગવાને અર્જુનના મરી પરવારેલા ઉત્સાહ ને વિવેકને સજીવન કરી દીધો, ને અર્જુનને ખરા અર્થમાં વીર બનાવ્યો, ગીતાનો ઉપદેશ એ વીરતાની જ તાલીમ છે અથવા કહો કે મરવા જેવા બનેલા કે મરી ચુકેલાની સંજીવની બૂટી છે.


ભગવાન જરા પણ નિરાશ થયા નહિ. તેમના મુખ પર તો એવું જ સ્મિત ફરકી રહ્યું હતું. છતાં તેમણે ગંભીર બનીને અર્જુનને કહ્યું કે અરે અર્જુન ! આવે ખરે વખતે દુઃખ ને અપયશ આપનારો આ શોક તને ક્યાંથી થયો ? લડાઈ જેનો પ્રિય વ્યવસાય છે એવા તને, લડાઈના આ મેદાનમાં શંખનાદ થઈ રહ્યા છે ત્યારે, વળી નહિ લડવાનો વિચાર ક્યાંથી થયો ? ક્ષત્રિયને આ શોભે નહિ. માટે આ કાયરતા છોડી દે, ખોટા વિષાદને દૂર કરી દે, ને યુદ્ધ કરવાની તૈયારી કર.


પણ એટલી જ ઉપદેશવાણીથી અર્જુન કાંઈ માની જવાનો હતો ? તેનો શોક તો ઊંડો હતો, તે માટે તો ભગવાનના કેટલાય ઉપદેશ વચનોની જરૂર હતી. તેણે તો પહેલા અધ્યાયમાં છોડેલો સૂર ફરી પાછો છોડવા માંડ્યો. તેના હૃદયમાં એ જ સૂર ઊઠી રહ્યો હતો. યુદ્ધ મારો પ્રિય વ્યવસાય ખરો. યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ પણ ખરો. પણ તેનીય મર્યાદા હોય કે નહિ ? કોની સાથે લડવાનું છે એ વિચાર તો કરવો જ જોઈએ ને ? આ યુદ્ધમાં તો ભીષ્મ ને દ્રોણ જેવા પૂજ્ય પુરૂષોની સામે લડવાનું છે. તેમના પર તીર છોડવાનું મન કેવી રીતે થાય ? તેવા પૂજ્ય પુરૂષોને મારવાથી સુખ ને શાંતિ કેવી રીતે મળી શકશે ? તેમને મારવાથી તો અમારા હાથ લોહીથી ખરડાઈ જશે. અમારા અંતરમાં ગ્લાનિ છવાશે. એ દશામાં અમને પ્રાપ્ત થયેલું રાજ્યસુખ પણ શી રીતે સારું લાગશે ? સ્વજનોને મારવાથી અમારા દિલમાં કાયમને માટે ડંખ રહી જશે. પશ્ચાત્તાપની વેદનાનો કીડો અમારા અંતરને સદાયે કોરી ખાશે, ને જીવનમાં દુઃખ ને અશાંતિ વ્યાપી રહેશે. આ દશામાં મારે શું કરવું ? મારે યુદ્ધના મેદાનમાંથી પાછું વળવું કે કેમ એનો નિર્ણય પણ મારાથી થઈ શકતો નથી. માટે જ હું તમારે શરણે આવું છું. તમે જ મારા પ્રકાશદાતા ગુરૂદેવ છો. જે યોગ્ય લાગે તે ઉપદેશ મને આપો.


અર્જુનનું હૃદય કેટલું સરળ હતું તેની આ છેલ્લા શબ્દો પરથી ખાત્રી થાય છે. તેની લડવાની ઈચ્છા નથી. સ્વજનોની સાથેનું યુદ્ધ તેને બિલકુલ પસંદ નથી એમ કહી દેવા છતાં ખૂબી એ છે કે છેવટનો નિર્ણય કરવાનું કામ તે પોતાના પર નહિ પણ ભગવાન પર છોડે છે. ભગવાન પર તેને કેટલી શ્રદ્ધા છે તેનો સંકેત આ શબ્દો દ્વારા સહેજે મળી રહે છે. એ શ્રદ્ધાથી પ્રેરાઈને તો તેણે ભગવાનને પોતાના સારથિ તરીકે પસંદ કર્યા છે. તે ધારત તો એમ કહી શકત કે મારા રથને યુદ્ધમેદાનથી દૂર લઈ લો; હવે કોઈ પણ હિસાબે મારાથી લડી શકાય તેમ નથી. યુદ્ધ બધી જ રીતે ભયંકર ને અમંગલ છે. પણ તેમ કહેવાને બદલે ‘હું નહીં લડું’ એમ કહીને છેવટે ચૂપ થઈ જાય છે, ને પોતાનો બધો જ ભાર ભગવાન પર છોડી દે છે. આથી જેમ તેની શ્રદ્ધાભક્તિની સૂચના મળે છે, તેમ તેની અનિશ્ચિત મનોદશાનો પરિચય મળી રહે છે. યુદ્ધ પરથી હજી તેનું મન સંપૂર્ણપણે ઉતરી ગયું નથી. નહિ તો તે કોઈનીય સલાહની પરવા ના કરત, ને અશોકની જેમ અહિંસક બની કુરૂક્ષેત્રના મેદાનમાંથી પાછો વળત. પરંતુ ગીતાકાર આપણને કહેવા માંગે છે કે રખે માની લેતા કે અર્જુનનો વૈરાગ્ય એટલો બધો તીવ્રતમ બની ગયો છે. લડવાની વૃત્તિ હજી હઠી નથી. તેથી તો તે શસ્ત્રને ધારણ કરીને આવ્યો છે છતાં આ જે જ્ઞાનવૈરાગ્યના છાંટા તેના મુખમાંથી ઉડ્યા કરે છે તેનું મુખ્ય કારણ સ્વજનો સાથે લડવાનું તેને પસંદ નથી તે છે.


વારૂ ત્યારે, અર્જુને તો થોડીઘણી સુંદર દલીલ કરીને એક કુશળ વકીલની પેઠે પોતાનો કેસ રજૂ કરી દીધો. પણ ભગવાન તો પરિસ્થિતિ એટલી બધી હદે પહોંચી ગઈ તો પણ શાંત બનીને હજી હસ્યા જ કરે છે ! ભગવાન પર તો તેની કાંઈ અસર જ નથી. તે શાંતિની મૂર્તિ બનીને બેસી રહ્યા છે. જેને સારા સંસારની વ્યવસ્થા કરવાની છે તે આમ વાતવાતમાં અશાંત બની જાય તો કેમ ચાલે ? પોતાના ને બીજાના જીવનરથને ચલાવવાની જવાબદારી જેના શિર પર છે, તેણે પણ પ્રત્યેક અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આમ જ શાંત રહેવું જોઈએ. પણ શાંત રહ્યા છતાં વધારે વખત સુધી મૂંગા રહેવાનું શું હવે બરાબર છે કે ? આ તો કટોકટીનો વખત છે. પળેપળની અહીં તો કિંમત છે. માટે જ ભગવાને હવે અર્જુનને સંબોધીને બોલવાનું શરૂ કર્યું.


- શ્રી યોગેશ્વરજી



વ્યવહારમાં જ્ઞાન મળે કે નહીં


કેટલાક વિદ્વાનો કહે છે કે ગીતાની સાચી શરૂઆત હવે અહીંથી જ માનવી જોઈએ. બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી જ ગીતાની જ્ઞાનગંગા ભગવાનના હૃદયના ગોમુખમાંથી શરૂ થાય છે. આપણે કહીશું કે આ વાત બરાબર છે. છતાં તે ગંગા શરૂ થઈ શા માટે ? ગીતાના પહેલા ને બીજા અધ્યાયની શરૂઆતની વાત વાંચ્યા વિના તેનો ખ્યાલ સૌને કેવી રીતે આવી શકશે ? ગૌમુખથી ગંગા શરૂ થાય છે એ સાચું છે ; પણ હિમાલયની અંદરના ભાગમાં પણ તેનું અસ્તિત્વ નથી એમ કોણ કહી શકે ? મકાનનું મૂલ્ય વધારે છે એ ખરું, પણ પાયાનું મૂલ્ય ઓછું છે એમ પણ કોણ કહી શકશે ? પાયા પર તો મકાનનો આધાર છે. મૂળમાં તો વૃક્ષની સ્થિરતા રહેલી છે. એટલે જ આપણે કહીએ છીએ કે ગીતાના પ્રારંભના શ્લોકો પણ ભલે રહ્યા. તેમનું મૂલ્ય પણ ઓછું આંકવાની જરૂર નથી. ગીતાના મહાન અંકના ઉપોદ્ ઘાત જેવા તે શ્લોકો ગીતા કેવા સંજોગોમાં કહેવાઈ તેનો ખ્યાલ આપે છે ને અર્જુનના મનનો પણ ચિતાર ધરે છે, તેનું મૂલ્ય ઓછું નથી.


ગીતા એકાંત જંગલમાં નહિ, પણ યુદ્ધના કોલાહલની વચ્ચે કહેવાઈ છે તેથી તેની કિંમત વધે છે, ને જીવનના કોલાહલની વચ્ચે જીવનારા માણસોને માટે પણ તે ઉપયોગી અને પ્રેરણા દેનારી છે એ સાબિત થાય છે. આ વસ્તુ ઘણી મહત્વની છે. કોઈ કોઈ વાર માણસો મને પ્રશ્નો પૂછે છે કે ‘સંસારના અટાપટા વ્યવહારની વચ્ચે રહીને પ્રભુપ્રાપ્તિ માટેનો પ્રયાસ કરી શકાય ખરો ? અથવા તો પ્રવૃત્તિની અંદર રહીને જ્ઞાન મેળવી શકાય ખરું ?’ આવા માણસોનો સ્વાભાવિક ખ્યાલ એવો હોય છે કે જ્ઞાનની પ્રાપ્તિ તો કોઈ એકાંત નદીતટના પ્રદેશમાં કે પર્વત પર જ થઈ શકે. સંસારના વ્યવહારનો ત્યાગ કરવો જ જોઈએ. તે વિના જ્ઞાન મળી શકે નહિ, શાંતિ પણ સાંપડી શકે નહિ, કે ઈશ્વરની કૃપા પણ થાય નહિ. પણ ગીતાનો વિચાર કરતાં સમજાશે કે આ દૃષ્ટિ અધૂરી છે, આ વિચારસરણી ભૂલભરેલી છે.


જ્ઞાન કે ઈશ્વરની કૃપા સંસારના વ્યવહારથી દૂર રહીને જ મેળવી શકાય છે એ માન્યતા બરાબર નથી. હા, કોઈ માણસ કોઈ કારણથી વ્યવહારથી દૂર જઈને એકાંતનો આશ્રય લે ને જ્ઞાન તથા ઈશ્વરની કૃપા મેળવવાનો પુરૂષાર્થ કરે, ને તે પુરૂષાર્થમાં સફળ પણ બને. પણ તેથી જ કાંઈ સૌએ એ માર્ગનું ફરજીયાત અનુકરણ કરવું જ જોઈએ એવો નિર્ણય આપી શકાતો નથી. માણસ વ્યવહારમાં રહે કે ના રહે તે તેની ઈચ્છા ને અનુકૂળતા પર અવલંબે છે. તે બાબતમાં બળજબરી કરવી બરાબર નથી. બળજબરી ફક્ત ઈશ્વરની કૃપા કે જ્ઞાનની પ્રાપ્તિ માટેની યોગ્યતા બાબતે થઈ શકે છે. માણસ વ્યવહારની વચ્ચે રહે કે ના રહે એ ગૌણ વસ્તુ છે. પ્રધાન વસ્તુ તો એ છે કે તેણે પોતાનું જરૂરી ઘડતર કરવું જોઈએ : આવશ્યક અધિકાર મેળવવો જોઈએ, તે થતાં બીજું બધું જ કામ થઈ રહે છે. ગીતાનો ઉપદેશ કોઈ નિતાંત એકાંત સ્થાનમાં કે જંગલમાં અપાયો નથી. તે તો વ્યવહારની વચ્ચે ને યુદ્ધના મેદાનમાં અપાયો છે. એક બાજુ શંખના નાદ થઈ રહ્યા હતા, ને તલવાર તથા ધનુષ્યબાણ ધારણ કરીને યોદ્ધાઓ લડવા માટે તલપાપડ થઈ રહ્યા હતા, એ વખતે ગીતાની અમરવાણી વહેતી થઈ છે. ગીતાની પતિતપાવની ને પુણ્યવાનને પણ વધારે પાવન કરનારી ગંગા એ વખતે પ્રકટ થઈ છે. ગીતાના જ્ઞાનનો આવિર્ભાવ કોઈ નિઃસ્તબ્ધ જંગલમાં નહિ, પણ કોલાહલમાં થયો છે.


અર્જુને શું કરવું તેની સમજ ન પડવાથી છેવટે ભગવાનનું શરણ લીધું, ને આકુળવ્યાકુળ થઈને પોકાર કરી દીધો કે હે પ્રભો ! હું તમારે શરણે આવ્યો છું. મને ઉપદેશ આપો. મારે માટે જે યોગ્ય હોય તે માર્ગ મને બતાવો. પરિણામે ભગવાને જ્ઞાનની પવિત્ર ગંગાને પ્રકટ કરી. તે જ પ્રમાણે પ્રવૃત્તિ કે વ્યવહારની વચ્ચે રહીને પણ જે ભગવાનનું શરણ લે, ને ભગવાનની મદદની માંગણી કરે, તે ભગવાનની વાણી સાંભળી શકે, ભગવાનની કૃપા મેળવી શકે, જ્ઞાનની પવિત્ર ગંગામાં સ્નાન પણ કરી શકે. અર્જુનની આજુબાજુ ભયંકર પ્રવૃત્તિ હતી. છતાં તેણે ભગવાન તરફ દૃષ્ટિ ફેરવી તો તેને જ્ઞાન મળી શક્યું.


અર્જુન જો અહંકારમાં મસ્ત બનીને બેસી રહ્યો હોત તો જ્ઞાનગંગામાં ન્હાવાનો આ પવિત્ર લાભ તેને મળી શકત ખરો કે ? માણસે પણ પ્રવૃત્તિ કરતાં કરતાં ખૂબ નમ્રતા ધારણ કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી પર ખૂબ પ્રેમ હતો. વાંસળી પર ખૂબ પ્રેમ હતો. વાંસળીના મધુર સ્વરમાં જ્યારે તે પોતાના હૃદયને વહેતું કરતાં, ત્યારે માનવ, પશુ, ને પંખી તો શું, પણ જડ ગણાતા પદાર્થો પણ દ્રવી જતા. ગોપીઓએ વાંસળીને પૂછ્યું કે તારામાં આટલું બધું જાદુ છે તેનું કારણ શું ? વાંસળીએ જવાબ આપ્યો કે કારણ એ જ કે હું પોલી થઈ ગઈ છું. માણસ પણ જો પોલો થઈ જાય તો ભગવાનનો પ્યારો બની જાય, ને તેના જીવનમાંથી સ્વર્ગીય સંગીત છૂટવા માંડે. તેને ભારે કરનાર કોણ છે ? અભિમાન. સાધારણ ભાષામાં કહીએ તો હું ને મારૂં. આ અભિમાન દૂર થઈ જાય, ને ? ‘હું ને મારૂં’ ને ઠેકાણે ‘તું ને તારું’ થઈ જાય, એટલે જીવન ધન્ય બની જાય. અર્જુનના જીવનમાં આ સંદેશ સમાયેલો છે.


માણસે શાંતિના કેવા સ્વરૂપ બની જવું એનું ઉત્તમ ઉદાહરણ શ્રી કૃષ્ણના જીવનમાંથી મળી રહે છે. ગીતામાં પૂર્ણ કે મુક્ત પુરૂષનાં જે લક્ષણો છે તે બધાં શ્રીકૃષ્ણના જીવનમાં મૂર્તિમંત બની ગયાં છે. શ્રીકૃષ્ણની શાંતિ તો જુઓ, તેમના અદ્ ભૂત મનોબળનો જરા વિચાર તો કરી જુઓ. જરાક ગડબડ થતી હોય તો માણસને વાંચવાનું, લખવાનું કે સ્થિરતાથી વિચાર કરવાનું પણ નથી ફાવતું. તે માટે માણસ તદ્દન શાંતિ શોધે છે. પણ ભગવાને તો યુદ્ધની કોલાહલવાળી ભૂમિમાં ઊભા રહીને જ ગીતાનો ઉપદેશ આપ્યો છે, તેમની આંતરિક શાંતિનું ઊંડાણ કેટલું બધું અગાધ હશે ? માટે તો તેમને પુરૂષોત્તમ ને યોગેશ્વર કહ્યા છે. એવી શાંતિ મેળવવા માણસે કમર કસવી જોઈએ. એવું મનોબળ માણસનો ઉત્તમ આદર્શ બની રહેવું જોઈએ.


ભગવાન તો શાંતિનું સાકાર સ્વરૂપ હતા. તેમની શાંતિનો કોઈયે પ્રકારના સંજોગોમાં ભંગ થાય તેમ ન હતું. એટલે જ અર્જુનનો વિષાદ જોઈને તે હસી રહ્યા હતા. પણ ખાલી હસતા જ રહેવાથી કાંઈ કામ સરે તેમ ન હતું. અર્જુને તો પોતાનો ઉભરો ઠાલવી દીધો ને ભગવાનના ઉપદેશની રાહ જોતો તે બે હાથ જોડીને બેસી પણ રહ્યો. હવે ભગવાને વિચાર કર્યો કે અર્જુનના વિષાદ રોગનો ઈલાજ કરવો જોઈએ. એ કામ તેમને માટે મુશ્કેલ ન હતું. વિષાદનો ઈલાજ કરવાની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે હે અર્જુન, તારા શબ્દો તો ઘણા જ સુંદર છે. કોઈ પંડિતને છાજે તેવી ભાષા ને શૈલીમાં તેં યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરી દીધાં છે પણ સ્વજનોનાં મૃત્યુના વિચારથી તને કંપારી છૂટી છે, તે જોઈને મને આશ્ચર્ય થાય છે. કેમ કે જે જ્ઞાની કે પંડિત છે તે જન્મ ને મરણના વિચારથી ડરતો નથી, ને મૃત્યુનો શોક પણ કરતો નથી. આ શબ્દોની શરૂઆત સાથે ગીતાની જ્ઞાનગંગાનો જન્મ થાય છે. તે ગંગાનું સ્વરૂપ આગળ જતાં વિવિધરંગી ને વિરાટ થતું જાય છે. એ સ્વરૂપ ક્રમેક્રમે મનન કરી શકાય તે માટે તેની અધ્યાયવાર વહેંચણી કરવામાં આવી છે. એ સ્વરૂપ પર ઉડતી નજર ફેરવવાનો પ્રયાસ આપણે આ નાનાસરખા વાર્તાલાપમાં કરી રહ્યા છીએ.


- શ્રી યોગેશ્વરજી


મૃત્યુનો ભય


સ્વજનોના મૃત્યુના વિચારથી અર્જનના પગ ઢીલા થઈ ગયા હતા, એટલે ભગવાને અર્જુનના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી દેવાનો પ્રયાસ પોતાના ઉપદેશ દ્વારા શરૂ કર્યો. મૃત્યુનો ભય કોને નથી ? સંસારમાં તે ભય સર્વત્ર વ્યાપેલો દેખાય છે. મૃત્યુની કલ્પના પણ માણસને કંપાવી કે ધ્રુજાવી મુકે છે. મરનારની પાછળ માણસો શોક કરે છે. રડે છે ને બીજાને પણ રડાવે છે. કેટલાક માણસો તો એવા છે કે જેમને મૃત્યુનો વિચાર પણ આવતો નથી. આ ભાડુતી ઘરને ખાલી કરીને સૌએ એક દિવસે એકાએક વિદાય થવાનું છે, એ વાતનું સ્મરણ પણ તેને રહેતું નથી, ને સંસારની ભાડુતી ધર્મશાળાને પોતાની માની, આ સંસારમાંથી કોઈવાર જાણે વિદાય થવાનું જ ના હોય એમ સમજી લઈ, તે અનેક જાતની સારીનરસી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. સંસારને છોડીને જવાનું તેમને કડવું લાગે છે. મરણપથારીએ પડેલો માણસ સંસારને યાદ કરીને રડે છે. વિદાય લેવાનો વખત આવે છે, ત્યારે તેની નજર સામે સંસારના માયાવી રૂપો હાજર થાય છે, તેની મતિ મુંઝાય છે, નસો ખેંચાય છે, ને તેનો પ્રાણ કેમે કરીને શરીરમાં થયેલી મમતાનો ત્યાગ કરવા માટે તૈયાર થતો નથી.


એક માણસ પાસે પુષ્કળ ધન હતું. તેને અચાનક કોઈ રોગ થયો ને તે બિમાર પડ્યો. તેના એક મિત્રે તેની મુલાકાત લીધી તો તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. મિત્રે તેનું કારણ પૂછ્યું તો, તેણે પોતાનું દર્દ ઠાલવીને કહેવા માંડ્યું કે શું મારે પણ મરવું પડશે ? આ બધું એકઠું કરેલું ધન મૂકી દઈને શું મારે પણ આ સંસારમાંથી વિદાય થવું પડશે ? મિત્રે કહ્યું કે એમાં શંકા કરવાનું કારણ જ ક્યાં છે ? જે જન્મ્યું તે મરવાનું જ છે. મૃત્યુ સૌને માટે નક્કી છે. આ સંસારના પ્રવાસે આવીને જે જીવ જીવનની અવનવી ગાડીમાં બેસી ગયો, તે જન્મ મરણની રિટર્ન ટિકિટ લઈને જ આવે છે. પણ પેલા માણસની ચિંતા તો વધતી જ ગઈ. મૃત્યુનો વિચાર કરીને તે રડી ઊઠતો. તેની ઊંઘ ઊડી ગઈ, શાંતિ જતી રહી, ને તેના મુખની કાંતિ પણ ઉડી ગઈ. તેનું મૃત્યુ તો નક્કી વખતે થવાનું હતું તે વખતે થઈ જ ગયું. પણ તે પહેલાંનો બધો જ વખત તેણે ચિંતા ને વેદનામાં પસાર કર્યો. સ્વાભાવિક રીતે મરતાં પહેલાં જ તેનું જીવન મરણની આવૃત્તિ જેવું બની ગયું.


સંસારમાં આવા પ્રસંગ વારંવાર બન્યા કરે છે. તેનું કારણ મૃત્યુનો ખોટો ભય છે. માણસે મૃત્યુનો ભય દૂર કરવાની જરૂર છે એમ ગીતા શિક્ષા આપે છે. મૃત્યુનો ભય દૂર કરવા તેણે શું કરવું ? સૌથી પહેલાં તો તેણે સમજી લેવું કે જન્મ ને મૃત્યુ સ્વાભાવિક છે. એક સિક્કાના બે પાસાં જેવાં છે. તાપની સાથે છાયા રહે છે જ, ને દિવસની પાછળ રાત પણ લાગેલી છે. તે પ્રમાણે જન્મ ને મૃત્યુ એકમેક સાથે વળગેલાં જ છે. મરણ એક સ્વાભાવિક ને ટાળી ના ટળે તેવી ને ઘટ સાથે જડેલી વસ્તુ જ છે, તો તેનાથી ડરવાની જરૂર શી છે ? તેને ભેટવા માણસે સદાયે તૈયાર ને પ્રસન્નપણે તૈયાર શા માટે ના રહેવું ? તેનાથી ડરવામાં કાયરતા રહેલી છે.


- શ્રી યોગેશ્વરજી



મૃત્યુનો લાભ - નવજીવનની પ્રાપ્તિ


મૃત્યુથી ડરવાનું કારણ પણ શું છે ? સમસ્ત સંસાર એક ઈશ્વરની રચના છે. ઈશ્વરની યોજના પ્રમાણે જ તે ચાલે છે ને તે યોજના પણ મંગલ છે. માણસ સિંહ ને વાઘ તથા વીંછી ને સાપથી ડરે છે, ને શત્રુથી બીએ છે. તે એમ માને છે કે તેનું જીવન એ બધા જીવોની સામે સલામત નથી. એ બધા જીવો તેને માટે નુકશાનકારક છે એમ સમજીને જ તે ડરે છે. મૃત્યુના ડરનું કારણ પણ એ છે કે માણસ મૃત્યુના સાચા સ્વરૂપને સમજતો નથી, ને મૃત્યુને અમંગલ તથા હાનિકારક માને છે. આ માન્યતા ખોટી છે. માણસ જો સારી પેઠે વિચાર કરે તો તેને જણાશે કે મૃત્યુ તેને માટે અમંગલ નથી પણ આશીર્વાદરૂપ છે. ગીતા માતાનું કહેવું છે કે માણસ જેમ જૂનું કપડું ઉતારીને નવું કપડું પહેરે છે, તેમ જૂનું શરીર છોડીને બીજું નવું શરીર ધારણ કરે છે. આ જૂનું શરીર છોડવાની ક્રિયાનું નામ મૃત્યુ છે. તેની જરૂર માણસને માટે કેટલી બધી ભારે છે ?


શરીર મોટું થાય છે તેમ તેમ ઘસાતું જાય છે. તેની શક્તિનો ક્ષય થતો જાય છે, તેવા શરીરને બદલીને નવા ને વધારે સારા શરીરને ધારણ કરવાનો લાભ આપીને ઈશ્વર માણસ ઉપર ઘણો મોટો ઉપકાર કરે છે. સંસારમાં જો મૃત્યુની વ્યવસ્થા ના હોત તો શું થાત તેનો વિચાર તો કરો. દરેક જીવને ગમે કે ના ગમે છતાં પોતાને જન્મથી વારસામાં મળેલા એક જ જાતના વાતાવરણમાં કાયમને માટે રહેવું પડત. મૃત્યુ દ્વારા તેને નવા વાતાવરણમાં ફેરબદલી કરવાનો લાભ મળે છે, ને નવા વાતાવરણમાં તે નવેસરથી પોતાનો સંસાર શરૂ કરી શકે છે. સંસારમાં કેટલાય જીવો જીવનભર દુઃખી દેખાય છે. કેટલાક જીવો બીજાના અહિત કે અમંગલને માટે જ જીવતા હોય તેવું લાગે છે. એવા જીવોના જીવન પર મૃત્યુનો પડદો પાથરીને ઈશ્વર તેમનું ને બીજાનું કલ્યાણ જ કરે છે. મૃત્યુ આવી રીતે મંગલકારક છે. માણસને ગમે કે ના ગમે, છતાં જન્મ ને મરણના ચક્રમાં તેણે ફરવાનું જ છે. જન્મ ને મરણના ચક્રમાં ફેરવનાર જે કર્મો છે તેના બંધનમાંથી તે મુક્તિ ના મેળવે, અથવા તો જન્મ ને મરણના નિયંતા ને સૃષ્ટિના સ્વામી પરમાત્માની સાથે તે સંબંધ ના કરે, ત્યાં સુધી આ ચક્રમાંથી છૂટવાનું તેને માટે મુશ્કેલ છે. એટલે જન્મ ને મરણમાંથી છૂટવા માટે માણસે ઈશ્વરનું શરણ લેવું જોઈએ.


મૃત્યુને જીતી શકાય છે


મૃત્યુને જીતી ના શકાય એમ માનવું ભૂલભરેલું છે. ઈશ્વરની કૃપાથી માણસ મૃત્યુંજય બની શકે છે ને શરીરને ઈચ્છા પ્રમાણે રાખી ઈચ્છા પ્રમાણે છોડી શકે છે. ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ આ માટેની સાધના તૈયાર કરી છે. મૃત્યુને જીતવા માટે ભારતમાં યોગના મહાન પ્રયોગો કરવામાં આવ્યા છે ને તે પ્રયોગો સફળ થયા છે. મરણ સૌને માથે ભમ્યા કરે છે, ને માણસ મૃત્યુનો ગુલામ છે, એ વાતોનું તે પ્રયોગોએ ખંડન કર્યું છે. માણસ પોતાની નબળાઈ ને લીધે મૃત્યુનો દાસ ને પ્રકૃતિનો ગુલામ છે ને જો તે ધારે ને શક્તિનો વિકાસ કરે, તો મૃત્યુ ને પ્રકૃતિનો સ્વામી બની શકે છે એ મહાન ને અનુભવસિદ્ધ વિચારનો વારસો ભારતના મહાન યોગીઓ સમસ્ત માનવજાતિને માટે મૂકતા ગયાં છે. ચાંગદેવે કાળ પર કાબુ કરવાની કળા હસ્તગત કરી લઈને ૧૪૦૦ વરસનું આયુષ્ય સાધ્ય કર્યું હતું, ને જ્ઞાનેશ્વર પાસેથી શાંતિ મેળવી હતી. વ્યાસ ને નારદ તથા હનુમાન અમર ગણાય છે, ને સાધકોને આજે પણ દર્શન આપે છે. સંત જ્ઞાનેશ્વરે જીવતાં સમાધિ લીધી તે પછી લગભગ ૩૦૦ વરસે મહાત્મા એકનાથને પોતાના સમાધિસ્થાન આલંદીમાં આવવાની પ્રેરણા કરીને પોતાનું દર્શન આપ્યું હતું. ભારતના યોગી પુરૂષો પોતાના જ મૃત્યુ પર નહિ, પણ બીજાના મૃત્યુ પર પણ કાબુ ધરાવતા હતા. જન્મ ને મરણ પર તેમનું સંપૂર્ણ સ્વામિત્વ હતું. આત્મા તો અમર છે જ પણ શરીરની અમરતાના પ્રયોગ પણ તેમણે કર્યા હતા. માણસ મૃત્યુનો જય કરીને વરસો સુધી જીવી શકે. પણ એટલાં બધાં વરસો પછી પણ તેને શરીરત્યાગ તો કરવો જ પડે ને ? કેટલાક માણસો એવો પ્રશ્ન પૂછી ઊઠશે. તેમણે યાદ રાખવું જોઈએ કે મૃત્યુવિજય કરી ચૂકેલાં પુરૂષો ઈચ્છાનુસાર શરીર ધારણ કરીને છોડી શકે છે, ને શરીરમાં ઈચ્છાનુસાર રહી શકે છે. તે પ્રમાણે  રહેવાથી લાભ છે કે કેમ તે જુદી વાત છે. પણ માનવના પુરૂષાર્થ સિદ્ધિના ઈતિહાસમાં મૃત્યુના વિજયનું સ્થાન મહત્વનું છે.


- શ્રી યોગેશ્વરજી




મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવો


સાધારણ માણસો આવો વિજય ના કરી શકે, તેમને તેવા વિજયની જરૂર ના હોય. તેમને માટે તો ગીતા એક સુંદર માર્ગ બતાવી દે છે. ગીતા કહે છે કે મૃત્યુ સ્વાભાવિક ને અવશ્યં ભાવિ છે; માટે તેનો શોક નકામો છે. આટલી સિદ્ધિ માણસ મેળવી શકે, તો પણ ઘણું. તે મૃત્યુથી ડરે નહિ, મૃત્યુનો શોક ના કરે ને સમય આવે ત્યારે જરાય કષ્ટ કે વિષાદ વગર, હસતાં હસતાં શરીર છોડી શકે, તો પણ તેને માટે ઘણું છે. મૃત્યુનો સમય આવે છે તે પહેલાંથી જ તે રોકકળ કરી મૂકે છે ને શોકમાં ડૂબી જાય છે. લાંબા વખતથી જે શરીરને પોતાનું સમજીને પ્રીતિપાત્ર બનાવી દીધું છે, તેને છોડવાનો વખત આવતા તે ગભરાઈ જાય છે, ને અનેક પ્રકારના તર્કવિતર્ક કરવા માંડે છે. છતાં મૃત્યુ આગળ તેમનું કાંઈ ચાલતું તો નથી જ, મૃત્યુની જાળમાં તો તેમને જકડાવું જ પડે છે.


મરણ વખતે આવી કફોડી દશા ના થાય, ને મરણનો ભય સદાને માટે દૂર થાય, તે માટે માણસે તૈયારી કરી લેવાની જરૂર છે. મરણ કોઈયે કાળે ને સ્થળે ઉત્સવરૂપ બની જાય તેવી તૈયારી કરવાની જરૂર છે. જીવનમાં ઉત્તમ કર્મો કરતા રહેવાની જરૂર છે. જે જીવનને ઉત્સવરૂપ કરી શકશે, તેને માટે મૃત્યુ પણ મહોત્સવ જેવું બની જશે એમાં સંદેહ નથી. મૃત્યુનો અનુભવ માણસને રોજિંદા જીવનમાં થઈ શકે છે. આપણે નિદ્રાધીન બનીએ છીએ તે દરમ્યાન શરીર ને સંસારનું ભાન જતું રહે છે. એ નાનું મૃત્યુ છે. બહારગામ કે દૂર દેશાવરના પ્રવાસે ઉપડેલો માણસ પોતાના સ્નેહી સંબંધીથી દૂર જતો રહે છે. કેટલાય જુદા જુદા દેશોમાં તે પ્રવાસ કરે છે. મુંબઈનો માણસ દિલ્હી કે કલકત્તા જાય એટલે તે પોતાના ઘર ને કુટુંબથી વિખુટો પડે છે. આ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે, પણ જીવતું મૃત્યુ છે. આ દશામાં માણસ દૂરના દેશમાં બેસીને પણ પોતાનાં સ્વજનોના સમાચાર મેળવી શકે છે, ને ઈચ્છા પ્રમાણે તેમને મળવા પણ જઈ શકે છે. ખરેખરા મૃત્યુમાં આ માટે અવકાશ નથી રહેતો. મરણ પામેલા માણસના સમાચાર તેનાં સ્વજનોને નથી મળતા, મરણ પામેલા માણસને પણ પોતાના ખબરઅંતર પહોંચાડવાનું તેના સ્વજનો માટે અસંભવ બને છે. એટલે રોજિંદા જીવનમાં માણસે મૃત્યુની તાલીમ લેવી જોઈએ.


- શ્રી યોગેશ્વરજી


શરીરની ક્ષુદ્રતા - આત્માની અમરતા


ભગવાને અર્જુનને શરીરની ક્ષુદ્રતા ને આત્માની અમરતાનો ઉપદેશ પણ આપ્યો છે. ભગવાન કહે છે  કે, હે અર્જુન, વિચાર તો કર કે તું કોનો શોક કરી રહ્યો છે ! શરીર તો નાશવંત છે. વહેલો કે મોડો તેનો નાશ નક્કી જ છે. નામ તેનો નાશ-એ વાત શરીરના સંબંધમાં સારી પેઠે જાણીતી છે. મૃત્યુ તો શરીરનો સ્વભાવ છે તેનો વળી શોક કેવો ? ને જેને માણસ પોતાના સ્વજન ને સ્નેહી સમજે છે તે ખરેખર તેનાં સ્નેહી–સ્વજન છે કે ? જ્યાં સુધી આંખ ઉઘાડી છે ત્યાં સુધી જ તે બધા સંબંધો છે. આ જીવન જ કાંઈ એકમાત્ર જીવન નથી. જીવન તો અનંત છે. જુદા જુદા જીવનમાં જુદા જુદા સંબંધો તૈયાર કરે છે, તેમાંથી તેનું સાચું સ્વજન કોણ છે ? મમતા ને મોહની ગાંઠથી તે બંધાયેલો છે. તે ગાંઠને તોડી નાંખતા તેને તરત સમજાશે કે આ સંસારમાં તેનું પોતાનું એક ઈશ્વર વિના બીજું કોઈ જ નથી. તે ઈશ્વરમાં મમતા કરવી એમાં જ ડહાપણ રહેલું છે. જે માણસના સાચા સ્નેહી ને સુહૃદય છે, તથા જે માણસનું સર્વ પ્રકારે મંગલ કરવા સમર્થ છે.


જો આત્માનો વિચાર કરવામાં આવે તો આત્મા તો અવિનાશી છે, માટે તેનો શોક કરવામાં મૂર્ખતા રહેલી છે. આત્મા સદાયે અમર છે. તેને શસ્ત્રો છેદી શકતા નથી; અગ્નિ બાળી શકતો નથી ને પાણી પલાળી શકતું નથી. મૃત્યુનું શાસન સંસારના બધા જ પદાર્થો પર ચાલે છે, પણ આત્મા તે શાસનથી સ્વતંત્ર છે. મૃત્યુની છાયા બધે જ પથરાયેલી છે પણ અવિનાશી એવો આત્મા તે છાયાથી પર છે. ગીતાનો આ મહત્વનો સંદેશ છે. તે સંદેશને સમજી લેનાર માણસ પણ પોતાના કે બીજાના મૃત્યુનો શોક કરતો નથી. માણસ મરી ગયો એમ કહેવામાં આવે છે. પણ કોણ મરી ગયું એનો વિચાર તો કરો, શરીર જ મર્યું છે. શરીરની અંદરનો હંસલો ઊડી ગયો છે. તે હંસ જેવા આત્માને તો જન્મવાનું નથી ને મરવાનું પણ નથી. એટલે માણસ મરી ગયો એમ કહેવા કરતાં માણસનું શરીર છૂટી ગયું, અથવા તે ભગવાનના ધામમાં ગયો એમ કહેવું જોઈએ.


આ આત્મા જ માણસનું મૂળ સ્વરૂપ છે. પણ અજ્ઞાનવશ થઈને માણસ આ સાડાત્રણ હાથના પંચમહાભૂતના પૂતળાને પોતાનું સ્વરૂપ સમજી બેઠો છે. શરીરને આપવું જોઈએ તેથી વધારે મહત્વ આપીને શરીરના લાલનપાલનમાં તે રત રહે છે. શરીર તો સાધન છે. ગંદકીનું ઘર છે તેની અંદર આત્માનો પ્રકાશ પથરાયેલો છે તેથી તે કામકાજ કરે છે, ને જડ હોવા છતાં ચેતનમય માલુમ પડે છે. પણ તેનું ચેતન ક્યાં સુધી ટકી શકે છે ? તેની અંદર આત્માની સત્તા રહે છે ત્યાં સુધી જ. આત્માનો પ્રકાશ દૂર થાય એટલે તેની દશા કફોડી થઈ જાય. પછી તો તે કોઈ પ્રકારની ક્રિયા કરી શકતું નથી, વખત જતાં ગંધાવા માંડે છે, ને તેનો વેળાસર નિકાલ કરી નાંખવો પડે છે. આ પ્રમાણે તે માણસનું મૂળ સ્વરૂપ નથી. છતાં સંસારમાં એવા કેટલાય માણસો છે જે પોતાને શરીર પૂરતા જ મર્યાદિત માને છે, ને શરીરના જ લાલનપાલનમાં રત રહીને શરીરનો ગર્વ પણ ધારણ કરે છે.


આપણે એમ નથી કહેતા કે શરીરની સંભાળ ના રાખવી, ને તે ગંદકીનું ઘર છે માટે તેને સ્વચ્છ ને સુશોભિત પણ ના કરવું. અંદરની ગંદકીને દૂર કરવાની માણસની શક્તિ નથી પણ જેટલી ગંદકીનો નિકાલ કરી શકાય તેટલી ગંદકીનો નિકાલ તો તેણે કરવો જ જોઈએ. શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. આ દેશ સંસ્કૃતિનો સ્વામી છે. આ દેશની પ્રજા ધર્મપરાયણ છે. ધર્મ ને ઈશ્વર માટે ગૌરવ લેનારાં માણસો આ દેશમાં બીજા કોઈપણ દેશ કરતાં વધારે પ્રમાણમાં વસે છે. શરીરની સાધારણતા ને આત્માની અમરતાનાં ગૌરવ ગીતો આ દેશમાં ઓછાં નથી ગવાયાં. ધર્મની કિંમત શરીર કરતાં અનેકગણી વધારે છે. તે સમજીને જરૂર પડ્યે ધર્મને માટે શરીરનું બલિદાન દેવા તૈયાર થનારાં હજારો સ્ત્રીપુરૂષો આ દેશમાં થાય છે. એટલે આ મહાન દેશની મહાન પ્રજાને શરીરની સાધારણતા ને આત્માની અમરતાનો સંદેશો કાંઈ નવેસરથી આપવાની જરૂર નથી, પરંતુ આ સંદેશને ઝીલવાની ને જીવનમાં ઉતારવાની જરૂર આ દેશની પ્રજા માટે ને બીજી બધી પ્રજા માટે હજી ઊભી જ છે. એટલે તે સંદેશને યાદ કરવાની જરૂર છે. આ દેશની પ્રજા હજી શરીરના આકર્ષણ, મોહ ને વિલાસમાંથી ઊંચે આવી નથી એ વાત કડવી ને દુઃખદ છતાં દીવા જેવી ચોખ્ખી છે.


- શ્રી યોગેશ્વરજી



શરીરનો મોહ


શરીરની મમતા ને શરીરના અધ્યાસમાં સાધારણ માણસો જ ફસાયેલા છે એમ નથી. જે લોકો પોતાને વિદ્વાન, પંડિત ને નેતા જેવા કહેવડાવે છે, ને જે સમાજમાં મોટા થઈને ફરે છે ને ઉપદેશ આપે છે, તે પણ તેમાં ડૂબેલા છે. મોટી ઉંમરના માણસો તો અનેક જાતના અનુભવ કરીને ઘડાઈ ગયા હોય, છતાં આ બાબતમાં ઉંમર પણ અપવાદરૂપ નથી. મોટી ઉંમરના માણસોમાં પણ શરીરની મમતા ને અહંતા દેખાઈ આવે છે. જેને સદ્ ગુરૂનો ઉપદેશ મળ્યો હોય, તે માણસ કચરાની પેટી જેવા આ નાશવંત શરીરમાં પ્રીતિ કે મમતા કરતો નથી. તે તો શરીર ને આત્માને અલગ જાણે છે. તેથી આત્માનંદમાં મગ્ન રહે છે, ને શરીરના અધ્યાસથી છૂટી જાય છે.


શરીરના આકર્ષણ ને મોહમાંથી જેણે મુક્તિ મેળવી નથી, તેને સાચા અર્થમાં પંડિત, જ્ઞાની કે તત્વવેત્તા કહી ના શકાય, એવો ગીતામાતાનો નમ્ર અભિપ્રાય છે, ને તે અભિપ્રાયની તરફ દુર્લક્ષ કરવાનું બરાબર નથી. શરીરના આકર્ષણથી પ્રેરાઈને કેટલાક વયોવૃદ્ધ જ્ઞાનીઓ પણ પ્રભુતામાં પગલાં માંડે છે. તેનું મૂળ કારણ તેની વિષયાસક્તિ ને શરીરના ભોગોની ભૂખ જ છે. પોતાને જ્ઞાની માનતા ને મનાવતા માણસો માટે આ વસ્તુ શરમજનક છે.


આત્માના પ્રકાશનો પરિચય માણસે કેળવ્યો નથી, ને પોતે શરીર છે એવું જ્ઞાન તેણે દૃઢ કર્યું છે, તેથી જ તે મૃત્યુથી ડરે છે, વ્યાધિ ને વૃદ્ધાવસ્થાથી કંપે છે, ને શરીરની સગવડો ને યાતનાઓનો વિચાર કરીને પોતાના સાચા સિદ્ધાંત કેટલીક વાર પડતા મૂકે છે. આત્મા અમર છે એ વિચારની દૃઢતાને લીધે, માણસે સત્યને માટે મોટામાં મોટા ભોગ આપ્યા છે. શીખગુરૂના પુત્રો જીવતાં દિવાલમાં ચણાઈ ગયા છતાં ધર્મપરિવર્તન કરવા માટે તૈયાર ન થયા, ને ચિતોડની રજપૂત રમણીઓએ શીલની રક્ષા માટે અગ્નિમાં ઝંપલાવી દીધું; તે ઉપરાંત હરિશ્ચંદ્ર રાજા ને રાજા શિબિ તથા દિલીપે સત્ય ને ધર્મના પાલન માટે શરીરના કષ્ટોને ગૌણ ગણી લીધાં. એવા એવા તો કેટલાય પ્રસંગો ઈતિહાસમાં અમર બનીને માનવને પ્રેરણા પાતા આજે ઊભા રહ્યા છે. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીતાંપીતાં પણ આનંદ માન્યો, ને ઈશુએ શૂળી પરથી પણ ક્ષમા ને પારકાંના મંગલનો સૂર કાઢ્યો, તે શું બતાવે છે ? એ જ કે આત્માની અમરતાના અનુભવમાં તે પ્રતિષ્ઠિત હતાં, ને તે આત્માની સાથે એકતા સાધવાથી તેમને અક્ષય આનંદની પ્રાપ્તિ થઈ હતી.


એક સંત વિશે એવું કહેવાય છે કે તે રાતદિવસ આત્માના આનંદમાં જ ડૂબેલા રહેતા હતા. પોતાની અંદર ને સંસારમાં બધે જ એક અવિનાશી પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે, એ અનુભવ તેમને થઈ ચૂક્યો હતો, ને તેથી તેમના હૃદયમાંથી ભય, રાગદ્વેષ ને ભેદભાવ સદાને માટે દૂર થઈ ગયો હતો. આત્માના આનંદમાં મસ્ત બનીને તે એક વાર કોઈ જંગલમાંથી પસાર થઈ રહ્યા  હતા, ત્યારે એક વાઘે તેમના પર એકાએક હુમલો કર્યો. બીજો કોઈ સાધારણ માણસ હોત તો તે આ ભયંકર હુમલાથી હેબતાઈ જ જાત. પરંતુ તે સંતપુરૂષ તો હસવા માંડ્યા, ને શિવોઙહમ્ નો મધુર ધ્વનિ કરવા લાગ્યા. વાઘે તેમના શરીરને ફાડી ખાધું. છતાં તે મહાન પુરૂષે નાસવાનો કે મદદ માટે પોકાર કરવાનો પ્રયાસ પણ ના કર્યો. વાઘમાં તે ઈશ્વરને જ જોતા હતા. શરીરની અસરથી પણ તે ઉપર ઊઠી ચૂક્યા હતા પછી તેમને ભયનું કોઈ કારણ જ ક્યાં હતું ? શરીરથી ઉપર ઊઠવાની આ દશાને પ્રાપ્ત કરવાનું કામ ઘણું કઠિન છે પણ અશક્ય નથી. ને પ્રયાસ કરે તો કોઈ પણ તે દશાએ પહોંચી શકે છે એ નક્કી છે.


એટલે જ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તું આત્મજ્ઞાન ને આત્મભાવમાં સ્થિતિ કર. આત્માનો કદાપિ ને કોઈ કારણથી નાશ કરી શકાતો નથી. માણસનું મૂળ સ્વરૂપ આત્મા છે. શરીર તો તેથી જુદી જ વસ્તુ છે. નાશ શરીરનો થાય છે, આત્માનો નહિ. આ વાતને સમજી લેવાથી તને શોક નહિ થાય. કરોડો મૃત્યુમાં પણ માણસને મારવાની તાકાત નથી એ તું સારી પેઠે સમજી લે અને કદાચ એમ માનીએ કે આત્માનો જન્મ થાય છે, ને આત્માનું મરણ પણ થયાં કરે છે, તો પણ શોક કરવાનું કારણ ક્યાં છે ? જે જન્મે છે તે મરે છે, ને મરે છે તે જન્મે છે. આ વસ્તુ સહજ હોવાથી કોઈ તેને અટકાવી કે ખાળી શકે તેમ નથી. તેનો શોક કરવાથી પણ કોઈ ફાયદો નથી. આ સંસારમાં જુદાજુદા જીવોનો સમાગમ કર્મના નિયમ કે ઋણાનુબંધ પ્રમાણે થયા કરે છે. કર્મનો સંબંધ પૂરો થતાં તે સંબંધ પણ પૂરો થઈ જવાનો છે. તે સંબંધો સ્થાયી કે સનાતન નથી પણ ચંચલ છે. પછી માણસે સંસારના જુદા જુદા સંબંધોમાં મોહ શા માટે કરવો જોઈએ ? જે વસ્તુ પોતાની નથી, ને કોટિ ઉપાય કરવાથી પણ પોતાની થઈને કાયમને માટે રહેવાની નથી, તેમાં મમતા કરવાથી શો ફાયદો ? માણસે સમજી લેવું જોઈએ કે આ સંસારમાં એક ઈશ્વર વિના તેનું કોઈ જ નથી. એક ઈશ્વરની જ સગાઈ સાચી છે. ઈશ્વરમાં પ્રીતિ કરવાથી જ લાભ છે. તો પછી શોક કરીને દુઃખી થવું ને અજ્ઞાનનું પ્રદર્શન કરવું એ શું બરાબર છે ?


- શ્રી યોગેશ્વરજી



મૃત્યુનો શોક નકામો છે


મરણ વખતે ને મરણ પછી શોક ના થાય ને મન સ્વસ્થ રહે તે માટે વિવેકના દીપકને જગાવવાની જરૂર છે. બીજી જરૂરત ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની ને ઈશ્વર જે કરે છે. તે સારું જ કરે છે એવી પાકી સમજની છે. આવી સમજવાળા વિવેકી પુરૂષો મરણથી દુઃખી થતા નથી. ભારતમાં હમણાં જ થઈ ગયેલા મહાપુરૂષ શ્રી રમણ મહર્ષિની માતાની આખરી દશા આવી ત્યારે મહર્ષિએ તેમની ખૂબ સેવા કરી. મહર્ષિ તેમની પાસે આખો દિવસ બેસી રહ્યા, તેમના શરીર પર હાથ ફેરવી રહ્યા, ને તેમના કહ્યા પ્રમાણે તેમણે પોતાની અલૌકિક શક્તિથી માતાને મુક્તિ અપાવી દીધી. પણ તે પછી શું થયું તે ખબર છે ? માતાના મૃત્યુ પછી પતાવવાની વિધિ પતાવીને તેમણે આશ્રમવાસીઓને કહ્યું કે ચાલો, હવે આપણે જમી લઈએ. આપણને કાંઈ સુતક લાગે વળગે નહિ. અને આશ્રમવાસીઓની સાથે બેસીને તેમણે ભોજન કર્યું. બધા માણસોને કદાચ આ પદ્ધતિ પસંદ ના પડે, પણ તેની પાછળ અનાસક્તિ ને મોહમુક્તિની જે ભાવના છે તે સુંદર છે, ને સૌનેય પસંદ પડશે એમાં શંકા નથી. નરસી ભગતે સ્ત્રી ને પુત્રના મૃત્યુ વખતે ઈશ્વરની ઈચ્છામાં આનંદ માનીને ગાયું છે કે :


ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ !


એ પ્રમાણે ગાવાની ને સમજવાની શક્તિ સૌમાં ના હોય એ વાત સમજી શકાય તેમ છે; પણ મૃત્યુના પ્રસંગને ઈશ્વરની ઈચ્છા માની શાંતિપૂર્વક પસાર કરવાની શક્તિ તો માણસે મેળવવી જ જોઈએ. રમણ મહર્ષિ ને નરસી જેવા મહાત્માઓ કાંઈ કઠોર ના હતા. તેમનું દિલ લાગણી વિનાનું ને પથ્થરિયું ન હતું. તે તો પ્રેમની પ્રતિમા જેવા હતા. જે સારાય સંસારને ઈશ્વરનું સ્વરૂપ સમજીને પ્રેમ કરે, તે પોતાને પ્રેમ કરનાર ને મમતાની નજરે જોનાર માણસો પર ને બીજા કોઈયે જીવો પર દ્વેષભાવ કે ઘૃણા કેવી રીતે કરી શકે ? તે વસ્તુની કલ્પનામાં પણ અજ્ઞાન રહેલું છે. રમણ મહર્ષિએ માતાની સ્મૃતિ માટે આશ્રમમાં માતૃભૂતેશ્વર મંદિરની રચના કરી છે. તે તેમનો માતા પ્રત્યેનો પ્રેમ બતાવી આપે છે. એટલે માતા પ્રત્યેનો પ્રેમ તો તેમના હૃદયમાં હતો જ, પણ મોહ ન હતો. મૃત્યુનો શોક ન હતો. તેથી તેમણે નાહક વિષાદ ના કર્યો. આ વાતમાંથી ઘણું શીખવાનું છે. મહાપુરૂષોનાં જીવન જ બીજાને સારું શિક્ષારૂપ છે. સાધારણ માણસોએ પણ મૃત્યુથી પ્રભાવિત ને શોકિત ના થવાની શક્તિ કેળવવી જોઈએ.


રોવા ને કૂટવાની પ્રથા આપણે ત્યાં સર્વ-સાધારણ જેવી થઈ ગઈ છે ને માણસોને તેમાં ગૌરવ ને આનંદ લાગે છે એ વિચિત્ર છે. કેટલીક સ્ત્રીઓ તો રોવામાં ને વિવિધ રીતે છાતી કુટવામાં નિષ્ણાત જેવી કે સિદ્ધહસ્ત મનાય છે ને તેમની હાજરીમાં ઓર રંગ જામે છે એવો કેટલાકનો અનુભવ છે. મૃત્યુનાં ગંભીર ને પ્રેરણાત્મક પ્રસંગને આપણે કેવું વિચિત્ર સ્વરૂપ આપી દીધું છે તે આ બધી વાતો પરથી સહેજે જાણવા મળે છે. મૃત્યુ તો એક રીતે માણસની સેવા કરે છે, ને માણસને માટે આશીર્વાદ બનીને આવે છે સંસારમાં ડૂબેલા, ભાન ભૂલેલા ને મોહમય બનેલા માણસને તે સાવચેત કરે છે, ને શિક્ષા આપે છે કે હે માનવ, મને ભૂલતો નહિ. સંસારના રંગ જેમ આવનારા ને જનારા છે તેમ જીવન પણ આવનારું ને જનારું છે. જીવન ઘણું સુંદર છે. પણ મારો સંબંધ તેની સાથે સદાને માટે જોડાયેલો જ છે તે પણ તું જાણી લેજે. પણ મારાથી ડરીશ નહિ, હું તો તારો મિત્ર છું; નવા જીવનનું દાન કરીને તારા પર ઉપકાર કરું છું. સંસારમાં ના લપટાવવાનો તને બોધપાઠ આપું છું ને તારે અમર બનવું હોય, મારા પર વિજય મેળવી લેવો હોય, તો તેની પણ તને યાદ આપું છું. તેનો ઉપાય પણ બતાવી દઉં છું. મને મારવાનો ને મારા પર શાસન કરવાનો ઉપાય જાણવો છે ? મારા ને સારાય સંસાર પર જેનું શાસન ચાલે છે, ને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને વિનાશકતાનું જે મૂળ કારણ છે, તે પરમકૃપાળુ ને સર્વશક્તિમાન સ્વામીનું શરણ લઈ લે; પરમાત્માની પ્રાપ્તિ કરી લે. બીજો કોઈ માર્ગ નથી. મારા પર વિજય મેળવવાની બીજી કોઈ કુંચી નથી. જોને તારા ઋષિઓએ પણ કહ્યું છે કે  नान्य पंथा विद्यतेङयनाय ।  કોઈપણ સંજોગોમાં મારો શોક તો ના જ કરીશ.


- શ્રી યોગેશ્વરજી


સ્વધર્મની વિચારણા


આ પછી અર્જુનનો શોક દૂર કરવા ભગવાને બીજી પણ કેટલીક વિચારસરણી રજૂ કરવા માંડી. એ વિચારસરણીને ટૂંકમાં સ્વધર્મની વિચારણા કહી શકાય. ભગવાને કહેવા માંડ્યું કે અર્જુન, તારા સ્વધર્મનો તો વિચાર કર. તું ક્ષત્રિય છે. ક્ષત્રિયનો ધર્મ શામાં રહેલો છે ? અધર્મના નાશમાં ને ધર્મની રક્ષામાં. તે માટે લડવું પડે તો પણ લડવા તૈયાર રહેવું જોઈએ. ધર્મની રક્ષા માટે ને ધર્મસંગત સાધન દ્વારા થતા યુદ્ધથી ક્ષત્રિયનું મંગલ થાય છે. ધર્મને માટે લડવાની વૃત્તિ તને વારસામાં જ મળી છે. આ ધર્મયુદ્ધનો અનાદર કરીને જો તું શોક સાથે પાછો જઈશ, તો પરિણામ કેટલું ખરાબ આવશે તેની તને ખબર છે કે ? ડાહ્યા માણસો પોતે જે કરે છે તેના સારાનરસા પરિણામનો પહેલેથી જ વિચાર કરે છે. તું પણ જે પગલું ભરે તેનો વિચાર પહેલેથી ને શાંત મનથી સારી પેઠે કરી લે જે, જેથી શોકની દશામાં ઉતાવળથી ભરેલા પગલા માટે પાછળથી પસ્તાવું ન પડે. તેં દલીલો તો ઘણીયે કરી છે. આ યુદ્ધનો આશ્રય લેવાથી પાપ લાગશે એમ પણ તું કહે છે પણ તને ખબર નથી કે જો તું યુદ્ધ નહિ કરે તો તને ભારે પાપ લાગશે. કેમ કે સ્વધર્મનું પાલન ન કરવું એ મોટામાં મોટો અપરાધ છે. દરેક માણસ તારી જેમ જો સ્વધર્મને છોડી દે ને મનમાન્યું આચરણ કરવા માંડે તો તેનું પરિણામ કેટલું ખરાબ આવે ? સંસારની વ્યવસ્થા ને સલામતી ટકે નહિ, ને બધે સંકરતા કે ગડબડ ઊભી થાય. આનાથી વધારે ગેરલાભ ને અપરાધ બીજો કયો હોઈ શકે ? તું તો વિચારશીલ ને ધર્મની મર્યાદાને પાળનારો છે, વીર છે.


જો લડાઈના મેદાનમાંથી નિરાશ થઈને તું લડ્યા વિના જ પાછો ફરીશ; તો તારી વીરતાને કલંક લાગશે, તારા નિર્મલ યશમાં અપયશની રેખા દોરાશે, ને તારા નામને બટ્ટો લાગશે. લોકો કહેતા ફરશે કે અર્જુન જેવા વીરની પામર દશા તો જુઓ ! ગાંડીવને ધારણ કરીને ને ભગવાનને પોતાના સારથિ બનાવીને તે રણમાં તો આવ્યો, ને હોંશે હોંશે આવ્યો, પણ કાકા મામા ને બીજાં સ્નેહીજનોને જોઈને તેના પગ ઢીલા થઈ ગયા. તે ખોટા મોહમાં પડીને કુરુક્ષેત્રના મેદાનમાંથી પાછો ફર્યો, ને એ રીતે શરીરમાં પ્રાણ રહ્યાં તે છતાં કૌરવોના અધર્મનો તેણે સામનો ન કર્યો. લોકો આ રીતે તારી અપકીર્તિ કરશે. તે શું તને સારી લાગશે ? સમજુ માણસો તો પોતાની અપકીર્તિ થાય, પોતાના નામને ને કામને કલંક લાગે, તેના કરતાં મરણને વધારે સારું માને છે. લોકો તને વીર માને છે પણ તું લડાઈ કર્યા વિના પાછો ફરશે તો તે બધા એમ સમજશે કે તું ભયનો માર્યો રણમાંથી પાછો ફર્યો છે. મોટા મોટા યોદ્ધા ને મહારથીઓના શંખનાદ ને તેમના ઘોડાઓની ગગનભેદી ગર્જના સાંભળીને તું ડરી ગયો ને તારું હૃદય ઠંડુગાર થઈ ગયું, એવી એવી વાતો આ રણમેદાનમાં ફેલાવા માંડશે, ને જે તને માનની દૃષ્ટિથી જુએ છે તેમની નજરમાં તું હલકો દેખાઈશ. તારી શક્તિની વગોવણી ને ઠેકડી કરતાં કેટકેટલાં માઠાં વચનો સંસારમાં ફેલાઈ જશે. ભલા, આવી રીતે નિંદા, ટીકા ને તિરસ્કારને પાત્ર થવાનું તને સારું લાગે છે કે ? જરા વિચાર તો કર. તારા તો બંને હાથમાં લાડુ છે. તને તો બંને રીતે લાભ છે.


ધર્મની રક્ષા માટેના આ યુદ્ધમાં કાં તો તું જીતીશ, ને કાં તો હારીશ, ત્રીજું કોઈ પરિણામ તો આમાં આવવાનું નથી. હવે જો તું જીતીશ તો રાજ્યની પ્રાપ્તિ કરીશ. ને મરીશ તો સ્વર્ગ મેળવીશ કેમ કે ધર્મયુદ્ધમાં મરાયેલ ક્ષત્રિયને સ્વર્ગ મળે છે. આ પ્રમાણે બંને રીતે તું સુખી થઈશ, ને આનંદ તથા ઐશ્વર્યનો ભાગી બની જઈશ. આ તો ઠીક, પણ સ્વધર્મનું પાલન કર્યાનો સંતોષ મળશે તે વધારામાં. જો તું સ્વધર્મનું પાલન નહિ કરે તો વિષાદનાં આ કામચલાઉ વાદળ દૂર થઈ જતાં તને પશ્ચાતાપ થશે. સ્વધર્મનું આચરણ ના કર્યું એ વાતની યાદ આવતાં દુઃખ થશે ને એ રીતે અશાંતિ ને અસંતોષનો કીડો તને ફોલી ખાશે. પશ્ચાત્તાપના અગ્નિમાં તું જીવનભર જલ્યા કરીશ. શું આ તને સારું લાગે છે ? માટે મનને સ્થિર કર, ને મૂકી દીધેલા ગાંડીવને ફરીથી ધારણ કર. હજી કાંઈ જ બગડ્યું નથી.


અર્જુને શરૂઆતમાં કરેલી દલીલોનો ભગવાને આ રીતે રદિયો આપ્યો તેનો મૂળ સૂર એક જ છે, ને તે એ કે માણસે સ્વધર્મનું બધા જ સંજોગોમાં પાલન કરવું. દરેક માણસને પોતાનો સ્વધર્મ હોય છે. સ્વધર્મને નક્કી કરવા બહુ વાદવિવાદમાં પડવાની જરૂર નથી. ઈશ્વરની કૃપાથી માણસ આ સંસારમાં જન્મે છે, ને આ સંસારની સામગ્રીનો લાભ લે છે. તે ઈશ્વરને પ્રેમ કરવાનો, ઓળખવાનો પ્રયાસ કરવાનો ને સંસારને ગમે તે રીતે કામ આવવાનો ધર્મ તેને જન્મથી જ વારસામાં મળે છે. જે દૈવી શક્તિ તેના જેવા અનેક જીવોને જીવન આપે છે, ને જેણે તેનાં જન્મતાં પહેલાં જ માતાના શરીરમાં તેને માટે દૂધની વ્યવસ્થા કરી છે. એટલે જે દયાળુ છે, તેની દયાને સદાય યાદ રાખવી ને તેના પ્રેમને જીતવા પ્રયાસ કરવો એ તેનો સ્વધર્મ છે, ને તેને લઈને જ તે આ જગતમાં જન્મે છે. જે ઈશ્વરે તેને આ જગતમાં મોકલ્યો છે તે ઈશ્વરની પાસે પાછા પહોંચવા પ્રયત્નશીલ રહેવું, ને તે ઈશ્વરના આદેશ પ્રમાણે જીવનમાં ચાલવું એ તેનો સ્વધર્મ છે. એનું પાલન કરવા તેણે સદાય તૈયાર રહેવું જોઈએ. આ ઉપરાંત બીજા કેટલાક સ્વધર્મની પ્રાપ્તિ તેને જન્મની સાથે જ થઈ જાય છે. જે માતા પોતાના ઉદરમાં તેની રક્ષા કરે છે, ને દૂધ પાઈને તેને ઉછેરે છે, તે માતા તથા પાલન કરનાર પિતા પ્રત્યેના સેવાધર્મને આ સંસારમાં તે સાથે લાવે છે. વળી જે ઘરમાં તે જન્મે છે તે ઘર ને તેના સભ્યો, તેનાં ગામનાં સભ્યો ને સમાજ પ્રત્યે પણ તેની કેટલીક ફરજો છે. સંસારમાં જેના પર કોઈનો એકહથ્થુ અધિકાર નથી, પણ ઈશ્વરનો જ અધિકાર છે, તે હવા, પાણી, સૂર્ય, ચંદ્ર ને નક્ષત્રોનો પ્રકાશ તે વાપરે છે. આ ધરતી પર પણ તે વિચરે છે. તે ઋણના બદલામાં સંસારની કાંઈક પણ સેવા કરી છૂટવાનો ધર્મ તેને વારસામાં મળે છે. આ તો કુદરત કે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો ને શરીર સાથે સંકળાયલો સ્વધર્મ છે. પણ જેમ જેમ તે જીવન જીવતો જાય છે, તેમ તેમ બીજી પણ કેટલીક ફરજો, કેટલાક ધર્મો તેને પ્રાપ્ત થાય છે. તે ફરજોનું પાલન કરવા તેણે સદાયે તૈયાર રહેવું પડે છે.


- શ્રી યોગેશ્વરજી



સ્વધર્મની શિક્ષા


સ્વધર્મનો નિર્ણય કરવાનું કામ કાંઈ સહેલું છે ? પોતાની ફરજના નિર્ણયમાં માણસ કેટલીયવાર પાછો પડે છે, ને અર્જુનની જેમ મુંઝવણ અનુભવે છે. જીવનના આ મહાન સમરક્ષેત્રમાં કેટલીકવાર અજ્ઞાન ને મોહવશ થવાને લીધે તે ક્ષેત્રસંન્યાસ લેવાના ઘાટ ઘડવા માંડે છે ને કેટલાક કિસ્સાઓમાં તો વાત એટલી બધી વધી જાય કે તે આપઘાત કરવા પણ તૈયાર થાય છે. જીવનમાં અવિવેકના પ્રસંગ ઘણા આવે છે. એવે વખતે માણસે શું કરવું ? શું તેણે નાહિંમત બનીને બેસી રહેવું કે જીવનની જીત માટેના જંગમાં ઝઝૂમવાનું મૂકી દેવું ? શું તેણે વિષાદ મગ્ન થઈ જવું ? ગીતામાંથી તેનો જવાબ જડી રહે છે.


ગીતાકારે અર્જુનના પાત્ર દ્વારા આ બધા પ્રશ્નોનો સચોટ ઉત્તર આપી દીધો છે. તે કહે છે કે જીવનની ઉન્નતિના સાધનમાં, કલ્યાણના કામમાં વિઘ્નો તો આવવાનાં જ. તે મુશ્કેલીઓથી માણસ મહાત બને ને વિઘ્નો તેના માર્ગમાં આડખીલીરૂપ બની રહે એમ પણ બનવાનું. આ ઉપરાંત, માણસનું જ્ઞાન કાંઈ પૂર્ણ તો નથી જ. સારા ને નરસાનો નિર્ણય કરવામાં માણસ દરેક વખતે સફળ થાય છે એમ પણ નથી. આવે વખતે જીવનમાં મૂંઝવણ ઊભી થવાની ને માણસની દશા અર્જુનની જેમ વિચિત્ર થઈ જવાની. ધર્માધર્મ કે કર્તવ્યનો નિર્ણય કરવામાં તેનું મન મૂઢતાની દશા અનુભવવાનું. એટલે જ માનવને કાયમને માટે પ્રેરણા આપવા ગીતાકારે અર્જુનના અમર પાત્ર દ્વારા સૌને સંદેશ પહોંચાડ્યો છે કે વિમૂઢતા ને અવિવેક થાય તો લેશ પણ ગભરાયા વિના માણસે પોતાના અંતરના રથમાં બેઠેલા ભગવાનને શરણે જવું. સારાં ને નરસાનો નિર્ણય કરવામાં બુદ્ધિ પાછી પડે ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરવી, ને પ્રભુની પ્રેરણા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો.


પ્રભુ તેની તદ્દન નજીક અંતરના અંતરતમમાં વિરાજેલા છે. તેમને શોધવા માટે તેણે ક્યાંય દૂર જવું પડે તેમ નથી. બ્રહ્માંડમાં બધે જ તે રહેલા છે. તે ક્યાં છે એ પ્રશ્ન નથી; ક્યાં નથી તે જ પ્રશ્ન છે. નરસીએ ગાયું છે કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.’ કવિ દલપતરામે સરલ શબ્દોમાં તે જ વાત કહી દીધી છે. તે તો કહે છે કે ‘ખાલી જગ્યા ખોળિયે કણી મૂકવા કાજ ’ તો તેવી ખાલી જગ્યા પણ પ્રભુ વિનાની મળતી નથી. પ્રભુ બધે જ વિરાજે છે.


ગીતા કહે છે કે મુશ્કેલીના વખતે ધીરજ ને શાંતિ ધારણ કરીને પ્રભુની પાસે પહોંચી જાઓ. તેને પ્રાર્થના ને પુકાર કરો. વિપત્તિના વાદળ આપોઆપ દૂર થશે, ને વિઘ્નો હટી જશે. પ્રભુની કૃપાના પ્રતાપથી, તમારાં અંતરના અંધાર ભરેલા આકાશમાં વિવેકરૂપી સૂર્યનો ઉદય થશે ને તેનાં ચેતનમય કિરણોથી જીવનને પ્રકાશ મળશે. આ ઉપાય અકસીર છે પણ તે માટેની શરત એ છે કે માણસે અર્જુનની જેમ સરલતાની મૂર્તિ બનવું ને પોતાનો બધો ભાર ભગવાનને સોંપી દેવો. કહો કે પોતાના જીવનરથનું સારથિપદ ભગવાનને સોંપી દેવું. બાકી સંકટ કે મૂંઝવણથી ડગી જઈને સ્વધર્મના પાલનમાં પાછા પડવાનો બાલિશ વિચાર તેણે કદાપિ કરવાનો નથી, પોતાની ફરજનું પાલન કરતાં કદાચ ખપી જવાનો પ્રસંગ આવે તો પણ શું ? ફરજને માટે કરેલી કુરબાનીનો સંતોષ તો તેને રહેશે જ. એ સંતોષ સ્વર્ગ જેવો સુખદાયક છે. ને ફરજનું પાલન પૂરું થશે તો તો તેના જીવનની ધન્યતા કેટલી અપાર હશે એ કોણ કહી શકે તેમ છે ? માટે ફરજનું પાલન કરવા માણસે નિરંતર તૈયાર રહેવાનું છે


માણસે સમજી લેવાનું છે કે સંસારમાં એકલું સુખ, એકલી શાંતિ કે એકલો લાભ નથી. અમૃતની સાથે જેમ વિષ, તેમ સુખની સાથે દુઃખ, શાંતિ સાથે અશાંતિ ને લાભની સાથે હાનિ નક્કી રહેલા છે. જીવનની સાથે મરણ પણ તેવું જ જોડાયેલું છે. સંસારમાં જે સારું કે નરસું છે, વિષમય કે અમૃતમય છે, તે તેને ચંચલ ના કરે, ને તેની સ્વધર્મનિષ્ઠા કે કર્તવ્યપરાયણતાને ડગાવી ના શકે, તે તેણે ધ્યાન રાખવાનું છે. અમૃતના આસ્વાદથી તે અહંકારી કે અતિશય ઉન્મત ના બની જાય ને ગરીબી, રોગ, દુઃખ ને ચિંતાના વિષની ઝેરી અસરથી જડ બનીને જીવન ના ખોઈ બેસે તે માટે તેણે સાવધ રહેવાનું છે. કર્તવ્યના ક્ષેત્રમાં પોતાનાં કે પારકાંનો વિચાર કરીને તેણે ફરજનાં પાલનમાં પછાત રહેવાનું નથી. સત્ય ને ન્યાયનો પક્ષ લઈને જીવનમાં તેણે સદાય આગળ વધવાનું છે. ભગવાને અર્જુનને આપેલી આ શિક્ષા માનવમાત્રની મહત્વની શિક્ષા છે.


- શ્રી યોગેશ્વરજી



કર્મની કુશળતા


આટલે સુધી જ્ઞાનની વાત કહીને ભગવાન કહે છે, કે હે અર્જુન, હવે તને યોગબુદ્ધિ વિશે કહું છું તે સાંભળ. આ બુદ્ધિથી શો લાભ થશે ? ભગવાન ઉત્તર આપે છે કે તેથી કર્મના બંઘનનો નાશ થશે. આટલું તો કહ્યું, પણ કર્મબંધનનો નાશ કરનારી યોગબુદ્ધિનું સાંગોપાંગ વર્ણન કરવાને બદલે તે આ લોક ને પરલોકના સુખવૈભવ કે ભોગવિલાસની ઈચ્છાવાળા માણસો જે જાતનાં કર્મો કરે છે તેની જરા વાત કરે છે. આ વાત પણ મહત્વની હોવાથી આપણે તેનો ઉડતો ઉલ્લેખ કરી જઈશું.


આ સંસારમાં માનવસમાજનો એક વર્ગ એવો છે કે જે આ સંસારમાં વધારે ને વધારે ભોગ મેળવવાની ઈચ્છા રાખે છે, ને આ જીવન દરમ્યાન જ સ્વર્ગ જેવા કોઈ સુખમય લોકમાં-રેલ્વેમાં સીટ રીઝર્વ થાય છે તેમ-પોતાનું સ્થાન રીઝર્વ થાય તેવી ઈચ્છા રાખે છે ને તે ઈચ્છા પૂરી કરવા યજ્ઞ જેવાં વેદમાં કહેલા કર્મ પણ કરે છે. ગીતાએ આવા માણસોને ઉત્તમ કોટિના નથી માન્યા. ગીતાની દૃષ્ટિએ તેવા માણસો કૃપણ છે, ટૂંકી દૃષ્ટિના છે. માણસને બાંધનારી બેડી લોઢાની હોય કે સોનાની પણ તે બેડી છે જ, ને તેને બાંધવાનું કામ કરે છે, વળી ઝેર પિત્તળના પ્યાલામાં પીવામાં આવે કે ચાંદીના પ્યાલામાં, તે ઘાતક નીવડે છે એ નક્કી છે. તે જ પ્રમાણે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવાનું જ બરાબર છે. સંસાર ને સ્વર્ગના વિનાશી પદાર્થોની લાલસા રાખી અનેક જાતના કર્મ કરવામાં અજ્ઞાન જ રહેલું છે.


જો ઈચ્છા રાખવી જ છે તો જે વિનાશી છે તેની શા માટે રાખવી ? એક બાજુ દમડી પડી હોય ને બીજી બાજુ મુદ્રામણિ કે પારસ હોય, તો દમડીની ચાહના કોણ કરે ? પણ જેને કોઈ પ્રકારની ચાહના કે કામના નથી, તેને પારસ પત્થ્થરનું પણ શું કામ ? એ માટે માણસે પરમાત્માનું શરણ લેવું જોઈએ, વિનાશી વસ્તુઓનું નહિ. ઉપનિષદ્ માં નચિકેતાની વાત આવે છે. નચિકેતા બાળક હતા. પરંતુ સંસાર ને સ્વર્ગનાં બધાં સુખોને સાધારણ ને ચંચલ માનીને તેણે પરમાત્માની જ ઈચ્છા કરી. તેમ માણસે પરમાત્મામાં જ પ્રીતિ કરવી જોઈએ, ને પરમાત્માની ચાહના કરવી જોઈએ. પરમાત્મા સિવાય બીજા ક્ષુદ્ર પદાર્થોની ચાહનામાં મૂર્ખતા રહેલી છે.


કર્મની કુશળતામાં યોગ રહેલો છે. એકલું કર્મ યોગમય બનતું નથી, પણ તે કુશળતાપૂર્વક કરાય તો યોગમય બની જાય છે, ને કર્મયોગની તે સાધના માણસને બંધનથી મુક્ત કરીને તારી દે છે. કર્મયોગની એ સાધનાનાં બે ઉપયોગી અંગો પર ભગવાને અહીં પ્રકાશ ફેંક્યો છે. તેમાં પહેલું અંગ આલોક ને પરલોકની સુખની ઈચ્છાનો ત્યાગ કરીને ઈશ્વરપરાયણ બનીને કર્મ કરવાનું છે. એટલે કે માણસે પોતાની બુદ્ધિ ને કર્મનો સંબંધ ભગવાનની સાથે જોડી દેવાનો છે. આ વિશે વિસ્તારથી ઉલ્લેખ આગળ પર કરીશું. અહીં તો એક બીજો વિચાર કરીએ. માણસે આ લોક ને પરલોકના સુખની લાલસા રાખવાની નથી, તેમ આ લોક કે પરલોકના દુઃખથી ડગી જઈ કે ભયભીત થઈને તેણે કર્તવ્યનો રાહ છોડવાનો પણ નથી. સાચું સુખ તેની અંદર છે. તે સુખના અક્ષયવિગ્રહ જેવા પરમાત્મા પણ તેની અંદર વાસ કરે છે. તે પરમાત્માને પામી લેવાથી કે ઓળખવાથી તેને અક્ષય આનંદની પ્રાપ્તિ થશે, ને તેનું જીવન સફળ થશે.


કેટલાક માણસો કહે છે કે ગીતાએ કર્મ કરવાનું કહ્યું છે, પણ ફળની ઈચ્છા ના રાખવી એમ ઉપદેશ આપ્યો છે, તે બરાબર છે ? તો પછી કોઈ માણસ ઈશ્વરની ઈચ્છા રાખી કર્મ કરે તો તે શું બરાબર છે ? ભગવાનના દર્શનની ઈચ્છા રાખવામાં પણ તે રીતે તો ત્રુટિ રહેલી છે એમ નથી લાગતું ? આ વિશે આપનો શો અભિપ્રાય છે ?


વાત એમ છે કે આ વિશેનો મારો અભિપ્રાય જાહેર કરવા મેં એક સ્વતંત્ર લેખ આ અગાઉ લખ્યો છે. છતાં અહીં થોડી ચર્ચા કરી લઈએ. ફળની ઈચ્છા રાખીને માણસ કર્મ કરે, તેમાં કાંઈ હરકત નથી. મારી સમજ પ્રમાણે ગીતા તેનો વિરોધ નથી કરતી. ગીતાને કહેવાની વાત જરા જુદી છે. માણસ ફળની ઈચ્છા રાખીને કર્મ કરે છે, પણ ફળની અસર તેના પર થયા કરે છે. ધારો કે કોઈ વિદ્યાર્થી છે તે વિદ્યા મેળવવાને માટે નિશાળે જતો હોય. પરીક્ષાનો વખત આવ્યો, વિદ્યાર્થી ધારો કે પરીક્ષામાં નાપાસ થયો તો તેની અસર તેના પર કેટલી બધી ભારે થાય છે ! જીવનની મોટી બાજી હારી બેઠો હોય તેવી નિરાશાનો તે અનુભવ કરે છે, ને મિત્રો તથા વડીલોથી દૂર ને દૂર સંતાતો ફરે છે. મિત્રો ને વડીલો પણ શું કરે છે ? આવે વખતે શાંતિના બે શબ્દ કહીને ઉત્સાહ ને આશ્વાસન આપનારા મિત્રો ને વડીલો ઓછા હોય છે, પરિણામે તેની નિરાશામાં વધારો થાય છે. પરીક્ષાના પરિણામથી નાસીપાસ થયેલા કેટલાક વિદ્યાર્થી મગજ પરનો કાબુ ખોઈ બેસે છે, ઘર છોડીને નાસી જાય છે, ને આપઘાત કરવાની તૈયારી કરે છે. મુંબઈમાં રાજાબાઈ ટાવરનું મકાન સૌથી ઊંચું ગણાય છે. પણ નિશાળની ને જીવનની પરીક્ષામાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓએ તે મકાન પરથી પડતું મૂકી જીવનનો અંત આણવાનો કેટલીકવાર પ્રયાસ કર્યો છે. આવા પ્રયાસને વખોડી કાઢવો જોઈએ. નિશાળની કે જીવનની જુદી જુદી પરીક્ષામાં નાપાસ થવાય તેથી શું ? નાહિંમત કે નિરાશ બનવાને બદલે તેણે હિંમત ને આશાથી સજ્જ થઈને ફરીવાર પુરૂષાર્થ કરવા માટે તૈયાર થવું જેઈએ.


એક બીજી વાત પણ સમજવા જેવી છે. નિષ્ફળતાથી નાહિંમત ન થવાય તે ધ્યાનમાં રાખવાનું જેમ જરૂરી છે, તેમ સફળતાથી અતિશય હરખઘેલા ને છેવટે અભિમાની કે ઉન્મત્ત બની જઈને પોતાનો માર્ગ ચુકી ના જવાય, તે માટે જાગ્રત રહેવાનું છે વિજય ને પરાજય બંનેની વધારે પડતી અસરથી માણસે મુક્ત રહેવાનું છે. માણસે કર્મ કરવાં, કર્મના ફલની ઈચ્છા પણ રાખવી પણ પોતાની ઈચ્છા પ્રમાણે ફલ મળે ના મળે તો પણ મનની સ્થિરતાનો ભંગ થવા દેવો નહિ. આનું નામ કર્મની કુશળતા. એટલે ભગવાનને ભજનાર ભક્ત ભગવાનના દર્શનની ઈચ્છા રાખે તેમાં કાંઈ જ ખોટું નથી. પાંચ વરસના બાળક ધ્રુવજી મધુવનમાં તપ કરવા માંડ્યા, તે શું ભગવાનના દર્શનની ઈચ્છા વિના કે ? વાલ્મિકી ને તુલસી તથા સમર્થ રામદાસની તપશ્ચર્યા ભગવાન શ્રી રામના દર્શનને માટે નહોતી કરાઈ ? સૂરદાસ ને મીરાંના દિલમાં શ્રીકૃષ્ણને માટે લગની નહોતી લાગી, ને કૃષ્ણને માટે જ તેમણે સાધના નહોતી કરી ? ઈશ્વર કહો કે આત્મિક ઉન્નતિ કે શાંતિ કહો, સાધનાનું લક્ષ્ય તે જ છે. તેને માટે જ સાધના કરાય છે, ને તે લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી સાધના પૂરી થતી નથી એટલે સાધનાની સિદ્ધિ કે ભગવાનના દર્શનનું ફલ નિરંતર નજર સામે રાખીને સાધના કરવામાં કોઈ જાતનો દોષ નથી. ભગવાનનાં દર્શન કે સાધનાની સિદ્ધિમાં વિલંબ લાગે તો હિંમત હારી બેસવામાં ને પ્રયાસ મૂકી દેવામાં દોષ છે.


કર્મના ફલનો ત્યાગ કરવાનો ઉપદેશ આપીને ગીતા આ પ્રમાણે કર્મના ફલની સારી ને માઠી અસરનો ત્યાગ કરવાનું શીખવે છે. અથવા કર્મના ફલથી અલિપ્ત રહેવાનો પાઠ આપે છે. બાકી કર્મના ફલની ઈચ્છા ના રાખવાથી શું વળશે ? માણસ ફલની ઈચ્છા નહિ રાખે તો ફલ તેને મળશે જ. કર્મના ફલમાંથી મુક્તિ મેળવવાનું કામ અસંભવ જેવું છે. ફલની ઈચ્છા રાખીને કર્મ કરવાથી માણસ પોતાની સમગ્ર શક્તિને પોતાના ધ્યેયને સિદ્ધિ કરવાના કામમાં લગાવી શકશે એ લાભ થશે તે નફામાં.


કર્મના ફલનો ત્યાગ કરવાનો બીજો અર્થ પણ લઈ શકાય છે. કર્મના ફલની ઈચ્છાનો ત્યાગ કરવાનો નથી પણ ફલનો ત્યાગ કરવો એટલે જે ફલ મળે તે ભગવાનનું માની ભગવાનને અર્પણ કરી દેવું. ભગવાનનાં ચરણોમાં તેનો ત્યાગ કરવો એટલે કે ભગવાનને માટે ને ભગવાનની સૃષ્ટિને માટે તેનો ઉપયોગ કરવો. પોતાનું જ્ઞાન, પોતાને મળતું ધન ને બલ તથા ઐશ્વર્ય માણસે પોતાની જ સુખાકારી માટે નહિ, પણ બીજાના હિત માટે પણ વાપરવું. તે પર પોતાનો જ નહિ, પણ ભગવાનનો ને ભગવાનની સમગ્ર સૃષ્ટિનો હક્ક સ્વીકારવો. આમ કર્મફળનો ત્યાગ ખરેખર માનસિક છે, ભાવનાની દૃષ્ટિએ ત્યાગ છે; ને વસ્તુઃ પદાર્થનો ત્યાગ નથી એ સૌએ સમજી લેવાની જરૂર છે.


- શ્રી યોગેશ્વરજી



સ્થિતપ્રજ્ઞ પુરુષની ઓળખાણ


જે માણસનું મન પરમાત્મામાં જોડાઈ ગયું છે, જેણે પરમાત્માની સાથે એકતા સાધી છે, ને જે પૂર્ણતાની પ્રાપ્તિ કરીને નરમાંથી નારાયણ બન્યો છે; જેની બુદ્ધિ ને જેનો પ્રાણ પરમાત્મામાં પ્રતિષ્ઠા પામ્યા છે; ને વિવેકથી વિભૂષિત થઈને જેણે જીવનની ધન્યતાનું પાન કર્યું છે; તેવા મહાપુરૂષને કેવી રીતે ઓળખી શકાય ? પૂર્ણ પુરૂષની પરીક્ષાનાં બાહ્ય ચિન્હો કેવાંક હોઈ શકે ? બીજા અધ્યાયને અંતે અર્જુને આ જ પ્રશ્ન પૂછ્યો છે, ને ભગવાને તેનો સારી પેઠે ઉત્તર આપ્યો છે. આ પ્રશ્ન કેટલાય માણસો તરફથી પૂછવામાં આવે છે. આપણે કહીશું કે પ્રભુની કૃપા મેળવી ચૂકેલા મહાપુરૂષોને બહારનાં ચિન્હો પરથી ઓળખવાનું કામ સદાને માટે સહેલું નથી. કેટલાક માણસો લાંબી દાઢી ને જટા, શરીરે ભસ્મ, મૌનધારણ ને એવી એવી બહારની વસ્તુ પરથી મહાત્માઓની કિંમત કરે છે. પરંતુ મહાત્માઓની એ મૂડી નથી. એ વસ્તુ ના હોય તે છતાં પણ માણસ મહાત્મા હોઈ શકે છે.


મહાત્માપણાને બહારની વસ્તુઓ સાથે બહુ ઓછો સંબંધ છે. એક ભાઈએ પોતાનો અભિપ્રાય જાહેર કરતાં કહ્યું કે જેને પરમશાંતિ મળી જાય તેનું મુખ લાલાશવાળું બની જાય. જેનું મુખ ફીક્કું હોય તેને હજી શાંતિ નહિ મળી હોય એમ સમજી લેવું. પણ આ અભિપ્રાય તદ્દન અર્થ વગરનો છે. પરમશાંતિની પ્રાપ્તિને ચહેરા પરની લાલાશ સાથે કાંઈ જ સંબંધ નથી, તે સારી પેઠે સમજી લેવાની જરૂર છે. પરમશાંતિમાં જે માનતાં જ નથી, ને પરમશાંતિને મેળવવા માટે જે પુરૂષાર્થ કરતા નથી, તેવા માણસોનાં મુખ પર લાલાશ દેખાય છે, તે તો તંદુરસ્તીની નિશાની છે. તેને વળી પૂર્ણતા ને પરમશાંતિ સાથે શું લાગેવળગે ? જેને પરમશાંતિ મળી હોય તેવા માણસનો ચહેરો ફીક્કો પણ હોઈ શકે છે. તે પરથી તેને શાંતિની પ્રાપ્તિ નહિ થઈ હોય એમ માનવાની જરૂર નથી. તે પ્રમાણે જેને પરમશાંતિ મળી હોય તે પુરૂષ જટા ને દાઢી વધારે કે મૌન રાખે ને શરીરે ભસ્મ ચોળે એવો પણ નિયમ નથી. એ તો બધા બહારના વિષયો છે, અને તે માણસની રૂચિ પર આધાર રાખે છે. તેને પરમશાંતિ ને પૂર્ણતા સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી માટે તેમની પ્રત્યે દુરાગ્રહ રાખવો ને મહાપૂરૂષોની કસોટી કરવા પ્રયાસ કરવો તેમાં મૂર્ખતા રહેલી છે. બહારના દેખાવ પરથી સાચા મહાત્માઓની પરીક્ષા ભાગ્યે જ કરી શકાશે.


રામકૃષ્ણ પરમહંસદેવની પાસે એક પંડિતજી આવ્યા. તેમણે પરમહંસદેવની સાથે એક જ આસન પર બેસીને કહેવા માંડ્યું કે શું તમે પરમહંસ છો ? વાહ, ખરા પરમહંસ. લોકો તમને પરમહંસ કહે છે પણ લોકો શું જાણે ? તેમને કોઈએ ભરમાવ્યા લાગે છે. ઠીક પરમહંસ, જરા હુક્કો તો પિલાવો. પરમહંસદેવે તેમને હુક્કો આપ્યો. તે હુક્કો ગગડાવવા માંડ્યા એટલામાં તેમની નજર દિવાલ પર ટીંગાવેલા પરમહંસદેવના સુંદર કોટ પર પડી. તે જોઈને તે બોલી ઊઠ્યા, શું તમે કોટ પણ રાખો છો ? વાહ ! પણ પરમહંસદેવ પણ ક્યાં ગાંજ્યા જાય તેવા હતા ? તેમણે પંડિતજીનું ધ્યાન ઓરડાના ખૂણા તરફ દોર્યું. ત્યાં નવા સુંદર બુટ પડ્યા હતા. તે જોઈને તો તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેમને નક્કી થયું કે પરમહંસદેવ ઢોંગી છે, ને તેમની જાળમાં લોકો ફોકટ ફસાયાં છે. નમસ્કાર કર્યા વિના જ તે તો ત્યાંથી ઊઠી ગયા.


સાંજનો સમય થયો હોવાથી ગંગા કિનારે જઈને તે સંધ્યા કરવા માંડ્યા. થોડા વખત પછી તેમને એમ લાગ્યું કે કોઈ તેમનું આકર્ષણ કરી રહ્યું છે. સંધ્યા પુરી કરીને જલદી પરમહંસદેવના ઓરડામાં આવ્યા, તો ત્યાં શું જોયું ? પોતાના રોજના નિયમ પ્રમાણે પરમહંસદેવ આસન પર બેસી ધ્યાનમાં મગ્ન હતાં. તેમનાં નેત્રમાંથી આંસુ વહી રહ્યાં હતાં. મુખ પર જે ભાવો હતા તે અદ્ ભુત હતાં. તે જોઈને પંડિતજીનું હૃદય પલટાઈ ગયું. પરમહંસદેવના સાન્નિધ્યમાં તેમને અજબ શાંતિ લાગવા માંડી. પરમહંસદેવ સાચા મહાપુરૂષ છે તેની તેમને ખાત્રી થઈ. તેમને સમજવામાં પોતે ભૂલ કરી છે તે વાતનો તેમને પશ્ચાતાપ થયો. એટલામાં તે મહાપુરૂષનું ધ્યાન પૂરું થયું, ને તેમણે નેત્રો ઉઘાડ્યાં. એટલે પંડિતજી તેમના ચરણમાં પડ્યા. તેમની આંખમાંથી પશ્ચાતાપનું પાણી વહેવા માંડ્યું. પોતે કરેલી ભૂલ માટે તેમણે પરમહંસદેવની માફી માગી. પરમહંસદેવે કહ્યું, મહાત્માઓની કસોટી બહારના દેખાવ પરથી કરવી નહિ. બની શકે તો તેમના હૃદયમાં ડૂબકી મારવી. તેમના હૃદયને એળખવા પ્રયાસ કરવો ને તે પરથી તેમના વિશે નિર્ણય કરવો. નહિ તો તેમને નમસ્કાર કરીને રસ્તે પડવું. બાકી પૂરતી તપાસ વિના બે ત્રણ બાહ્ય વસ્તુઓની મદદથી તેમના વિશે અભિપ્રાય આપવા નીકળી પડવું એ અપરાધ છે.


પરમહંસદેવનાં આ વચનો સૌએ યાદ રાખવા જેવાં છે. એનો અર્થ એમ નથી કે માણસે મહાત્માઓના બાહ્ય સ્વરૂપ પર નજર જ ના કરવી અથવા તે દ્વારા એમ પણ નથી સમજવાનું કે મહાત્માઓએ પોતાના બાહ્ય જીવનધોરણ કે સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ રાખવું. સાર એટલો જ છે કે બહારની રીતે વિચિત્ર લાગતા જીવન ને સાધનવાળા માણસો પણ અંદરખાનેથી કેટલીકવાર મહાપુરૂષ ને ગાંઠે બાંધ્યા રતન હોય છે. મૂળ વાત તો એ છે કે આ સંસારમાં મહાપુરૂષોનું મિલન થવું મુશ્કેલ છે. ગીતાએ જેમને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે તેવા પુરૂષો કરોડોમાં કો'ક જ મળે છે ને પૂર્વજન્મનાં સત્કર્મોના ફળરૂપે તેમનું મિલન થઈ જાય, તો પણ તેમને ઓળખવાનું કામ કઠિન છે. તે પોતે જ જ્યાં સુધી કૃપા કરીને પોતાનું રહસ્ય ના ખોલે, ને પોતે કોણ છે ને કેવા છે તેની સમજ ના આપે, ત્યાં સુધી તેમને ઓળખવાનું કામ કપરૂં છે. જેમ ઈશ્વર અગમ્ય છે તેમ સંતો પણ અગમ્ય.


ઈશ્વરને કોણ ઓળખી શકે ? જેના પર તે કૃપા કરે, ને કૃપા કરીને અર્જુનની જેમ અજ્ઞાનનું આવરણ હઠાવી દઈને જેને તે દિવ્ય દૃષ્ટિ આપે તે જ. પણ ઈશ્વર કાંઈ કૃપાળુ નથી એવું થોડું જ છે ? તેની કૃપા માટે માણસે તૈયાર રહેવાનું ને આતુર બનવાનું છે. તેવી રીતે ઈશ્વરની કૃપા મેળવી ચૂકેલા સંતોને મળવાની જેને લગની લાગે, ને જેનું દિલ તેવા મહાપુરૂષોને મળવા માટે તલપાપડ બની જાય તેને મહાપુરૂષોનું દર્શન જરૂર થઈ શકે, ને તેમને સેવીને લાભ પણ ઊઠાવી શકે. એટલે મહાપુરૂષોને મળવાની તમન્ના જગાવી દો તો મહાપુરૂષો આપોઆપ મળશે.


એક બીજી વાત. મહાપુરૂષોની પાસે જવાનું થાય ત્યારે હૃદય ખુલ્લું રાખીને જજો. મહાત્માઓને મળવાનો અવસર આવે ત્યારે મનને મોકળું મૂકીને તેમને મળજો. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી પીડાયા વિના તેમનો લાભ ઊઠાવવા તત્પર રહેજો. તેમને સમજવામાં, તેમના વિશે અંતિમ અભિપ્રાય બાંધી લેવામાં કદીપણ ઉતાવળ કરશો નહિ. તેમની ટીકા કરવાના ક્લેશકારક સાહસથી સદાય દૂર રહેજો. જવાનું થાય તો ગુણગ્રાહી વૃત્તિથી જજો. પરિણામે તમને લાભ જ થશે. હાનિ તો નહિ જ થાય. મહાપુરૂષોની પાસે જઈને બહુ ઊંડી ચર્ચામાં વિના કારણ ઉતરી ના પડતા. તેમની પાસે જઈને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરવા તમે જ વક્તા ને ઉપદેશક ના બની બેસતા. તેવા પુરૂષો જે કહેશે તે લાંબા ને નક્કર અનુભવના આધાર પર કહેશે. માટે તેની ઉપેક્ષા ના કરતા. તેમની વાત પર વારંવાર વિચાર કરજો. આવી ટેવ કેળવશો તો તેમની દ્વારા લાભ ઊઠાવી શકશો, ને તેમને કૈંક અંશે ઓળખી પણ શકશો.


- શ્રી યોગેશ્વરજી



મહાપુરુષોની ઓળખ


મહાપુરૂષોને ઓળખવાનો સાચો ઉપાય તો તેમની કૃપામાં રહેલો છે. છતાં તેના બીજા ઉપાય પણ છે, ને ગીતાએ તેની માહિતી પૂરી પાડી છે. અર્જુન ભગવાનને પૂછે છે કે હે પ્રભો જે ખરેખર મહાન છે, તમારી કૃપા પામેલા ને સમાધિનિષ્ઠ છે, ને જેમની બુદ્ધિ સ્થિર છે, તે કેમ રહે છે, સંસારમાં કેમ ફરે છે, તેમને ઓળખવાની રીત શી છે ? તેના ઉત્તરમાં ભગવાન જે રીત બતાવે છે, તે જોઈએ.


મહાપુરૂષો શાંતિના સાકાર સ્વરૂપ જેવા હોય છે, તેમની પાસે જનાર ને બેસનારને વત્તાઓછા પ્રમાણમાં શાંતિ મળી રહે છે. ગંગા સદા શીતલ છે. તેમાં ન્હાનારને શીતલતા આપોઆપ મળી જાય છે. ચંદનની શીતલતા પણ પ્રસિદ્ધ છે. તેના ઉપયોગથી પણ ઠંડક મળે છે. સંતોની શીતલતા તેથીયે વધી જાય છે. કેમ કે સંતોના સહવાસથી શરીરને જ નહિ, મનને પણ શાંતિ મળે છે. તેમની પોતાની દશા કેવી દૈવી હોય છે ! ગમે તેવા અશાંત વાતાવરણમાં રહેવા છતાં તેમની શાંતિનો ભંગ થતો નથી. ચારે બાજુ અવાજ કે કોલાહલ થઈ રહ્યો હોય અથવા ચારેકોર પ્રવૃત્તિ હોય છતાં પણ સ્થિતપ્રજ્ઞ મહાપુરૂષો શાંત જ રહે છે, ને ઈશ્વર સાથેની એકતાના આનંદમાં મગ્ન બને છે. તેમની અનેરી અવસ્થાનું વર્ણન કરવા ગીતામાતા સાગરનું ઉદાહરણ રજૂ કરે છે. તે કહે છે કે કોઈ પાણીથી ભરપૂર ને ગંભીર સાગરની કલ્પના કરો. તેમાં નદી, નાળાં ને ઝરણાં વહ્યા કરે છે, તથા વરસાદનું પાણી પણ પડ્યા કરે છે. પાણીની કેટલી બધી સંપત્તિ સાગરમાં પડેલી છે તેનો વિચાર તો કરો ? પોતાના બલ દ્વારા કોઈના પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ તેણે કર્યો છે ? જે આવે તેને તે પોતાના વિશાળ ઉદરમાં સમાવી લે છે. ઉછળતાં તરંગોથી સૌનું સ્વાગત કરે છે, ને કોઈ યે જાતના ભેદભાવ વિના સૌને પોતાની અંદર ભેળવી દે છે.


મુંબઈના ચોપાટીના દરિયાને કદી જોયો છે ? જગન્નાથપુરી ને સૌરાષ્ટ્રના દરિયા કિનારે તો શાંતિ છે પણ ચોપાટીના દરિયા પાસે તેવું નથી, ચોપાટીના દરિયા પાસે તો રાતદિવસ હજારોની સંખ્યામાં મોટરો દોડાદોડ કરે છે, ને ભીમકાય બસો પણ દોડ્યા કરે છે. માણસોની અવરજવર પણ ઓછી નથી. તેમાંય વળી સાંજ પડે એટલે દરિયાકિનારે માણસોની ભીડ જામે છે. કેટલા બધા માણસો ! કોઈ બોલે, કોઈ ગાય, કોઈ પોકાર પાડે તો કોઈ ન્હાય; કોઈ દોડે પણ ખરા. પણ એ બધી પ્રવૃત્તિની વચ્ચે પણ સાગરની દશા કેવી હોય છે ? બહારની ધમાલથી તેની શાંતિમાં ભંગ પડે છે ખરો કે ? કોલાહલ ને અશાંતિનું કાયમને માટે પાન કરીને શંકર બનીને બેઠો હોય તેમ તે શાંત ને મંગલ જ રહે છે. કોઈ મહાન યોગેશ્વરની જેમ પોતાના આનંદમાં મગ્ન રહે છે. ને તેનું સંગીત પણ કદી ખૂટે છે ? કેટલું સતત ને સંવાદમય છે તેનું સંગીત ! દિવસો, મહિના ને વરસોથી, એનું એ જ ગર્જન ને એનો એ જ આલાપ. એ સાગરને યાદ કરીને મહાપુરૂષોની આંતરિક અવસ્થા વિશે વિચાર કરો તો મદદ મળશે.


મહાપુરૂષો પણ શાંતિના સાગર જેવા, પોતે પોતાના અંદર મસ્ત હોય છે. બહારથી તે શાંત ને ગંભીર દેખાય, પણ તેમની અંદર ડોકિયું કરો તો તે સદાય પ્રવૃત્તિપરાયણ દેખાશે; સતત સંવાદથી ભરેલા દેખાશે. તેમની પાસે જઈને તમે કહેવા માંડો કે તમે તો ઘણા મહાન છો, સંત છો, તો તરત જ કહી ઊઠશે કે ના, મહાન તો એક ઈશ્વર છે. હું તો તેના ચરણની રજ છું. તેના ચરણના દાસ જેવા સંતપુરૂષોનો પણ દાસ છું, ને તેમની ચરણરજને શિર પર ચઢાવું છું. ઈશ્વરના પ્યારા થવાનો મારો પ્રયાસ છે. સંતોની કૃપા મેળવવાનો મારો મનોરથ છે. હું તો એક સાધારણ પ્રાણી છું. વાત સાચી છે.


સંતોની દશા બાલક જેવી નમ્ર, નિર્દોષ ને નિખાલસ હોય છે. જેમ બાળકને કહેવામાં આવે કે તું નિર્દોષ છે, તો તેને તે વિચિત્ર લાગે છે. તેણે કાંઈ નવું સાંભળ્યું છે એમ તેને લાગતું નથી કેમ કે સંસારમાં નિર્દોષતા વિના બીજું હોઈ જ ના શકે એવી તેની ભાવના હોય છે. તેમ માણસ નિર્દોષ બને, નમ્ર બને, ને ઈશ્વરની કૃપા મેળવીને પરિપૂર્ણ કે ધન્ય બને, એ તો તેની ફરજ છે, તેનો સ્વભાવ છે, એમાં તે નવું શું કરી રહ્યો છે જેથી તેને લોકોત્તર કે મહાન કહેવામાં આવે, ને પ્રશંસાના પારિતોષક માટે પ્રમાણભૂત માનવામાં આવે, તે તેની સમજમાં આવતું જ નથી. ચોમાસું આવે ને મુશળધાર વરસાદ વરસે ત્યારે નદી ને ઝરણાં પાણીથી ઉભરાઈ જાય છે, તેમ વિદ્યા ને વિશેષતાથી સાધારણ માણસો ભલે છલકાઈ ઊઠે ને સંયમ ખોઈ બેસે, મહાપુરૂષો તો પોતાની શાંતિ સાચવી રાખે છે, ને નિષ્ઠામાં મશગુલ રહે છે.


પરમાત્મામાં જ આસક્ત એવા તે મહાત્માને સંસારના કોઈયે સુખ કે રસની કામના હોતી નથી. પરમાત્માને પ્રાપ્ત કરીને પ્રેમ ને સમતાની મૂર્તિ બનેલો તે મહાત્મા સંસારની શોભામાં અનેકગણો વધારો કરતાં જીવે છે. એવા મહાપુરૂષોનું દર્શન જેને થાય છે, તેના હજારો જન્મોના પુણ્યોનો ઉદય થયો એમ જ સમજી લેવું.


- શ્રી યોગેશ્વરજી


મહાનતાનો માર્ગ


અલ્પતાનો અંત લાવી મહાનતા મેળવવાનું કામ કપરૂં છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણ કહેવામાં આવ્યા છે. તેમને જીવનમાં ઉતારવાનું કામ કઠિન પણ છે. માણસ ધારે તો કઠિનને પણ સરળ બનાવીને મહાન બની શકે છે. આ સંસારમાં કઠિન કહેવાતાં કેટલાય કામ માણસે પોતાની કુશળતાથી સરળ કર્યા છે. ભયંકર ઉછાળા મારતા સાગર પર તે સફર કરે છે, મૃત્યુનો ભય મૂકીને સાપ ને રીંછ જેવા ઝેરી ને જંગલી પ્રાણીઓને વશ કરે છે, મોટા મોટા પર્વતોને ઓળંગે છે, ને તેમ કરવામાં ગૌરવ માને છે. ત્યારે આ વાત તો તેના પોતાના જ વિકાસની છે. તે દ્વારા જે લાભ મળે છે તે અપાર છે. પછી તેમાં તે પ્રમાદ શા માટે કરે ? ભારતીય ઈતિહાસમાં શંકર, શુકદેવ ને જડભરત સ્થિતપ્રજ્ઞ ગણાય છે. દત્તાત્રેય ને જનક પણ તેવા મનાય છે. તેમના જીવનનો વિચાર કરીને માણસ પ્રયાસ કરે તો પોતે પણ તેવો બની શકે.


જે માણસ મહાન બનવા કે સાચો માનવ થવાનો પુરૂષાર્થ કરશે, તેના માર્ગમાં વિઘ્નો તો આવવાનાં જ. એ વિઘ્નો બહારનાં જ હોય છે એમ ના માનતા. બહારનાં વિઘ્નો ઉપરાંત માણસની અંદરનાં વિઘ્નો પણ આવે છે, ને તેમની શક્તિ વધી જાય છે. બહારનાં વિઘ્નોને પાર કરનાર પુરૂષ પણ કેટલીકવાર અંદરનાં વિઘ્નોથી ડગી જાય છે. માણસનું મન જુદા જુદા વિષયોના રસમાં રમવાને ટેવાયેલું છે. ઈન્દ્રિયોના આકર્ષણથી તે બંધાયેલો છે. તે આકર્ષણથી પર થઈને તેણે મનનો કાબુ કરવાનો છે. મનને માંકડાં જેવું કહ્યું છે. તેને વશ કર્યા વિના મહાનતા મળવી મુશ્કેલ છે. સંસારમાં વિદ્યાવાન, ધનવાન ને બલવાનને મહાન માનવામાં આવે છે, પણ ગીતામાતાની દૃષ્ટિ એ બાબત જરા જુદી છે. જેણે મન ને ઈન્દ્રિયો પર કાબુ કર્યો છે, ને પરમાત્મામાં પ્રીતિ કરી છે, તે જ મહાન છે ને પૂજ્ય છે એમ ગીતાનું કહેવું છે.


બહુ નાની વયમાં જ્યારે મને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની ઈચ્છા થઈ, ત્યારે ગીતા મારે માટે ખૂબ ઉપયોગી થઈ પડી. તેમાંય સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોએ મને ખૂબ પ્રેરણા પૂરી પાડી. તે લક્ષણો વાંચતાં મને લાગ્યું કે સ્થિતપ્રજ્ઞ–પુરૂષ બધી લૌકિક કામનાનો ત્યાગ કરે છે, ને આત્માનંદમાં મગ્ન બને છે, પણ મારા મનમાં તો કામના થયા કરે છે. તેને છોડી મારે આત્માનંદમાં મગ્ન બનવું જોઈએ. સ્થિતપ્રજ્ઞ–પુરૂષ સુખથી હરખઘેલો થતો નથી ને દુઃખથી ડગતો નથી; તેને ભય ને ક્રોધ થતા નથી: પરમાત્મા વિના બીજા કોઈમાં તે રાગ કરતો નથી:  શું મારી દશા આવી છે કે ? સુખ ને દુઃખ તેમ જ સારી ને નરસી પરિસ્થિતિમાં મારી દશા શું સરખી રહે છે કે ? કામ ને ક્રોધથી હું પૂર્ણપણે મુક્ત થયો છું કે ? તેમાંથી છૂટવાનો પ્રયાસ નિરંતર ચાલુ છે ખરો ? મારે સદ્ ગુણી બનવું જોઈએ, શાંત થવું જોઈએ, ને બીજી બધી વસ્તુના રસનો ત્યાગ કરી પરમાત્માના રસના અનુરાગી થવું જોઈએ. તો પરમાત્માની કૃપા થાય ને હું મહાન બની શકું. પછી મારી ત્રુટિને દૂર કરવાના ને ઉત્તમ ગુણોને ગ્રહણ કરવાના પ્રયાસમાં મેં મારાં મનને લગાડી દીધું. તેવી રીતે કોઈપણ માણસ કરી શકે છે. પોતાના ગજા પ્રમાણે તેને થોડો ઘણો આનંદ જરૂર મળશે, ને સરવાળે લાભ જ થશે. વ્યવહારમાં કે એકાંતમાં જ્યાં પણ રહેવાનું થાય ત્યાં રહીને માણસે આ માટે તાલીમ લેવાની છે. સુખ ને સંપત્તિથી ફુલાવું નહિ, ને દુઃખથી ડગવું નહિ, તથા ભય ને ક્રોધ તથા કામને વશ થવું નહિ. આની સાથે સાથે તેણે પ્રભુનું શરણ લેવું.


- શ્રી યોગેશ્વરજી


સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો


જે પરમાત્મા સાથે એકતા સાધીને મહાન કે સ્થિતપ્રજ્ઞ બને, તે પછીથી કોઈ કારણથી મોહ પામે છે ? વિકાસની છેવટની દશાએ પહોંચ્યાં પછી તેનું પતન થાય છે ખરું ? જે મુક્ત થયો તે ફરીથી બંધનમાં સપડાય છે ખરો ? જે સમજુ છે તે સમજી જશે કે એ પ્રશ્નો જ અસ્થાને છે. મોહ ને પતન માટેનો અવકાશ અધકચરી કે અપૂર્ણ દશામાં છે. પરમાત્માને પામી પૂર્ણ થયા પછી તેવો અવકાશ નથી રહેતો. લોઢાનો ટૂકડો પારસના સ્પર્શથી સોનું થયો પછી તેને ફરી લોઢું થવાનો ભય ક્યાં છે ?


અર્જુનને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શા માટે કહેવામાં આવ્યાં એમ કોઈને પ્રશ્ન થશે. તેનો ઉત્તર એ છે કે જીવનનું ધ્યેય શું છે તે જાણવાની ને તે ધ્યેય પર પહોંચેલા પુરૂષો વિશે જાણવાની ઈચ્છા અર્જુને પોતે જ બતાવી છે. તેને કર્મ કરવાનું હતું પણ તે કુશળતાપૂર્વક કરવાનું હતું. કર્મ કરીને તે મહાન બને ને અનાસક્ત થાય તે માટે આ બધી માહિતી જરૂરી હતી. આજે પણ તે એટલી જ ઉપયોગી છે. જીવનને સફળ કરવાની ઈચ્છા હોય તો સૌ તેનો લાભ લઈ શકે છે. આ માહિતી મેળવીને અર્જુનને કેટલો આનંદ થયો હશે તે કોણ કહી શકે ? વાંચનાર ને સાંભળનારને આટઆટલાં વરસ વીતી ગયાં તો પણ આનંદ થાય છે તો પછી અર્જુનને તો ભગવાને ઉપદેશ આપ્યો હતો. ભગવાનના સ્વરૂપનો સ્વાદ લેતાં ને તેમનું શબ્દસંગીત સાંભળતાં તેને અપાર આનંદ આવ્યો હશે તે નક્કી છે.


ભગવાને કહેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનો ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય :


સ્થિતપ્રજ્ઞ પુરૂષ કામનાનો ત્યાગ કરીને મનને તેના મૂળ સ્વરૂપ પરમાત્માનું મિલન કરાવે છે તેથી તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તે સદા આત્માનંદમાં મગ્ન રહે છે.

દુઃખના ડુંગર તૂટી પડે તો પણ તે દુઃખી થતો ને શોક કરતો નથી. સુખ ને સંપત્તિથી છલકાઈ કે ફુલાઈ જતો નથી. તે ભય, ક્રોધ ને રાગદ્વેષથી મુક્ત હોય છે.
પરમાત્મામાં જ તે આનંદ માને છે. પરમાત્માને પ્રેમ કરે છે. સારા કે નરસા વાતાવરણ કે પદાર્થની પ્રાપ્તિથી તે હરખાતો કે શોક કરતો નથી. તેના પરમાત્મ પ્રેમમાં કોઈ જાતનો વિક્ષેપ નથી પડતો.
કાચબો જેમ અંગોને સંકોચી લે છે, તેમ તે ઈન્દ્રિયોને બહારના પદાર્થોમાંથી પાછી વાળી સ્થિરતાનો આનંદ અનુભવે છે.
પહેલાં તે વિષયોથી દૂર રહી સંયમ કરે છે, તેથી તેનો વિષયરસ દૂર થાય છે. છતાં વિષયરસનો સ્વાદ લેવાની જે સૂક્ષ્મ વૃત્તિ તેના દિલમાં રહી ગઈ હોય છે, તે ક્યારેક પાંગરવાનો સભંવ રહે છે. પરમાત્માનું દર્શન કરવાથી તે વૃત્તિ પણ દૂર થાય છે ને તે સંપૂર્ણપણે પવિત્ર બની રહે છે.
તે મનને વશ કરે છે, મનની ગુલામીનો નાશ કરે છે.
રાગ ને દ્વેષથી રહિત થઈને તે મનનો કાબુ કરે છે. ઈન્દ્રિયોથી વિષયોને વિવેકી બનીને ભોગવે છે ને બીજા જરૂરી કર્મ કરે છે. તેથી તેને પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય છે.
તેથી તેનાં દુઃખ દૂર થાય છે. તેની ચિંતા મટી જાય છે ને તેની બુદ્ધિ સત્વર સ્થિર થાય છે.
પરમાત્માની સાથેની એકતાનો અનુભવ ના કરનાર ને મન તથા ઈન્દ્રિયોનો કાબુ ના કરનારને શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ થતી નથી તથા ઉત્તમ ભાવના પણ તેમનામાં ઊઠતી નથી. ઉત્તમ ભાવના વિના શાંતિ મળવી મુશ્કેલ છે. સ્થિતપ્રજ્ઞને સ્થિરતા, વિવેક ને સુખશાંતિની પ્રાપ્તિ થઈ હોય છે.
સાધારણ માણસો સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં આનંદ માને છે ને લપટાય છે ને દેખતા છતાં અંધ ને જાગતાં ઊંઘતા જેવા છે. સ્થિતપ્રજ્ઞ પુરૂષની વાત તેથી જુદી જ હોય છે. વિષયોનો રસ દૂર કરીને તે પરમાત્માના પ્રેમરસનો અનુભવ કરવાની ઈચ્છા રાખે છે. પરમાત્માનો અનુભવ કરતાં જ્ઞાનની દૈવી દુનિયામાં તે સદાય જાગતો રહે છે. એક પળનો પણ પ્રમાદ કરતો નથી, ને લેશ પણ ગફલતમાં પડતો નથી.
સાગરમાં સમાઈ જતા જુદા જુદા પાણીના પ્રવાહોની પેઠે કામનાઓ તેમના મનમાં સમાઈ જાય છે. તે તેને ચંચલ કરતી, નથી, ને તેની શાંતિ ને સન્મતિની મર્યાદાને તોડી દઈને તેને ઉચ્છ્રંખલ ને અશાંત નથી બનાવતી.
તે કોઈની પણ સ્પૃહા વિનાનો હોય છે. કોઈની ખોટી પરવા કે ખુશામત નથી કરતો. મમતા ને અહંતાથી રહિત હોય છે. અભિમાન તો તેને અડકી શકતું પણ નથી. તે શિશુ જેવો સરલ ને નમ્ર હોય છે.
કોઈયે સંજોગોમાં, કોઈયે કારણથી, તેને મોહ નથી થતો; તે અજ્ઞાની નથી બનતો. તેના અંતરમાં પ્રકટી ચૂકેલી જ્ઞાનની જ્યોતિ તેને કાયમી પ્રકાશ પૂરો પાડે છે.
છેવટે શરીર છૂટતાં, તે મુક્તિ મેળવે છે. શરીરમાં રહીને જ તેણે મુક્તિ મેળવી હોય છે પરંતુ શરીર છૂટ્યા પછી તેને ફરી શરીર ધારણ કરવાની કે જન્મવાની ફરજ પડતી નથી.
- શ્રી યોગેશ્વરજી


No comments:

Post a Comment